નવી દિલ્હીઃ 7 ઓક્ટોબર, 2001ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત ગુજરાતના સીએમ તરીકે શપથ લીધા હતા. 23 વર્ષની આ સફરમાં મોદીએ જ્યાં પોતાના નિર્ણયોથી ટીકાકારોને ખોટા સાબિત કર્યા છે, તો બીજી તરફ તેમણે દેશના રાજકીય પંડિતોને પણ ચોંકાવી દીધા છે. પીએમ મોદી હજુ સુધી એકપણ ચૂંટણી હાર્યા નથી. તેથી તેઓ અજેય છે, જોકે તેઓ પ્રથમ વખત ગઠબંધન સરકારનું નેતૃત્વ કરી રહ્યા છે. ત્રીજી વખત શપથ લીધા બાદ પીએમ મોદી ગયા મહિને ગુજરાતની પ્રથમ મુલાકાતે આવ્યા ત્યારે તેમણે પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા હતા, તેઓ અટકવાના નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા 23 વર્ષમાં મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતપોતાની રીતે નિર્ણયો લીધા છે. તેમણે હજુ સુધી એક પણ દિવસની અંગત રજા લીધી નથી. તેમણે 13 વર્ષ સુધી મુખ્યમંત્રી તરીકે કામ કર્યું અને હવે વડાપ્રધાન તરીકે 10 વર્ષ પૂર્ણ કર્યા છે. જેઓ તેમને નજીકથી ઓળખે છે તેઓ કહે છે કે પીએમ મોદીએ આટલાં વર્ષોમાં પોતાની જાતને ઘણી બદલી નાખી છે. તેમના ચાહકોમાં નમો અને તેમના સાથીદારોમાં નરેન્દ્રભાઈ નામથી પ્રખ્યાત પીએમ મોદી આટલા વર્ષો પછી પણ લોકપ્રિય છે.


એક થી 23 સુધીની મુસાફરી
એ વાત સાચી છે કે મોદીએ 2001માં પહેલીવાર મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા, પરંતુ તેઓ જાહેર જીવનમાં પહેલેથી જ સક્રિય હતા. પહેલાં તેઓ આરએસએસના સામાન્ય પ્રચારક તરીકે કામ કરતા હતા, પછી તેઓ ભાજપમાં જોડાયા હતા. આ સમયગાળા દરમિયાન મોદીએ ગુજરાતમાં બીજેપીને એક મજબૂત તાકાત બનાવવામાં ઘણા વર્ષો ગાળ્યા હતા. રાજ્ય ભાજપના સંગઠન સચિવ તરીકેના તેમના અથાક પ્રયાસોએ પાર્ટીને કોંગ્રેસના ગઢમાં પ્રવેશ કરવામાં મદદ મળી હતી. 1984માં ગુજરાતમાં ભાજપના એક જ સાંસદ હતા. એ.કે.પટેલ મહેસાણામાંથી ચૂંટાયા હતા પરંતુ મોદીના ઉદય સાથે રાજ્યમાં ભાજપ ખૂબ જ મજબૂત બન્યું હતું. 2014 અને 2019માં પાર્ટીએ તમામ 26 બેઠકો જીતી હતી.


આ પણ વાંચોઃ મોદીને દેશના સફળ PM બનાવવા પાછળ ગુજરાતનો સિંહફાળો, જુઓ આ રહ્યા પુરાવા


મોદીએ ના પાડી દીધી હતી
રાજકીય વર્તુળોમાં એવું કહેવાય છે કે જ્યારે સંઘે 1985માં મોદીને ભાજપ સાથે કામ કરવા માટે નિયુક્ત કર્યા ત્યારે તે ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો. એટલું જ નહીં 2001માં જ્યારે તત્કાલિન કેન્દ્રીય નેતૃત્વએ તેમને ગુજરાત મોકલ્યા ત્યારે તેઓ સર્વસંમતિથી નેતા તરીકે ચૂંટાયા અને પછી મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા. બહુ ઓછા લોકો જાણતા હશે કે આ પહેલાં તેમને ગુજરાત સંગઠનના વડા એટલે કે પ્રદેશ અધ્યક્ષ પદની ઓફર કરવામાં આવી હતી. જેની પીએમ મોદીએ ના પાડી દીધી હતી. તેમણે 7 ઓક્ટોબર, 2001ના રોજ ગુજરાતના 14મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તે એક ઐતિહાસિક ક્ષણ હતી, જે રાજ્ય અને મોદીની નેતૃત્વ યાત્રા બંને માટે એક નવા અધ્યાયની શરૂઆત દર્શાવે છે. તેમનો પહેલો અને સૌથી તાત્કાલિક પડકાર ભૂકંપ પછી ગુજરાતનું પુનઃનિર્માણ કરવાનો હતો, પરંતુ તેમના માર્ગદર્શન હેઠળ રાજ્ય માત્ર બેઠું જ ન થયું પણ પહેલાં કરતા વધુ મજબૂત બન્યું. તેનાથી મોદીની નવી છબી બની ગઈ.