‘ચોર ચોર’ કહીને બે ભાઈઓએ મળીને યુવકને કર્યો બદનામ, વીડિયો રેકોર્ડિંગ કરીને આત્મહત્યાનું પગલુ ભર્યું
આત્મહત્યાના થોડા દિવસો બાદ વીડિયો રેકોર્ડિંગ મળતા આ મામલે બે સગા ભાઇઓ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની દાણીલીમડા પોલીસે નોંધી
મૌલિક ધામેચા/અમદાવાદ :અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં એક કારખાનામાં કામ કરતા યુવકે આત્મહત્યા કરી લેતા બે સાથી કર્મચારીઓ વિરુદ્ધ આત્મહત્યા (suicide) ના દુષ્પ્રેરણની ફરિયાદ નોંધાઈ છે. આ શખ્સો યુવકને ચોર ચોર કહી બદનામ કરી હેરાન કરતા હતા. જે વાતનું યુવકને લાગી આવતા યુવકે કારખાનામાં જ આત્મહત્યા કરી લીધી હતી. જો કે, આત્મહત્યાના થોડા દિવસો બાદ વીડિયો રેકોર્ડિંગ મળતા આ મામલે બે સગા ભાઇઓ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની દાણીલીમડા પોલીસે નોંધી છે. ફરિયાદ બાદ બંન્ને ભાઇઓ વતન પલાયન થઇ જતા દાણીલીમડા પોલીસે આ મામલે બંન્નેની શોધખોળ કરી છે.
શહેરના દાણીલીમડા વિસ્તારમાં રહી એક ખાનગી કંપનીમાં ઓપરેટર તરીકે છેલ્લા ત્રણ વર્ષથી આકાશ અને તેનો ભાઈ અંકિત બંન્ને નોકરી કરતા હતા. આકાશ અને અંકિતની સાથે તેમના સાથી કર્મચારી તરીકે હરીઓમ ઉર્ફે ગોલુ રામઅવતાર તોમર, તથા તેનો ભાઇ સંતોષ રામઅવતાર તોમર પણ નોકરી કરતા હતા. આકાશ અને અંકિતના એક ગામના જ હોવાથી એકબીજા સાથે મળી રહેતા હતા. પણ 23મી સપ્ટેમ્બરના રોજ બપોરે 3 વાગ્યે બ્રિજેશ પોતાની રીક્ષા લઇ ફેરા મારી રહ્યો હતો, ત્યારે આકાશ તોમરે બ્રિજેશ નામના યુવકને ફોન કરી જણાવ્યું હતું કે, મારી સાથે કારખાનામાં કામ કરતા હરીઓમ તથા તેનો ભાઇ સંતોષ મળીને મારા પર મોબાઇલ ચોરીનો ખોટો આરોપ લગાવી રહ્યાં છે અને તેઓ મારા પર પોલીસ કેસ કરવાની ધમકી આપી રહ્યાં છે. જેથી બ્રિજેશે આકાશને કહ્યુ કે, આવું કંઇ નહીં થાય તુ પગાર લઇ ઘરે જતો રહે. જો કે આકાશે રડતા રડતા જણાવ્યું હતું કે, મારા શેઠ અત્યારે પગાર નહીં આપે થોડા દિવસ પહેલાં હરીઓમ અને તેના ભાઇ સંતોષે મને માર્યો હતો અને તુ ચોર છે તેવું કહી બદનામ કરી રહ્યાં છે.
આ દરમ્યાનમાં 25મી સપ્ટે.ના રોજ બ્રિજેશને સહદેવ તોમરે ફોન કરી કહ્યું હતું કે, આકાશે ફાંસી લગાવી લીધી છે, પરંતુ ગભરાવાની કોઇ જરૂર નથી. તેને એલજી હોસ્પિટલમાં લઇ ગયા છીએ. જેથી બ્રિજેશ હોસ્પિટલ પહોંચતા પિતરાઇ ભાઇ અંકિત તેના શેઠ સહિતના લોકો સાથે હાજર હતા. ત્યારે તો મૃતકના ભાઈ અંકિતે પણ આકાશે અગમ્ય કારણસર ગળે ફાંસો ખાઇ લીધા હોવાનું કહ્યું હતું. જેથી તેના મૃતદેહને અંતિમ વિધિ માટે રાજસ્થાન લઇ ગયા હતા. આ મામલે બ્રિજેશ સાથે મૃતકે અગાઉ વાતચીત કરતા મૃતકના મોબાઈલમાંથી મળી આવેલ વીડિયોને પગલે હરીઓમ તથા સંતોષ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
આકાશે આત્મહત્યા પહેલાં એક વીડિયો રેકોર્ડિંગ પણ કર્યો
વીડિયોમાં આકાશે કહ્યું કે, હું આત્મહત્યા કરી મારી સચ્ચાઇ સાબિત કરવા ઇચ્છું છું. આજના જમાનામાં કોઇ પર ભરોસો ન કરતા હું અમદાવાદ રહેતો હતો. મારા મિત્ર હરીઓમ અને તેનો ભાઇ સંતોષ સાથે પરંતુ તેમને મારા પર ભરોષો ન હતો. એક છોકરાનો મોબાઇલ ફોન ખોવાઇ ગયો, જે દસ હજારનો હતો. પરંતુ તેઓએ મારા પર ભરોસો ન હતો. તેઓ તેમણે મારા પર શંકા કરી. અમે સારા દોસ્ત હતા હું તેમના ઘરે ઘણીવાર જઇ ચૂક્યો છું. બંન્ને ભાઇઓએ મને મારા શેઠની નજરમાંથી ઉતારી દીધો. હું આત્મહત્યા કરી અને પોતે સાચો છુ તે સાબિત કરવા ઇચ્છું છું.