* જીલ્લા કલેક્ટર રેમ્યા મોહનનાં આદેશ, 400 બાળકો માટે બેડ રીઝર્વ રાખવા
* 23 ઓક્સિજન પ્લાન સ્થાપી પ્રાણવાયુનો પ્રશ્ન કરાશે હલ
* વેક્સિનેશન વધારવા આદેશ, અંધશ્રદ્ધા અને ગેરમાન્યતા દુર કરવા આધિકારીઓ મેદાને


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગૌરવ દવે/રાજકોટ : કોરોનાની ત્રીજી લહેરને લઇને રાજકોટ જીલ્લા વહિવટી તંત્રએ તૈયારીઓ શરૂ કરી છે. બીજી લહેરમાં રહેલી કચાશનું ફરી એક વખત પુનરાવર્તન ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. રાજકોટ જીલ્લા કલેક્ટરે જીલ્લા વિકાસ અધિકારી, આરોગ્ય અધિકારી, સિવીલ સુપ્રિટેન્ડન્ટ સહિતનાં અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં ત્રીજી લહેરમાં રાજકોટ શહેર અને જીલ્લામાં 14 હજાર બેડની સુવિધા ઉભી કરવા આદેશ આપ્યા છે. સાથે જ ત્રીજી લહેરમાં બાળકો કોરોના સંક્રમિત વધુ થવાનો ભય હોવાથી સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં બાળકો માટે 400 બેડ રીઝર્વ રાખવા આદેશ કર્યા છે. 


રાજકોટ જીલ્લા કલેક્ટર રેમ્યા મોહને આજે પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજકોટ શહેર અને જીલ્લામાં કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાયો છે. નહિવત કેસ નોંધાય રહ્યા છે પરંતુ ત્રીજી લહેરમાં પૂરતી સારવાર મળી રહે તે માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્રીજી લહેરમાં બેડ માટે દર્દીઓએ ભટકવું ન પડે તે માટે જીલ્લામાં 14 હજાર બેડની સુવિધાઓ ઉભી કરવામાં આવશે. જેમાં સૌથી વધુ બેડની સુવિધા રાજકોટ શહેરમાં ઉભી કરવામાં આવશે. ત્રીજી લહેરમાં બાળકો કોરોના સંક્રમિત થવાનો ખતરો સૌથી વધું છે. જેને લઇને ખાનગી અને સરકારી હોસ્પિટલમાં 400 બેડની સુવિધા રીઝર્વ રાખવા આદેશ આપવામાં આવ્યા છે.


હાલ રાજકોટ જીલ્લામાં 8 હજાર બેડની જ સુવિધા
કોરોનાની બીજી લહેરમાં રાજકોટ શહેર અને જીલ્લામાં બેડ માટે દર્દીઓએ દરદરનાં ધક્કા ખાવા પડ્યા હતા. મુશ્કેલીનાં સમયમાં દર્દીઓને વાહનોની અંદર સારવાર લેવાની નોબત આવી હતી. ચૌધરી હાઇસ્કુલ ગ્રાઉન્ડમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થવા માટે 24 કલાક સુધી લાંબી કતારોમાં દર્દીઓ અને એમ્બ્યુલન્સો જોવા મળતી હતી. ત્યારે ત્રીજી લહેરમાં આ પરિસ્થિતીનું પૂનરાવર્તન ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. હાલમાં રાજકોટ શહેર અને જીલ્લામાં 8 હજાર બેડની સુવિધા છે. જેમાં સિવીલ હોસ્પિટલ, સમરસ હોસ્ટેલ, કેન્સર હોસ્પિટલ જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં જસદણ, ધોરાજી અને ગોંડલમાં બેડની સુવિધા છે. હજું 6 હજાર બેડ વધારવાની તંત્ર દ્વારા તૈયારીઓ દર્શાવવામાં આવી છે. 


23 ઓક્સિજન પ્લાન સ્થપાશે-કલેક્ટર
રાજકોટ શહેર અને જીલ્લામાં કોરોનાની ત્રીજી લહેરમાં પ્રાણવાયું માટે હાલાકીનો સામનો ન કરવો પડે તેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તમામ ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવી રહ્યા છે. આગામી સમયમાં વીવાયઓનાં ઓક્સિજન પ્લાન્ટની સાથે 23 નવા ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવશે. જેમાં ગ્રામ્ય વિસ્તારનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. હાલ રાજકોટ સિવીલ હોસ્પિટલ સહિતની જગ્યાએ ત્રણ પ્લાન્ટ કાર્યરત કરી દેવામાં આવ્યા છે. 


વેક્સિનેશન ઝડપી બનાવો, અંધશ્રદ્ધા દૂર કરો
રાજકોટ જિલ્લા કલેકટરે આજે અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં રસિકરણ ઝડપી કરવા આદેશ આપવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારમાં લોકોમાં અંધશ્રદ્ધા અને ગેર માન્યતા ને કારણે લોકો વેક્સિન મુકાવતા ન હોવાનું જિલ્લા કલેક્ટરનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું હતું. જેને લઈને હવે અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે અને લોકોમાં વેક્સિન માટે જાગૃતતા લાવવા મેદાને ઉતરવા માટે આદેશ આપી દેવામાં આવ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube