ઝી મીડિયા/બ્યૂરો :નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોએ આજે ભારત બંધનું આહ્વાન કર્યું છે. ખેડૂતોના ભારત બંધ (Bharat Bandh) ને કોંગ્રેસ સહિત દેશના 10થી વધુ રાજકીય પક્ષોએ સમર્થન આપ્યું છે. ભારત બંધમાં ગુજરાતના કેટલાક ખેડૂતો, મજૂરો, વેપારીઓ અને ટ્રેડ યુનિયનો જોડાશે, આ વિરોધના પગલે આજે ગુજરાતમાં મોટાભાગની APMC બંધ રહેશે તેવી જાહેરાત કરાઈ છે. પરંતુ મોડી રાત્રે ગુજરાતમાં કેટલાક શહેરોમાં ટાયર સળગાવીને ચક્કાજામ કરવાનો પ્રયાસ કરાયો હતો. જોકે, બીજી તરફ, વિરોધને પગલે ગુજરાત પોલીસ દ્વારા કેટલાક ખેડૂત અગ્રણીની પહેલેથી જ અટકાયત કરી લેવાઈ હતી. તો અનેક શહેરો અને ગુજરાતની બોર્ડર પર ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટાયર સળગાવી વિરોધ કરાયો 
ભરૂચમાં ભારત બંધના પગલે દહેજ રોડ પર ટાયરો સળગાવી ચક્કાજામ કરાયો હતો. જેથી વાહનોની લાંબી કતારો લાગી હતી. તો બીજી તરફ, વડોદરા શહેર કોંગ્રેસે નેશનલ હાઇવે 8 પર ટાયર સળગાવ્યા છે. જાંબુવાથી તરસાલી હાઈવે પર ટાયર સળગાવી ચક્કાજામ કરાયો હતો. હાઈવે પર ખેડૂત સમર્થનમાં નારા લગાવવામાં આવ્યા. ભારત બંધના પગલે કોંગ્રેસનો આક્રમક કાર્યક્રમ કર્યા, તો બીજી તરફ વડોદરા પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી. 



અમદાવાદમાં નહિવત અસર
ખેડૂતોના ભારત બંધની અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં નહિવત અસર જોવા મળી. સવારના સમયે તમામ વાહનવ્યવહાર સામાન્ય જોવા મળ્યો. રીક્ષાચાલકો 8 વાગ્યા બાદ બંધમાં જોડાશે. સવારના સમયે ઘરનું ગુજરાન ચલાવવા રીક્ષાઓ રસ્તા પર દોડતી જોવા મળી. સવારના 6 થી 8 દરમિયાન પોતાનું ગુજરાન ચલાવવા રિક્ષાચાલકો બહાર નીકળ્યા હતા. તો મુસાફરોને પરેશાની ન થાય તે માટે સવારે રિક્ષાઓ ચાલુ રખાઈ હતી. 


રાજસ્થાન-ગુજરાત બોર્ડર પર બંદોબસ્ત  
અરવલ્લીમાં ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ભારત બંધના એલાનને પગલે પોલીસ સતર્ક થઈ છે. રાજસ્થાનમાં બંધના સમર્થનને પગલે બોર્ડર વિસ્તારમાં પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે. તો શામળાજી-રતનપુર બોર્ડર પર પોલીસ તૈનાત કરી દેવાઈ છે.