રક્ષિત પંડ્યા/રાજકોટ :આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે, પણ તેની કોઈ અસર રાજકોટમાં ન જોવા મળી. આજે રાજકોટમાં સવારથી જ બધુ ખુલ્લુ જોવા મળ્યું. બસ સેવા, રીક્ષા, બજારો બધુ જ સવારથી ચાલુ છે. અનેક માર્કેટ સવારથી ખુલ્લી છે. રાજકોટમાં ભારત બંધ (bharat bandh) ની અસર નહિવત જોવા મળી. બે માર્કેટ યાર્ડને બાદ કરતાં તમામ બજારો ખુલ્લા છે. રાજકોટ (rajkot) માં જનજીવન સામાન્ય બની રાબેતા મુજબ ચાલી રહ્યું છે. ત્યારે બંધ વિશે પ્રતિસાદ આપતા શહેરીજનોએ જણાવ્યું કે, આંદોલનકારીઓએ સરકાર સાથે વાટાઘાટ કરી નિરાકરણ લાવવું જોઈએ. બંધ એ કોઇ વિકલ્પ નથી. લોકડાઉન અને અનલોક બાદ વેપારીઓની પરિસ્થિતિ ધીમેધીમે આગળ વધી રહી છે. હાલના સમયમાં બંધ પાળવું વેપારીઓ માટે મુશ્કેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ બેડી માર્કેટ યાર્ડે બંધ પાળ્યું 
ખેડૂત આંદોલનના સમર્થનમાં આપવામાં આવેલ ભારત બંધન એલાનમાં રાજકોટ બેડી માર્કેટ યાર્ડના વેપારીઓ અને દલાલો સ્વયંભૂ જોડાઇ અને બંધને સમર્થન પૂરું પાડ્યું છે. રાજકોટ યાર્ડના સત્તાધીશો દ્વારા સાંજના સમયે યાર્ડ રાબેતા મુજબ શરૂ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી હતી અને સમર્થન આપનાર વેપારીઓ અને દલાલો ઉપર દબાણ બનાવી સમર્થન ન આપવા જણાવ્યું હતું. જો કે આમ છતાં પણ આજે યાર્ડના વેપારીઓ અને દલાલોએ સ્વયંભૂ બંધ પાળી સમર્થન આપ્યું છે. આજે સવારના સમયે યાર્ડમાં ન તો કોઇ વેપારી, ન તો કોઇ દલાલ, ન તો કોઇ ખેડૂત કે ન તો કોઇ મજૂર જોવા મળ્યા હતા. એટલે કે બંધના સમર્થનમાં રાજકોટ યાર્ડ આવ્યું હોય તેવું સ્પષ્ટ માની શકાય છે. 


જબરદસ્તી બંધ કરાવવા નીકળેલા લોકો સામે કાર્યવાહી 
ભારત બંધના એલાનને લઇ રાજકોટ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. સવારના 7 વાગ્યાથી શહેરમાં પોલીસની નાકાબંધી જોવા મળી છે. 2 DCP, 6 ACP, PI, PSI ઉપરાંત 2000 જેટલા પોલીસ જવાનો અને 4 SRP કંપનીની ફોજ રાજકોટના રસ્તા પર ઉતારી દેવાઈ છે. આ સાથે જ જબરદસ્તી બંધ કરાવવા નીકળેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. 


કોંગી કાર્યકર્તાઓની અટકાયત


  • આવામાં રાજકોટ રાજનગર ચોક ખાતે NSUI ના કાર્યકર્તાઓએ દુકાનો બંધ કરાવી હતી. દુકાનના શટર પાડી NSUI ના કાર્યકર્તાઓ દ્વારા બંધ પડાવવામાં આવ્યું હતું. આમ, લોકોની ખુલ્લી દુકાનો બંધ કરાવીને NSUI ભારત બંધને સમર્થન આપવા માટે મેદાને આવ્યું છે. તો બીજી તરફ, ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાની પણ અટકાયત કરાઈ. જંક્શન વિસ્તારમાં વેપારીઓને બંધ માટે સમર્થન આપવા અપીલ કરવા જતાં પ્રદ્યુમનનગર પોલીસે ગાયત્રીબા વાઘેલાની અટકાયત કરી છે. 

  • રાજકોટમાં ભારત બંધના એલાન મામલે  વિરોધ કરવા આવેલા કોંગ્રેસી કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે. સરદાર ચોકમાં એકઠા થયેલા 10 જેટલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે. કોંગ્રેસ કાર્યકરોએ અહીં ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. 

  • રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં કોંગી કાર્યકર્તાઓ અને વેપારીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. કોંગ્રેસના કાર્યકર્તાઓ ઈમિટેશન બજાર બંધ કરાવવા નીકળ્યા હતા. ત્યારે દુકાનો બંધ રાખવા બાબતે બોલાચાલી થઈ હતી. જેથી બી ડિવિઝન પોલીસે કોંગી કાર્યકર્તાઓની અટકાયત કરી છે.