સિલાઈકામ કરીને ગુજરાન ચલાવતા પિતાના પરિશ્રમી પુત્રે મેળવ્યાં 99.98 પર્સેન્ટાઈલ
ગુજરાત માધ્યમિક શિક્ષા બોર્ડ (GSEB)નું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે જાહેર થઈ ગયું.
અમદાવાદ: ગુજરાત માધ્યમિક શિક્ષા બોર્ડ (GSEB)નું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે જાહેર થઈ ગયું. રાજ્યમાં વિજ્ઞાન પ્રવાહનું 72.99 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું. જેમાં રાજકોટ જિલ્લાનું સૌથી વધુ 85.3 ટકા પરિણામ આવ્યું. જો કે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પરિણામ ઓછુ આવ્યું. ગત વર્ષે 81.89 ટકા પરિણામ આવ્યું હતું. અંગ્રેજી માધ્યમનું પરિણામ 75.58 ટકા, ગુજરાતી માધ્યમનું 72.45 ટકા જ્યારે કુલ પરિણામ 72.99 ટકા આવ્યું. પરિણામ આવ્યાં બાદ એવા પણ કેસો સામે આવી રહ્યાં છે જેમણે અથાગ મહેનત અને પરિશ્રમથી પરીક્ષામાં જલવંત સફળતા મેળવી છે. આવા જ એક વિદ્યાર્થી છે ભાર્ગવ વાંકોતર. ભાર્ગવ એકદમ સામાન્ય પરિવારમાંથી આવે છે અને અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહે છે.
GSEBના વિજ્ઞાન પ્રવાહનું આજે જે પરિણામ જાહેર થયું તેમાં અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતા એક સામાન્ય પરિવારમાંથી આવતા ભાર્ગવ વાંકોતરે 99.98 પર્સેન્ટાઈલ મેળવ્યાં. જ્યારે ગુજસેટમાં 120માંથી 113 ગુણ મેળવ્યાં. ભાર્ગવના પિતા સિલાઈ કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. નિકોલમાં રહેતા આ પરિવારમાં 2 દીકરા અને એક દીકરી છે. ભાર્ગવને ડોક્ટર બનીને દર્દીઓની સેવા કરવાની ઈચ્છા છે.
અત્રે જણાવવાનું કે આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું. અંગ્રેજી માધ્યમનું પરિણામ 75.58 ટકા, ગુજરાતી માધ્યમનું 72.45 ટકા જ્યારે કુલ પરિણામ 72.99 ટકા આવ્યું છે. રાજકોટ જિલ્લાનું સૌથી ઊંચું પરિણામ 85.03 ટકા આવ્યું. જ્યારે છોટાઉદેપુર જીલ્લાનું પરિણામ સૌથી ઓછુ 35.64 ટકા આવ્યું છે.ધ્રોલ કેન્દ્ર 95.65 ટકા પરિણામ સાથે રાજ્યભરમાં પ્રથમ ક્રમે રહ્યું છે. અમદાવાદ શહેરમાં 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 75.24 ટકા આવ્યું છે, જ્યારે અમદાવાદ ગ્રામીણનું પરિણામ 82.17 ટકા આવ્યું છે. એટલે ગ્રામીણનું પરિણામ વધુ આવ્યું છે. આજે જાહેર થયેલા 12 સાયન્સના પરિણામોમાં વિદ્યાર્થીનીઓએ બાજી મારી હતી.