યુદ્ધના ડરથી યુક્રેનના રસ્તા પર ચકલુ પણ ફરકતુ નથી, માત્ર સાયરનના અવાજ સંભળાય છે, ભરૂચની યુવતીએ મોકલ્યો વીડિયો
Ukraine-Russia war : ડર ભર્યા માહોલનો વીડિયો ભરૂચની એક યુવતીએ મોકલ્યો છે. ભરૂચની આયેશા શેખે યુક્રેનના ખાલીખમ સડકોનો વીડિયો શેર કરીને સરકાર પાસે મદદની અપીલ કરી
ભરત ચૂડાસમા/ભરૂચ :રશિયાએ જંગનુ એલાન કરી દીધુ છે. રશિયાની સેના યુક્રેનમાં ઘૂસી ચૂકી છે. પુતિનની સૈન્યકાર્યવાહીના આદેશ બાદ યુક્રેનમાં અનેક ઠેકાણે ધડાકા સંભળાયા છે. યૂક્રેનની રાજધાની કીવ પર તો ક્રૂઝ અને બેલિસ્ટિક મિસાઈલોથી હુમલા થયાના મીડિયા રિપોર્ટ્સ છે. ત્યારે યુક્રેનમાં ડરનો માહોલ ફેલાઈ ગયો છે. આવામાં યુક્રેનમાં લોકો ઘરમાઁ ભરાઈ ગયા છે. રસ્તા પર ચકલુ પણ ફરકી નથી રહ્યું. માત્ર સાયરનનો અવાજ આવી રહ્યો છે. આવા ડર ભર્યા માહોલનો વીડિયો ભરૂચની એક યુવતીએ મોકલ્યો છે. ભરૂચની આયેશા શેખે યુક્રેનના ખાલીખમ સડકોનો વીડિયો શેર કરીને સરકાર પાસે મદદની અપીલ કરી છે.
રશિયા અને યુક્રેન વચ્ચેની લડાઇ ચરમસીમાએ છે અને એની વચ્ચે ગુજરાત અને અન્ય રાજ્યના વિદ્યાર્થીઓ પીસાઈ રહ્યાં છે. પડતા પર પાટું હોય એમ તમામ એર લાઇન્સે ભાડામાં ધરખમ વધારો કરી દીધો છે. તો બીજી તરફ યુક્રેને યુદ્ધના ડર વચ્ચે એરપોર્ટ જ બંધ કરી દીધુ છે. આ કારણે ગુજરાતના વિદ્યાર્થીઓ ફસાયા છે. યુક્રેનથી ભારત આવવા માટે જે ભાડું 45 હજાર ની આસપાસ હોય, એના હવે બે લાખની આસપાસ થઈ ગયા છે. આવામાં યુક્રેનમાં ફસાયેલી ભરૂચની એક વિદ્યાર્થીની આયેશા શેખે એક વીડિયો મોકલ્યો છે.
આયેશા શેખે કહ્યું કે, હુ યુક્રેનમાં ફસાઈ છું. અમે તમામ વિદ્યાર્થીઓ એમ્બેસીને ક્યારથી કહી રહ્યા છે કે અમે અહી ફસાયા છીએ. પણ યુનિવર્સિટી કે એમ્બેસીએ કોઈ જવાબ આપ્યો નહિ. અહી સતત સાયરનના અવાજ આવી રહ્યાં છે. હવે માર્શલ લો લાગવાનો છે. મારી સાથે રાજસ્થાન અને એમપીની બે વિદ્યાર્થીની પણ ફસાઈ છે. હવે બધી પરિસ્થિતિ ખરાબ થઈ ચૂકી છે તો અમને મદદની જરૂર છે. તમામ ફ્લાઈટ કેન્સલ થઈ ચૂકી છે. એર ઈન્ડિયાની ફ્લાઈટ અહી આવી જ નહિ. અનેક વિદ્યાર્થીઓ એરપોર્ટ પર લાઈનમાં ફસાયા છે. સરકારને અપીલ છે કે અમને આવીને ઉગારી લે. અમને અહીથી લઈ જાય. આ પરિસ્થિતિ જરા પણ સારી નથી.
અનેક વિદ્યાર્થીઓ ભારતીય દૂતાવાસમાં મદદ માટે ગયા ત્યારે એમને કહેવામાં આવ્યું કે, તમારી પાસે 48 કલાક છે પૈસાની વ્યવસ્થા કરો અને ટિકિટ બુક કરીને નીકળો. ત્યારે બાદ અમારી કોઈ જવાબદારી નહિ રહે. ત્યારે યુક્રેનમાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓમાં ચિંતા વ્યાપી ગઈ છે. વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પર આભ ફાટ્યું છે. વાલીઓ અને વિદ્યાર્થીઓ ઈચ્છી રહ્યા છે કે સરકાર તેમની મદદે આવે.
ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે યુક્રેન માટે 24 કલાકની હેલ્પલાઇન શરૂ કરી છે. દિલ્હી સ્થિત કન્ટ્રોલ રૂમના નંબર જાહેર કર્યા છે. યુક્રેન સ્થિત ભારતીય દુતાવાસનો સંપર્ક પણ જાહેર કર્યો છે. જેમાં યુક્રેનમાં ફસાયેલા લોકોને ઈ-મેઈલ અને ફોન મારફત સંપર્ક કરવા કહેવાયુ છે.