ટિકિટ માટે કકળાટ કરનારાઓને મનસુખ વસાવાની ચીમકી, પાર્ટીમાં જેને રહેવુ છે તે રહો, બાકીના જઈ શકે છે
Gujarat Elections 2022 : ચૂંટણીમાં ટિકિટ માટે ઉહાપોહ કરનારાને મનસુખ વસાવાની સ્પષ્ટ ચીમકી...કહ્યુ- પાર્ટીમાં જેને રહેવુ છે તે રહે, બાકીના જઈ શકે છે... ભાજપ શિસ્તનું પાલન કરનાર પાર્ટી છે, આ નહી ચલાવી લેવાય...
જયેશ દોશી/રાજપીપળા :વિધાનસભા ચૂંટણીમાં કાર્યકરો પોતાના આગેવાનને ટિકિટની માંગ કરી રહ્યા છે. ત્યારે હવે ટિકિટ માગતા કાર્યકરો પર ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ રોષ વ્યક્ત કર્યો છે. રાજપીપળામાં જાહેર મંચ પરથી સાંસદ કાર્યકરો પર ગુસ્સે થયા હતા. તેમણે મંચ પરથી કહ્યુ હતું કે, ટિકિટ આપવાનું પાર્ટીએ નક્કી કરશે, કાર્યકરોએ નહી. પાર્ટીમાં જેને રહેવુ છે તે રહો, બાકીના જઈ શકે છે.
નર્મદાના રાજપીપળામાં ગૌરવ યાત્રા દરમિયાન સાંસદ મનસુખ વસાવા જોડાયા હતા. આ દરમિયાન મનસુખ વસાવાએ સભા પણ સંબોધી હતી. જેમાં તેમણે ઉમેદવારોના સમર્થકોને આડેહાથ લીધા હતા. તેમણે કહ્યું કે, આ પાર્ટી માટે અમે તેલ રેડ્યુ છે. કોંગ્રેસે અમારા માથા ફોડ્યા હતા. ભાજપ એ સંસ્કાર વાળી પાર્ટી છે, તેથી જેને પાર્ટીમાં રહેવું હોય તે રહે, બાકીના લોકો જઈ શકે છે. હું સાચુ બોલનાર વ્યક્તિ છું, જેને ખોટુ લાગે તે લાગે મને કોઈ ફરક પડતો નથી.
આ પણ વાંચો : શિક્ષણ વિભાગનો આદેશ, વિદ્યાર્થીઓને ડિફેન્સ એક્સ્પો અને ગુજરાતી ફિલ્મ દિવાસ્વપ્ન બતાવો
તેમણે એમ પણ કહ્યું હતું કે, ટિકિટ આપવાનું પાર્ટીએ નક્કી કરશે, કાર્યકરો નહિ. પાર્ટીમાં જેને રહેવુ છે તે રહો, બાકીના જઈ શકે છે. સૂત્રો પોકારતા કાર્યકરોને નહી ચલાવી લેવામાં આવે. કોંગ્રેસ, BTP અથવા AAP સામે લડી રહ્યા નથીઃય ભાજપ શિસ્તનું પાલન કરનાર પાર્ટી છે, આ નહી ચલાવી લેવાય. ભાજપ મૂલ્ય આધારિત પાર્ટી છે,અન્ય પાર્ટી જેમ ચાલતુ નથી. ખોટા લોકો પાર્ટીને નુકસાન કરે તે નહી ચાલે. ઝઘડિયા, નાંદોદ અને ડેડિયાપાડ ત્રણેય બેઠક પર જીતવાનું છે.
ઉનાથી અંબાજી સુધી નીકળેલી આદિવાસી ગૌરવ યાત્રાએ નર્મદા જિલ્લામાં પ્રવેશ કર્યો હતો. આ ગૌરવ યાત્રામાં કેન્દ્રીય ટ્રાયબલ વિભાગના મંત્રી રેણુકાસીંગ જોડાયા હતા. નર્મદા જિલ્લાના ડેડીયાપાડા અને મોવી ચાર રસ્તા થઈને ગૌરવ યાત્રા રાજપીપળા શહેર ખાતે પહોંચી હતી. રાજપીપલા શહેર સફેદ ટાવર ચોક ખાતે યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉનાઈથી નીકળેલી આ ગૌરવ યાત્રા 27 વિધાનસભા બેઠકોમાં ફરશે અને લગભગ 1064 કિલોમીટર આ આદિવાસી ગૌરવ યાત્રા ફરવાની છે. પ્રધાનમંત્રીની માતા વિશે થયેલી ટિપ્પણી અંગે રેણુકાસિંગે કહ્યું હતું કે, રાજનીતિનો રોટલો શેકી રહ્યા છે, તેવાને ગુજરાતની જનતા જવાબ આપી દેશે. રેણુકા સીંગે આમ આદમી પાર્ટી પર વાર કરતા કહ્યું કે, આ ગુજરાત છે અને અહીં કેજરીવાલનું કશું ઉપજવાનું નથી. રાજસ્થાન અને છત્તીસગઢમાં પણ આવનારા સમયમાં ભાજપની સરકાર હશે. ગુજરાતમાં કોઈ પણ એવી પાર્ટી નથી કે ભાજપનો મુકાબલો કરી શકે નહિ.
ગૌરવ યાત્રા સાથે રહેલા આદિજાતિ મોરચાના પ્રમુખ હર્ષદ વસાવાએ જણાવ્યું હતું કે, જે લોકોની દુકાન નથી અને માલ વેચવા બેઠા છે એમની કોઈ દુકાન ગુજરાતમાં ચાલવાની નથી.