ભરૂચ: શાળાનું તઘલખી ફરમાન, મહેંદીનો રંગ ન ઉતરે ત્યાં સુધી શાળાએ આવવું નહીં
ભરૂચની એક શાળાનું તઘલખી ફરમાન જાહેર થયું છે. આ ફરમાન બાદ વિદ્યાર્થીનીઓના વાલીઓમાં ઉગ્ર રોષ જોવા મળ્યો છે.
જયેશ દોશી, ભરૂચ: ભરૂચની એક શાળાનું તઘલખી ફરમાન જાહેર થયું છે. આ ફરમાન બાદ વિદ્યાર્થીનીઓના વાલીઓમાં ઉગ્ર રોષ જોવા મળ્યો છે. વિસ્તારમાં હોબાળો મચી ગયો છે. ગૌરી વ્રત નિમિત્તે વિદ્યાર્થીનીઓએ હાથમાં મહેંદી મૂકી હતી. શાળાએ ફરમાન જારી કર્યું કે જ્યાં સુધી મહેંદીનો રંગ ઉતરી ન જાય ત્યાં સુધી શાળામાં ન આવવું. રંગ ઉતરી ગયા બાદ શાળામાં આવવું.
ગૌરી વ્રત થોડા દિવસ પહેલા જ પૂરા થયા છે. ભરૂચની ક્વીન ઓફ એન્જલ્સ શાળાએ વ્રત કરતી વિદ્યાર્થીનીઓ માટે તઘલખી ફરમાન જાહેર કર્યું. ક્વીન ઓફ એન્જલ્સ શાળાએ છોકરીઓને જણાવ્યું કે હાથમાં મુકેલી મહેંદીનો રંગ જાય પછી જ સ્કૂલ આવવું. આ ફરમાનના કારણે વિદ્યાર્થીનીઓ સહિત વાલીઓમાં શાળા વિરુદ્ધ ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.
વાલીઓ અને વિદ્યાર્થીનીઓએ આ ફરમાન સામે વિરોધ નોંધાવી પાછો ખેંચવા દબાણ કર્યું. વાલીઓ સહિત કેટલાક સંગઠનો દ્વારા પણ આ મામલે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. વિસ્તારના ધારાસભ્ય દુષ્યંત પટેલ પણ શાળાએ પહોંચ્યા હતા. વિવિધ સંગઠનો શાળાએ પહોંચ્યા અને શાળાના પ્રાંગણમાં હનુમાન ચાલીસાના પાઠ કરી વિરોધ નોંધાવ્યો હતો.