ગાંધીનગર: ગાંધીનગર જિલ્લાના માણસાના વતની ભાવેશ હસમુખભાઈ પટેલની ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની અમ્પાયરની પેનલમાં પસંદગી થઈ છે જે ગુજરાત માટે ગૌરવ સમાન છે. ભાવેશ પટેલે એક મુલાકાતમાં જણાવ્યું છે કે, વર્ષ ૧૯૯૧માં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા ગુજરાતના અમીષ સાહેબાની પસંદગી થઈ હતી ત્યારબાદ ૨૭ વર્ષ પછી એક માત્ર ગુજરાતી તરીકે તેઓએ અમ્પાયર તરીકેની પરીક્ષા પાસ કરી છે. ચાર વિભાગમાં યોજાયેલ આ પરીક્ષામાં ૩ લેખિત અને એક મૌખિક ઈન્ટરવ્યુ યોજાય છે જેમાં ૯૦ ટકા ગુણાંકથી પાસિંગ થવાય છે જેમાં દેશભરમાંથી ૭૫૦ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી અને ૧૮ ઉમેદવારો પસંદ કરાયા છે તેમાં તેમની પસંદગી થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવેશ પટેલે રાજય સરકારના નાણાં વિભાગમાં આસિસ્ટન્ટ એક્ઝામિનર તરીકે ફરજો બજાવી રહ્યાં છે. તેમણે કહ્યું કે, તેઓ ગુજરાત ક્રિકેટ એસોસિએશન સાથે છેલ્લાં પાંચેક વર્ષથી સંકળાયેલા છે . જી.સી.એ. દ્વારા આયોજીત વિવિધ મેચમાં અમ્પાયરીંગની સેવાઓ આપી છે. તેમની રાષ્ટ્રીયકક્ષાએ પસંદગી થતા આગામી ૨જી નવેમ્બર-૨૦૧૮થી અંડર-૧૬ની ત્રિપુરા અને બંગાળ વચ્ચે યોજાનાર મેચથી આંતરરાષ્ટ્રીયકક્ષાએ અમ્પાયરીંગની કારકીર્દી શરૂ કરશે. 


ભાવેશ પટેલે ઉમેર્યું કે, ક્રિકેટ એસોસિએશન ખાતે અમ્પાયર એકેડમીની શરૂઆત વર્ષ-૨૦૧૧થી થઈ હતી. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘદ્રષ્ટિ પૂર્ણ આયોજનના પરિણામે શરૂ થઈ હતી. ગુજરાત દેશભરમાં અમ્પાયર એકેડમી શરૂ કરનારું એકમાત્ર રાજય છે. જેના ડિરેકટર તરીકે અમીષ સાહેબાની નિમણૂંક થઈ હતી તેમના માર્ગદર્શનને પરિણામે આજે મારી પેનલમાં પસંદગી થઈ છે તેનો તમામ શ્રેય જી.સી.એ.નો આભારી છે. ભાવેશ પટેલે તેમને રાષ્ટ્રીય સ્તરે પસંદગી થતા તમામનો હદયપૂર્વક આભાર માન્યો છે.