નવનીત દલવાડી/ભાવનગર: સિહોર નજીક ઘાંઘળી રોડ પર આવેલી જીઆઇડીસી-4 માં અરિહંત ફરનેશ ફેકટરીમાં ગત મોડી રાત્રે દુર્ઘટના સર્જાઈ હતી. રાત્રીના 12 કલાકે ભઠ્ઠીમાં કોઈ કારણોસર ભીષણ બ્લાસ્ટ થયો હતો. જેમાં કોલસા અને લોખંડનો ગરમ રસ ઉડતા તેમજ બ્લાસ્ટના કારણે દોડધામ મચી જતા 12 મજૂરો ગંભીર રીતે દાઝી ગયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે સિહોર-ઘાંઘળી રોડ પર આવેલી જીઆઇડીસી-4 માં આવેલી અરિહંત ફરનેશ ફેક્ટરીમાં ગત રાત્રીના 12 કલાકે ભઠ્ઠીમાં બળતણ નાખતા અચાનક કોઈ કારણોસર બ્લાસ્ટ થવાની ઘટના બનવા પામી હતી. આ સમયે ફેકટરીમાં 17 જેટલા મજૂરો કામ કરતા હોય અને અચાનક બ્લાસ્ટ થતા કોલસા અને લોખંડનો ગરમ રસ ઉડતા તે મજૂરો પર પડ્યો હતો. 



બ્લાસ્ટની ઘટનાને પગલે ફેક્ટરીમાં દોડધામ મચી જવા પામી હતી. જેમાં ભાગવા જતા દાઝેલા મજૂરો વધુ દાઝ્યા હતા અને 12 જેટલા મજૂરો દાઝી જતા તાકીદે આ બનાવની જાણ 108 ને કરતા ભાવનગર, નારી, સિહોર, વલ્લભીપુર સહિતની પાંચ 108 એમ્બ્યુલન્સ ત્યાં દોડી ગઈ હતી અને તાકીદે દાઝેલા મજૂરોને સારવાર માટે સિહોર તથા ભાવનગર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 


ઘટના ગંભીર હોવાથી અને તેની જાણ અગાઉથી હોસ્પિટલ કરવામાં આવતા તાકીદે સ્ટ્રેચર સાથે સ્ટાફ સારવાર માટે તૈયાર થઈ ગયા હતા. 108 ની ગાડીઓ એકી સાથે હોસ્પિટલ પહોંચી હતી અને દાઝેલા તમામની ઝડપી સારવાર હાથ ધરી હતી. આ બ્લાસ્ટ ક્યાં કારણોસર થયો તેનું સાચું કારણ હજુ જાણવા મળ્યું નથી, પરંતુ આવી દુર્ઘટના ક્યારેક સર્જાતી હોય છે, જેમાં ફેક્ટરીમાં કામ કરતા મજૂરો હેલ્મેટ, બુટ સહિતની સેફટી સાથે કામ કરતા હોય કોઈ જાનહાની થવા પામી ન હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube