અડધા ભાવનગરને ઓછો ગેસ મળે તેવુ કૌભાંડ પકડાયું, લોકોના ઘર પહેલા જ સિલિન્ડર ક્યાંક બીજે પહોંચી જતું
- ઘરેલુ બાટલામાંથી કોમર્શિયલ બાટલો ભરવાનું કૌભાંડ
- ગેસ કટિંગ કૌભાંડનો ભાવનગર પોલીસે પર્દાફાર્શ કર્યો
- ગેરકાયદેસર રીતે ગેસ કટિંગ કરતા 5 ઈસમો ઝડપાયા
- 62 ઘરેલુ અને 34 કોમર્શિયલ સહિત 96 ગેસ સિલિન્ડર જપ્ત
- પોલીસે બાતમીનાં આધારે રેડ કરી કૌભાંડનો પર્દાફાશ કર્યો
નવનીત દલવાડી/ભાવનગર :ભાવનગર શહેરમાં ગેરકાયદેસર રીતે ઘરેલુ વપરાશનાં ગેસ સીલીન્ડર માંથી ગેસ કટિંગ કરીને કોમર્શિયલ બાટલો ભરવાના કૌભાંડનો ભાવનગર પોલીસે પર્દાફાર્શ કર્યો છે. જેમાં 96 જેટલા સિલિન્ડર જપ્ત કરી કુલ 5 જેટલા શખ્સોને પોલીસે ઝડપી લઇ ધોરણસરની કામગીરી હાથ ધરી છે. આ ગેસ સિલિન્ડરમાંથી ગેસ કટિંગનું કામ લાંબા સમયથી ચાલતું હોવાની ચર્ચા આ વિસ્તારમાં થતી હતી. પરંતુ આખરે પોલીસને ધ્યાને આવતા સમગ્ર કૌભાંડનો પર્દાફાર્શ થયો છે.
ઘરેલુ ગેસના ભાવમાં તોતિંગ વધારો થઈ રહ્યો છે, હાલ એક ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ વધીને 900 રૂપિયા પાર પહોંચી ચૂક્યા છે, અને આટલા વધુ ભાવ ચૂકવ્યા પછી પણ સિલિન્ડરમાં 2 થી 3 કિલો ઓછો ગેસ મળતો હોવાની ઘણા સમયથી ફરિયાદ ઉઠી રહી હતી. જેમાં ભાવનગર શહેરમાં ઘર વપરાશનાં ગેસનાં સિલિન્ડરમાંથી ૨ થી ૩ કિલો ગેસ કાઢીને કોમર્શિયલ ઉપયોગ કરનારાઓને સિલિન્ડર ભરી આપવાનું કામ છેલ્લા ઘણા સમયથી ચાલતું હતું. આખરે પોલીસે આ ગેસ કટિંગ કૌભાંડનો પર્દાફાશ કરી 96 જેટલા સિલિન્ડર ઝડપી લીધા છે.
આ પણ વાંચો : વડોદરા ગેંગરેપ-આપઘાત કેસ: યુવતી જ્યાં કામ કરતી તે સંસ્થાનો છે કલંકિત ઈતિહાસ, અહીં યુવતીઓ નગ્ન થઈને ફરતી
શહેરનાં શિવાજી સર્કલ નજીક એ.એસ.પી અને તેની ટીમે ઘરેલું ગેસનાં સિલિન્ડરમાંથી કૌભાંડ આચરતા યુનિટ પર રેડ કરી ઝડપી હતી. જેમાં શહેરનાં ઘોઘા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારનાં મફતનગરમાં ચાલતા ગેરકાયદેસર ગેસનાં સીલીન્ડરનું ગેસ કટિંગ કરતા 5 ઈસમો સાથે 96 ઘરેલુ અને કોમર્શિયલ ગેસ સિલિન્ડર જપ્ત કર્યા છે. જેમાં 62 ઘરેલુ સિલિન્ડર અને 34 કોમર્શિયલ ગેસ સીલીન્ડર જપ્ત કરવામાં આવ્યા છે. ભાવનગરના ASP સફિન હસન એ બાતમીના આધારે મફતનગરમાં ચાલતા ગેસ કટિંગ કરતા રજાક મન્સુર ડેરૈયાના ઘરે રેડ કરતા રજાક ડેરૈયાં સહિત 5 લોકોને રંગે હાથે ઝડપી લીધા હતા.
ભાવનગરમાં એક તરફ લોકો ને ઘર વપરાશનાં ગેસનાં બાટલા (સીલીન્ડર) મળતા નથી, ત્યારે બીજીબાજુ જાણીતી કંપનીનાં બાટલાઓને રીફલીંગ કરવાનું કૌભાંડ અહીં લાંબા સમય થી ચાલતું હતું. શહેરમાં ચાની લારીઓ અને નાસ્તાઓની દુકાનોમાં આ પ્રકારનાં કોમર્શિયલ ગેસનાં બાટલા ઉપયોગમાં લેવામાં આવે છે અને તેમને આવા શખ્સો કૌભાંડ આચરીને પહોચાડતા હોય છે. અહીં લાંબા સમયથી ગેસ કટિંગની કામગીરી થઇ રહી હતી તો શું પુરવઠા વિભાગને ધ્યાને આ વાત ધ્યાને નહીં આવી હોઈ? જો કે હાલ પોલીસનું કહેવું છે, કે અમે બાતમીનાં આધારે રેડ કરી હતી.