• રસીકરણની કામગીરીનો ઓર્ડર રદ કરાવેલા શિક્ષકો માટે આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો

  • નગરપ્રાથમિક શિક્ષણ આધિકારીઓ દ્વારા શિક્ષકોને સ્વૈચ્છિક નિવૃત્તિ લેવાની વાત કરાઈ છે તે બિનપાયાદાર છે


નવનીત દલવાડી/ભાવનગર :કોરોના વેક્સીનના ડોર ટુ ડોર સરવે વચ્ચે ભાવનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વિચિત્ર પરિપત્ર કરવામાં આવ્યો છે. રસીકરણની કામગીરીનો ઓર્ડર રદ કરાવેલા શિક્ષકો માટે આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ, મેડિકલી ફિટ ન હોય તેવા શિક્ષકોને સ્વૈચ્છિક નિવૃત્તિનો આદેશ આપવામાં આવ્યો છે. અસક્ષમ શિક્ષકોને સ્વૈચ્છિક નિવૃત્ત થવા માટે ફરમાન કરાયું છે. વિવાદિત પરિપત્રને પગલે શિક્ષકોમાં રોષની લાગણી જોવા મળી છે. આ અંગે શિક્ષક મહાસંઘે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને રજૂઆત કરી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ 100% શિક્ષકોને સરવેની કામગીરી સોંપવા સામે વિરોધ કર્યો છે. પ્રથમ 55 વર્ષથી ઉપરના શિક્ષકોએ રસીકરણનો ઓર્ડર રદ કરવા રજૂઆત કરી છે. ત્યારે ઓર્ડર રદ કરાવનારા શિક્ષકો પાસે શારીરિક ફિટનેસ સર્ટિફિકેટ માંગવામાં આવ્યા છે. 


આ પણ વાંચો : વડોદરાના તબીબનો મોટો ખુલાસો, શિયાળાની મોર્નિંગ વોકથી કોરોના સંક્રમણ વધુ ફેલાય છે 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિક્ષકોની રજૂઆત 
શિક્ષકોને રજૂઆત કરતા કહ્યું કે, 55 વર્ષથી ઉપરના શિક્ષકો શૈક્ષણિક કામગીરી તો સારી રીતે કરી શકે છે, પરંતુ કોરોના કાળમાં ફિલ્ડ વર્ક તેઓ માટે મુશ્કેલ સાબિત થઈ શકે છે. ઘરે-ઘરે ફરી 50 વર્ષથી ઉપરના નાગરિકોના સર્વેની કામગીરી પચાસ વર્ષથી ઉપરના શિક્ષકોને સોંપાતા સંક્રમણનો ખતરો વધે છે. શિક્ષકોનું કહેવુ છે કે, આ કામગીરી ઘરે ઘરે જઈને કરવાની છે, જ્યારે શિક્ષણની કામગીરી ક્લાસમાં રહીને કરે છે. 


શિક્ષક સંઘનું શું કહેવું છે...
શિક્ષક સંધના અધ્યક્ષ મહેશ મોરીએ પરિપત્રનો વિરોધ કરતા કહ્યું કે, 55 થી વધુ ઉંમરના લોકોને સરકારી નિયમોમાં પણ છૂટછાટ આપવામાં આવે છે, ત્યારે આ કામમાં કેમ નહિ. શિક્ષક સિવાયના અન્ય વિભાગના કર્મચારીઓને પણ આ સરવેની કામગીરી જોડવા જોઈએ. જો શિક્ષકોને કોઈ શારીરિક તકલીફ હોય તો તેઓએ ઓર્ડર રદ કરવા અરજી કરી છે. શિક્ષકોએ કામચોરી કરવા અરજી નથી કરી. આવામાં કામ કરનાર શિક્ષકો નિરસ થાય છે. રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ આ બાબતને વખોડે છે. ભવિષ્યમાં પણ કોઈ પણ કામગીરમાં શિક્ષકો કામ કરશે, પરંતુ જેઓને તકલીફ છે તેઓને કામ ન કરાવવા અમારી અપીલ છે. 


આ પણ વાંચો : લગ્નમાં ભીડના મામલે લોકગાયિકા કાજલ મહેરિયા સામે વધુ એક ફરિયાદ દાખલ 


પરિપત્ર કરનાર શાસનાધિકારીનું શું કહેવું છે....
તો બીજી તરફ, વિવાદિત પરિપત્ર કરનાર શાસનાધિકારી યોગેશ ભટ્ટે કહ્યું કે, જે શિક્ષગકો ખોટા કારણોસર મેડિકલ સર્ટિફિકેટ આપશે તો ધ્યાને આવશે. જેન્યુઈન કારણ હશે તો દેખાઈ આવશે. કામ ન કરવાના ઈરાદે સાથે સર્ટિફિકેટ આપ્યું હશે તો અમે શોધીશું. કોરોનાકાળમાં પણ શિક્ષકોએ અનેક કામ કર્યા છે. શિક્ષકોને ઘરે ઘરે જઈને શિક્ષણનું કામ કરવું પડે છે. 350 જેટલા શિક્ષકો સારુ કામ કરી રહ્યા છે. પણ થોડા ઘણા શિક્ષકો આવું કારણ બતાવી રહ્યું છે. તેથી મેડિકલ કારણ સાચુ છે કે નહિ તે ચેક કરવું જરૂરી. જ્યારે જ્યારે કામગીરી આવી છે ત્યારે ત્યારે શિક્ષકોએ સારી રીતે કરી જ છે. એકાદ બે એવા વ્યક્તિ છે તેઓ આડા ફાંટે છે, તેઓને સામે લાવવાના છે.


આમ, નગરપ્રાથમિક શિક્ષણ આધિકારીઓ દ્વારા શિક્ષકોને સ્વૈચ્છિક નિવૃત્તિ લેવાની વાત કરાઈ છે તે બિનપાયાદાર છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ખુલાસો માંગવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ભાવનગરમાં સરવેનો ટાર્ગેટ પૂરો કરવા આ પ્રકારનો પરિપત્રક્ષ કરવામાં આવ્યો છે, જેનો વિરોધ કરાયો છે.