નવનીત દલવાડી/ ભાવનગર: ભાવનગર જિલ્લાના ખેડૂતોની હાલત હાલ ખૂબ કફોડી બની છે, ભાવનગર અને ઘોઘા તાલુકાના અનેક ગામોમાં વરસાદ આધારિત ખેતી પર નભતા ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે. ચોમાસુ બેસી ગયા બાદ છેલ્લા દોઢ માસ કરતા વધારે સમયથી વરસાદ ના થતાં ખેડુતો મુશ્કેલીમાં મૂકાયા છે. ચોમાસાના પ્રારંભે થયેલા વરસાદના કારણે ખેડૂતોએ વાવણી તો કરી દીધી હતી, પરંતુ બાદમાં વરસાદ ન થતાં ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે. ખેડૂતોએ નજીકમાંથી પસાર થઈ રહેલી કેનાલમાંથી બ્રાન્ચ કેનાલ લંબાવી પાણી આપવા અનેક વાર રજૂઆત કરી છે, પરંતુ આજસુધી તંત્ર દ્વારા કોઈ પ્રતિસાદ નથી મળ્યો, ત્યારે હાલ તો વરસાદ ખેંચાતા ખેડૂતો નો ઉભો પાક સુકાઈ રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવનગર જિલ્લાનું વાતાવરણ અન્ય જિલ્લાની સરખામણીએ થોડું અલગ છે, વિસમ તાપમાનના કારણે ચોમાસા દરમ્યાન મોટા ભાગના જિલ્લાઓમાં સારો વરસાદ વરસતો હોય, ત્યારે ભાવનગરમાં વરસાદ નથી હોતો, એક રીતે કહીએ તો વરસાદ માટે કરાયેલ હવામાન વિભાગની આગાહી અંશતઃ ખોટી ઠરે છે. આ વર્ષે પણ જિલ્લાની સ્થિતિ કંઈક આવી જ છે. ચોમાસુ શરૂ થયા બાદ ગુજરાતના અન્ય જિલ્લામાં ખૂબ સારો વરસાદ વરસી ગયો પરંતુ એવા સમયે ભાવનગર જિલ્લો કોરો ધાકોડ જોવા મળ્યો હતો, જેથી વરસાદ આધારિત ખેતી પર નભતા અનેક ગામોમાં વરસાદ ન થતાં ખેડૂતોની સ્થિતિ ખૂબ કફોડી બની ગઈ છે.


આ પણ વાંચો:- કચ્છમાં બોલેરો કારે મારી પલ્ટી, ભુજમાં ભીષણ આગ ફાટી નીકળતા ફાયર ટીમ સ્થળ પર


ચોમાસાના પ્રારંભે ખૂબ સારો વરસાદ થયો હતો જેના કારણે ખેડૂતોએ જુવાર, બાજરી, તલ, મગફળી અને કપાસ જેવા પાકનું ખૂબ મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું, પરંતુ બાદ દોઢ માસ વિતી ગયા છતાં ભાવનગર જિલ્લામાં વરસાદે જાણે કે દેખા દીધી ના હોય અને સંતાકૂકડી રમી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. ભાવનગર અને ઘોઘા તાલુકાના તગડી, માલપર, ભૂતેશ્વર, થોરડી સહિત ના અનેક ગામોમાં ખેડૂતો વરસાદ આધારિત ખેતી પર નિર્ભર હોવાથી વરસાદ ન થતાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.


આ પણ વાંચો:- કેન્દ્રીય મંત્રી દેવુસિંહએ લીધા મા અંબાના આશીર્વાદ, અંબાજીથી જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ


આ ગામોના ખેડુતોએ 6 થી 7 કિમી દૂર આવેલા ભુંભલી ગામ પાસેથી પસાર થતી કેનાલમાંથી બ્રાન્ચ કેનાલ આપી ખેડૂતોની સિંચાઇના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા અનેક વાર રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી ખેડૂતોની માંગ પર કોઈ જ કામગીરી નથી કરાઈ. ત્યારે હાલ વરસાદ ખેંચાતા ખેડૂતોનો ખેતરોમાં ઉભો પાક સુકાઈ રહ્યો છે. ત્યારે ખેડૂતોએ સરકાર પાસે યોગ્ય કરવા માંગ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube