નવનીત દલવાડી, ભાવનગરઃ ભાવનગર તાલુકાના સાત ગામોના ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે. વાવાઝોડા બાદ ચોમાસા દરમિયાન અહીં નહિવત વરસાદ થતાં ખેડૂતો મુંજવણમાં મુકાયા છે. તાલુકાના ભંડારીયા, સાણોદર, ખોખરા, ત્રાંબક, ભડી અને ઉખરલા સહિત પહાડી વિસ્તારના ગામોમાં સિંચાઇની કોઈ જ વ્યવસ્થા નથી ખેડૂતો માત્ર વરસાદ આધારિત ખેતી પર નભી રહ્યા છે. ડુંગરાળ વિસ્તારમાં તળાવ બનાવવા ખેડૂતો અનેકવાર રજૂઆતો કરી ચૂક્યા છે પરંતુ યોગ્ય વ્યવસ્થાના અભાવે ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે વરસાદ ખેંચાતા ખેડૂતોએ દુષ્કાળ જાહેર કરવા માંગ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવનગર જિલ્લામાં ગતવર્ષની સરખામણી એ ચાલુ વર્ષે ખૂબ ઓછો વરસાદ નોંધાયો છે. વાવાઝોડા દરમ્યાન અને ચોમાસાના પ્રારંભે સારો વરસાદ વરસતા ખેડૂતોએ સારી ઉપજની આશાએ મોંઘા ભાવનું બિયારણ અને ખાતર નાખી મબલખ વાવેતર કર્યું હતું. પરંતુ ત્યારબાદ  વરસાદ ખેંચાતા ખેડૂતો માટે અનેક વિપદાઓ ઊભી થઈ રહી છે. અનેક નાના સીમાંત ખેડૂતોએ ઉછીના રૂપિયા લાવી અને કાળી મજૂરી કરી વાવેતર કર્યું હતું. ખેડૂતોને આશા હતી કે સારો વરસાદ થયો છે તો ચોમાસુ પણ સારું જશે અને ઉપજ પણ સારી મળશે. તો બે પાંદડે થઈશું. પરંતુ પાછળના દિવસોમાં વરસાદ ખેંચાતા જગતના તાતની આશા અંતે ઠગારી નીવડી છે.


આ પણ વાંચોઃ રાજ્યમાં વરસાદ ખેંચાતા સરકાર બની ગંભીર, CM એ મંત્રીઓને સોંપી મહત્વની જવાબદારી


ભાવનગર તાલુકાના અનેક ગામો ડુંગરાળ વિસ્તારમાં આવેલા છે. જ્યાં વરસાદ પડે તો પણ પાણી લાંબો સમય ટકતું નથી. તાલુકાના ભંડારીયા, સાણોદર, ખોખરા, ત્રાંબક, ભડી અને ઉખરલા સહિતના પહાડી વિસ્તારમાં આવેલા ગામો આવી જ ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. અહીં અડધા ચોમાસા દરમિયાન ખૂબ ઓછો માત્ર 42.21 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં તાલુકાના કોઈ વિસ્તારમાં વધારે તો કોઈ વિસ્તારમાં છુટોછવાયો વરસાદ થયો હતો.


હાલ વરસાદ ખેંચાતા ખેડૂતોના ઊભા પાકને ખૂબ ખરાબ અસર થઈ રહી છે. કપાસ, બાજરી, તલ, મગફળી જેવા પાક મુરઝાઇ રહ્યા છે. ભાવનગર તાલુકામાં સિંચાઇ માટે કેનાલની કોઈ વ્યવસ્થા ન હોય માત્ર ચોમાસાના વરસાદ પર વાવેતર કરવામાં આવે છે. ખેડૂતોનું કહેવું છે કે જો 7 થી 8 દિવસોમાં વરસાદ નહિ આવે તો પાક નિષ્ફળ જશે, અને એવા સમયે ખેડૂતો સરકાર પાસે દુષ્કાળ જાહેર કરવાની માંગ કરી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube