ઝવેરચંદ મેઘાણીના સૌથી મોટા પુત્ર મહેન્દ્ર મેઘાણીનું 100 વર્ષની વયે અવસાન
Mahendra Meghani Passed Away:મહેન્દ્ર મેઘાણીનો વર્ષ 1923ની 20મી જૂને તેમનો મુંબઈમાં જન્મ થયો હતો. એટલે આ તેમનું શતાબ્દી વર્ષ હતું. ભાવનગર અને અમદાવાદમાં અભ્યાસ કર્યા પછી અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં તેમણે પત્રકારત્વનો અભ્યાસ કર્યો હતો.
Mahendra Meghani Passed Away: ગુજરાતી સાહિત્યને આજે મોટી ખોટ પડી છે. ઝવેરચંદ મેઘાણીના સૌથી મોટા પુત્ર મહેન્દ્ર મેઘાણીનું ભાવનગર ખાતે 100 વર્ષની વયે નિધન થયું છે. હજુ થોડા સમય પહેલા જ તેઓ શતાયુ થયા હતા. મેઘાણીનો સાહિત્ય વારસો મહેન્દ્ર મેઘાણીના અંગે અંગમાં વહેતો હતો. પિતા મેઘાણીની સવા શતાબ્દી અને પુત્ર મહેન્દ્ર મેઘાણીના આયુષ્યની શતાબ્દીનો અનોખો સંયોગ પણ સર્જાયો હતો. 3 ઓગસ્ટ 2022ના રોજ રાત્રે 8 કલાકે તેઓએ અંતિમ શ્વાસ લીધા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
મહેન્દ્ર મેઘાણીના નિધનથી ગુજરાતના સાહિત્યજગતમાં દુઃખનું મોજું ફરી વળ્યું છે. મહેન્દ્ર મેઘાણીના સંતાનો દ્વારા સોશિયલ મીડિયામાં તેઓના નિધનની જાણકારી આપવામાં આવી હતી. સાથે પોસ્ટમાં જણાવાયું હતું કે, મહેન્દ્ર મેઘાણીની સ્મશાન યાત્રા એમના નિવાસસ્થાન શાંતિકુંજ એપાર્ટમેન્ટથી (વડોદરિયા પાર્કથી ફૂલવાડી ચોક રોડ, ભાવનગર) તા. 4 ઓગસ્ટ, ગુરુવારે સવારે 8 વાગે નીકળી સિંધુનગર સ્મશાને જશે.
મહેન્દ્ર મેઘાણીનો વર્ષ 1923ની 20મી જૂને તેમનો મુંબઈમાં જન્મ થયો હતો. એટલે આ તેમનું શતાબ્દી વર્ષ હતું. ભાવનગર અને અમદાવાદમાં અભ્યાસ કર્યા પછી અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં તેમણે પત્રકારત્વનો અભ્યાસ કર્યો હતો. જીવનના ઘણા વર્ષો તેમણે અમેરિકામાં પસાર કર્યા હતા.
ઝવેરચંદ મેઘાણીનું તો 1948માં નાની વયે નિધન થયું હતું. પરંતુ એ દરમિયાન સૌથી મોટા પુત્ર હોવાને કારણે મહેન્દ્રભાઈને તેમની સાથે કામ કરવાની અને તેમની પાસેથી શીખવાની તક મળી હતી. પત્રકારત્વ અને ગુજરાતી સંસ્કૃતિના વાહક તરીકે તેઓ અનેક દેશોમાં ફર્યા હતા.
મહેન્દ્ર મેઘાણીને ગુજરાતી સાહિત્ય ઉપરાંત વિશ્વ સાહિત્યમાં સારી પકડ હતી. સેવન યર્સ ઈન તિબેટ, કોન ટીકી વગેરે વિશ્વ સાહિત્યના ઉત્તમોત્તમ પુસ્તકો તેમણે અત્યંત રસાળ ગુજરાતીમાં અનુવાદિત કરીને ગુજરાતી વાચકોને આપ્યા છે. ગુજરાતી સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીના ચિરંજીવી મહેન્દ્રભાઈ ગુજરાતનાં ઘર ઘરમાં સારું વાંચન પહોંચે તે માટે અવિરત કાર્યરત રહ્યા છે. તેમણે ‘નહીં વીસરાતાં કાવ્યો’ નામનું પુસ્તક સંપાદિત કર્યું. તેમાં ‘અવારનવાર સંભારવાનું મન થાય તેવાં, સો કવિઓનાં સો કાવ્યો’ તેમણે મૂક્યાં છે. તે પહેલાંનાં વર્ષમાં ‘આપણાં સંતાનો’, ‘આપણી ધાર્મિકતા’, 'આપણો ઘરસંસાર’ અને ‘આપણાં બા’ નામનાં પુસ્તકો તેમણે તૈયાર કર્યાં. તેમાં અનેક લેખકોનાં ચૂટેલાં લખાણો વાંચવા મળે છે.
મહેન્દ્રભાઈએ તૈયાર કરેલાં લગભગ બધાં એટલે કે સો કરતાં વધુ પુસ્તકો આ પ્રકારનાં છે. મહેન્દ્રભાઈ અન્ય સામયિકો કે પુસ્તકોમાં વાંચવાં મળેલાં ઉત્તમ લખાણોને ટૂંકાવીને નજીવી કિંમતે પ્રસિદ્ધ કરીને લોકો સુધી પહોંચાડ્યા છે. ઉત્તમ, આનંદદાયી, સંસ્કારક્ષમ, વૈવિધ્યપૂર્ણ અને સારા માણસનું ઘડતર કરે તેવું વાચન બહુ ઓછા દરે મળતું રહે તે માટે મહેન્દ્રભાઈએ ભાવનગરમાં 1968માં શરૂ કરેલાં ‘લોકમિલાપ’ પ્રકાશન થકી સતત પુસ્તકો બહાર પાડ્યાં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube