નવનીત દલવાડી/ભાવનગર :કોરોનાના સમયમાં ભાવનગર શહેરના લોકોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય અને લોકો તંદુરસ્ત બની સામાન્ય જીવન જીવી શકે એવા ઉમદા હેતુથી ભરતભાઈ પરમાર નામના એક સામાજિક કાર્યકરે રાહત દરે એક અનોખી સેવા શરૂ કરી છે. શહેરના યુનિવર્સિટી ગેઇટ નજીક આવેલા જોગર્સ પાર્ક પાસે તેઓ માત્ર 10 રૂપિયામાં અનલિમિટેડ સ્વાસ્થ્ય વર્ધક જ્યુસનું વિતરણ કરે છે. વિવિધ પ્રકારના લીલા શાકભાજીમાંથી આ જ્યુસ બનાવવામાં આવે છે. તેમજ કોઈ પણ વ્યક્તિ જેને જેટલું પીવું હોય એ પી શકે, વહેલી સવારે વોકિંગ કરવા તેમજ ખાસ આ જ્યૂસ પીવા માટે લોકો દૂર દૂરથી અહીં આવે છે, અને માત્ર 10 રૂપિયામાં મળતા અનલિમિટેડ સ્વાસ્થ્યવર્ધક જ્યુસનો લાભ લે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નેચરોપથીનો અભ્યાસ કર્યો હોઈ જ્યુસનુ મહત્વ જાણે છે 
ભાવનગર શહેરના યુનિવર્સિટી નજીક આવેલા જોગર્સ પાર્ક પાસે ભરતભાઈ પરમાર નામના એક સામાજિક કાર્યકર દ્વારા લોકોના સ્વાસ્થ્યને ધ્યાને લઇને શાકભાજીના જ્યુસનું રાહત દરે વિતરણ કરવામાં આવે છે, ભરતભાઈએ ભાવનગર યુનિવર્સિટીમાં ડિપ્લોમા યોગ, ડિપ્લોમા નેચરોપથી, અને બેચલર ઓફ ફિઝિકલ એજ્યુકેશનનો અભ્યાસ કર્યો છે. તેમના અભ્યાસ અને બહોળા અનુભવના આધારે તેઓ છેલ્લા આંઠ વર્ષથી આજની આ મોંઘવારીના સમયમાં પણ વિવિધ પ્રકારના પ્રાકૃતિક શાકભાજી લાવી તેનો રસ તૈયાર કરે છે, અને માત્ર 10 રૂપિયા જેવા નજીવો ભાવે અનલિમિટેડ જ્યુસનું વિતરણ કરે છે. વહેલી સવારે કસરત કરવા અને ચાલવા માટે આવતા લોકો આ સેવાનો ભરપૂર પ્રમાણમાં લાભ ઉઠાવે છે. પોતાના સ્વાસ્થ્ય માટે સજાગ રહેતા લોકો દૂર દૂરથી આ જ્યુસ પીવા નિયમિત આવે છે.



સવારે 6 વાગીને ઉઠીને જ્યુસ બનાવે છે આખો પરિવાર
સ્વાસ્થ્યવર્ધક જ્યુસ વિતરણની અનોખી સેવા કરનાર ભરતભાઈ પરમાર સાથે તેમનો પરિવાર વહેલી સવારે 3 વાગે ઉઠીને જ્યુસ બનાવે છે. તેઓ વિવિધ પ્રકારના ફુદીનો, કોથમીર, આમળા, લીંબુ, સરગવો, હળદર, બીટ, ગાજર સહિતના તાજા શાકભાજીમાંથી સ્વાસ્થ્યવર્ધક રસ તૈયાર કરે છે. સવારના 6 વાગે સ્થળ પરથી લોકોને જ્યુસ મળી રહે એનું પૂરું ધ્યાન રાખે છે.



જ્યુસ પીવાનો ફાયદો 
એક પુખ્ત વયના વ્યક્તિના શરીરના વજનનો લગભગ 55 થી 65% ભાગ પાણીથી ભરેલો હોય છે. શરીરને સ્વસ્થ રાખવા અને જીવનને સામાન્ય બનાવવા માટે યોગ્ય માત્રામાં પોષક તત્વો લેવા ખૂબ જરૂરી છે. લીલા શાકભાજી અને તાજા ફળોમાં ઘણા એન્ટિઓક્સિડન્ટ હોય છે જે શરીરને ખૂબ મોટો ફાયદો કરાવે છે. પરંતુ આરોગ્યના અનેક ફાયદા હોવા છતાં કોણ જાણે કેમ આજકાલ લીલા શાકભાજી અને તાજા ફળફળાદીને રોજના ખોરાકમાં લોકો મહત્વ નથી આપતા. આપણા શરીરને તંદુરસ્ત રાખવામાં વિટામિન, મિનરલ્સ અને ફાઈબરનો બહુ મોટો ફાળો છે. વૈજ્ઞાનિક સંશોધનોથી એવું પુરવાર થયું છે કે, જ્યારે દવાઓ તમારા રોગને મટાડવામાં નિષ્ફળ જાય ત્યારે કાચાં શાકભાજી અને ફળોનો રસ રોગને દૂર કરવાનો અક્સીર ઉપાય છે. કારણકે શાકભાજી કે ફળોના રસ પીવાથી લોહી ચોખ્ખું થાય છે. શરીરના દરેક અંગોના કોષોમાં ભરાએલા ઝેરી તત્વો દૂર થાય છે. રોજના 8 થી 10 ગ્લાસ પાણી ઉપરાંત બેથી ત્રણ ગ્લાસ કાચા શાકભાજી અને ફ્રુટનો રસ પીવાથી કિડની વધારે કાર્યક્ષમ થાય છે. રોગને કારણે નાશ પામેલા શરીરના દરેક અંગોના કોષ રસ પીવાથી નવા બને છે. ફળોના રસમાં એટલા બધાં પોષક તત્ત્વો હોય છે કે જેના કારણે મોટી-મોટી બીમારીઓ સામે લોકોને ખૂબ ફાયદો થાય છે, એટલે જો આજીવન તંદુરસ્ત રહેવું હોય તો અદ્ભુત ગુણો વાળા લીલા શાકભાજી અને તાજા ફળોના રસને રોજના ખોરાકમાં સ્થાન આપવું જ જોઈએ