`તારે પોલીસના નહીં મારા DSP બનવાનું છે` કહી બજરંગદાસ બાપાએ કોલ લેટર ફાડ્યો! પછી બદલાઈ ગઈ જિંદગી
સૌરાષ્ટ્રમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે, ભાવનગરના બગદાણા ગુરુ આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી અને સંત શિરોમણી પૂજ્ય બજરંગદાસ બાપાના ભક્ત મનજીબાપાનું નિધન થયુ છે.
ઝી બ્યુરો/ભાવનગર: બાપા બજરંગદાસના પરમધામ બગદાણા મંદિર ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી એવા મનજીબાપાનું આજે વસંત પંચમીના પાવન દિવસે નિધન થયું છે, ત્યારે તેમના પાર્થિવદેહને ભાવનગર ખાતે લાવવામાં આવ્યો હતો. બજરંગદાસ બાપાનું જન્મસ્થળ ભાવનગર નજીકના અધેવાડા ગામે થયેલ હોય અહીં સ્થાપિત ઝાંઝરીયા હનુમાનજીના મંદિરમાં પણ બજરંગદાસ બાપાની મૂર્તિ પ્રતિસ્ઠા કરવામાં આવેલી છે, ત્યારે મનજીબાપાના પાર્થિવદેહને ઝાંઝરીયા મંદિર ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં મોટી સંખ્યામાં ઉમટી પડેલા ભાવિકોએ મનજીબાપા ને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
પીએમ મોદીએ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો
બગદાણા આશ્રમના મોભી મનજીદાદાના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી શોકાંજલિ પાઠવી છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટમાં જણાવ્યું છે કે ગુરુ આશ્રમ, બગદાણાના મનજીદાદાના અવસાનના સમાચારથી દુ:ખી છું. સમાજસેવા ક્ષેત્રે એમનું યોગદાન હંમેશાં યાદ રહેશે. ઈશ્વર સદ્ગત આત્માને શાંતિ પ્રદાન કરે એ જ પ્રાર્થના તથા શોકગ્રસ્ત અનુયાયીઓને સાંત્વના. ૐ શાંતિ...!!
બાલ્યકાળથી બજરંગદાસ બાપાનું દિવ્ય સાનિધ્ય મળ્યું
મનજીબાપાનો જન્મ 27 માર્ચ 1939માં બગદાણા ગામે થયો હતો, બાલ્યકાળથી બજરંગદાસ બાપાનું દિવ્ય સાનિધ્ય મળ્યું હતું, જેના કારણે અહીં સ્થાપિત રામજી મંદિરે સેવામાં પ્રવૃત રહેતા હતા, ભાવનગરની શામળદાસ કોલેજ ખાતે મનજીબાપા એ એમ.એ ની ડીગ્રી મેળવી હતી, તેમજ આઝાદી પહેલા નાસિકમાં પોલીસ ટ્રેઇનિંગ મેળવી હતી, જેની સ્પર્ધાત્મક પરીક્ષામાં ડીવાયએસપી તરીકે પાસ થયા હતા, જેની ટ્રેઇનિંગનો કોલ લેટર લઈને તે સમયે મગનદાદા નામના ટપાલી રજી. એડી. લઈને બગદાણા આપવા આવેલા જે જોઈ મનજીબાપા ખુશ થયા હતા.
'તારે પોલીસ ના નહીં મારા ડીએસપી બનવાનું છે'
પરંતુ સૌ પહેલા ખુશીના સમાચાર આપવા તેઓ બજરંગદાસ બાપા પાસે પહોંચ્યા હતા, જે કોલ લેટર બજરંગદાસ બાપાને બતાવતા તેમણે મનજીબાપાને પૂછેલું કે આ શેનો કાગળીયો છે જેને જોઈને તું આટલો હરખાય છે, ત્યારે મનજીબાપા એ બજરંગદાસ બાપાને જણાવ્યું હતું કે પોતાને ડીવાયએસપી તરીકેની ટ્રેઇનિંગમા જવા માટે આ લેટર મળ્યો છે, એ સાંભળી બજરંગદાસ બાપાએ કહ્યું કે તારે પોલીસ ના નહીં મારા ડીએસપી બનવાનું છે એમ કહી કોલ લેટર ફાડી નાખ્યો હતો, અને ત્યારથી તેઓ તન, મન, ધન બજરંગદાસ બાપાને સમર્પિત કરી તેઓની સેવામાં જોડાઈ ગયા હતા.
મનજીબાપાનો દેહવિલય થતા ભવિકોમાં શોકની લાગણી પ્રવર્તી
મનજીબાપા સેવાકીય કાર્યમાં સદાય પ્રવૃત રહેતા જેના કારણે તેમણે જળસંચય ના પણ અનેક કાર્યો કર્યા હતા, બજરંગદાસ બાપા ના દેવલોક પધાર્યા બાદ અહીં મોટું મંદિર બનાવવાનો સંકલ્પ કરેલો જે તેમણે અથાગ મહેનત અને ભાવિક સમુદાયના પ્રયત્નોથી સિદ્ધ કર્યો હતો, જેના કારણે બજરંદદાસ બાપાનું બગદાણા આજે બગદાણા ધામ તરીકે વિશ્વભરમાં પ્રસિદ્ધિ પામ્યું છે, ને બાપા સીતારામ ના નારા સાથે લાખો ભાવિકો બાપા ના દર્શને ઉમટી પડે છે, ગરીબોના બેલી એવા બગદાણા ધામમાં 24 કલાક અન્નક્ષેત્ર ચાલે છે, ત્યારે બગદાણા ધામ મંદિર ટ્રસ્ટ ના ટ્રસ્ટી એવા મનજીબાપાનો દેહવિલય થતા ભવિકોમાં શોકની લાગણી પ્રવર્તી રહી છે.
આવતીકાલે સાંજે અંતિમ યાત્રા નીકળશે
સુરત ખાતે તેઓનું હૃદય રોગનો હુમલો આવતા નિધન થયું છે, ત્યારે તેઓના પાર્થિવદેહને ભાવનગર લાવવામાં આવ્યો હતો. જ્યાં બજરંગદાસ બાપાના જન્મસ્થળ અધેવાડા ખાતે આવેલા ઝાંઝરીયા હનુમાનજી મંદિરે ભાવિકોએ મનજીબાપા ને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આજે તેઓનો પાર્થિવદેહ ને બગદાણા થી ધરાઈ રોડ નજીક આવેલી ટ્રસ્ટની વિશાળ જગ્યામાં રાખવામાં આવશે. જ્યાં આજે સાંજે 4 વાગ્યાથી આવતીકાલે બપોરે 3 સુધી ભાવિકો મનજીબાપાના પાર્થિવદેહના દર્શન કરી શકશે, અને ત્યારબાદ તેઓની અંતિમયાત્રા યોજાશે.