ચોમાસુ નજીક આવ્યું છતાં ભાવનગરમાં પ્રી-મોનસૂન કામગીરીનું 30 ટકા કામ બાકી
ભાવનગર શહેરમાં ચોમાસામાં અડધાથી એક ઈંચ વરસાદ થતાની સાથે જ પાણી ભરાવાની અનેક સમસ્યાઓ શરૂ થઈ જાય છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકોને ખૂબ હાલાકી ભોગવવી પડે છે.
નવનીત દલવાડી, ભાવનગરઃ ભાવનગર શહેરના અનેક વિસ્તારોમાં ચોમાસામાં અડધાથી એક ઈંચ વરસાદ પડે ત્યા જ પાણી ભરાવાની ફરિયાદો ચાલું થઈ જાય છે. જેનું કારણ પ્રી-મોનસૂનની નબળી કામગીરી છે. તંત્ર દ્વારા કામગીરીમાં ધ્યાન નહીં દેવામાં આવતા વરસાદી પાણીનો નિકાલ સમયસર થતો નથી. પરંતુ હાલમાં પ્રી-મોનસૂનની કામગીરી ચાલું જ છે એવો દાવો તંત્ર કરી રહ્યુ છે. જેમાં પ્રી-મોનસૂન કામગીરી દરમિયાન શહેરમાં આશરે રૂપિયા 45 થી 50 લાખનો ખર્ચ થવાની ધારણા છે. ચોમાસા પહેલા તમામ કામગીરી પુરી થઈ જાશે તેવું તંત્ર દાવા કરી રહ્યું છે.
નબળી કામગીરીથી પાણી ભરાવાની સમસ્યા
ભાવનગર શહેરમાં ચોમાસામાં અડધાથી એક ઈંચ વરસાદ થતાની સાથે જ પાણી ભરાવાની અનેક સમસ્યાઓ શરૂ થઈ જાય છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકોને ખૂબ હાલાકી ભોગવવી પડે છે. પાછલા વર્ષે પ્રી-મોનસૂનમાં 30 લાખથી વધુનો ખર્ચ કરવા છતાં શહેરના હાદાનગર, પ્રેસ રોડ, સ્ટેશન રોડ, ઘોઘા સર્કલ અને બોરડીગેટ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જ્યારે અનેક જગ્યા પર લોકોના ઘરમાં પણ પાણી ઘુસી ગયા હતા. તંત્ર દ્વારા નદી- નાળા, બોક્સ ડ્રેઈન, ઓપન ડ્રેઈન, ખુલ્લી ચેનલોની સફાઈની ૬૫થી ૭૦ ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. બાકીની ૩૦ ટકા કામગીરી ૨૦મી જૂન સુધીમાં પૂરી થઈ જશે એવા તંત્ર દાવા કરી રહ્યું છે. ચોમાસાની આડે હવે ગણતરીના દિવસો બાકી છે. તેમજ આ વર્ષે ચોમાસુ સારૂ થવાનો વરતારો છે. ત્યારે ભારે વારસાદમાં શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય તે પૂર્વે જ પાણી નિકાલના સ્થળોની પુરતી સફાઈ કરવામાં નહીં આવે તો ફરી પાણી ભરાવાની સમસ્યા ઉભી થશે તો નવાઈ નહિ.
આ પણ વાંચોઃ Corona Update: રાજ્યમાં સતત બીજા દિવસે 1 હજારથી ઓછા કેસ, રિકવરી રેટ 96 ટકાને પાર
શહેરના અનેક વિસ્તારોમાં પ્રી-મોનસૂનની કામગીરી
જોકે, હાલમાં શહેરમાં મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા વિસ્તારોમાં સફાઈ કામગીરી ચાલું છે. જેનો લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યો છે. ત્યારે બાકી રહેલી કામગીરી ચોમાસા પહેલા પુરી થશે કે કેમ તે સવાલ છે. તંત્રએ દાવો કર્યો છે કે, ૨૦ જૂન સુધીમાં કામગીરી પુરી થઈ જાશે. પરંતુ તે પહેલા તંત્ર અને શાસકોએ ધ્યાન આપી કામગીરી કરાવવી જરૂરી છે. શહેરનાં મોતીતળાવ, સિદસરરોડ, ખારા વિસ્તાર તથા ફુલસર, કપરા વોર્ડમાં હાદાનગર, પોપટનગર, શિવનગર તેમજ બોરતળાવ ધોબી સોસાયટી વગેરે વિસ્તારમાં તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે.
નવા સીમાંકનથી કામગીરી અને ખર્ચ વધશે
હાલમાં પ્રીમોનસૂનની કામગીરી ચાલું જ છે. અદાંજે રૂપિયા 45 થી 50 લાખનો ખર્ચ થવાની ધારણા છે. પહેલા ૩૦ લાખની આસપાસનો ખર્ચ પ્રીમોનસૂન કામગીરીમાં થતો અને હવે નવા સીમાંકન પ્રમાણે ભાવનગર મહાનગર પાલિકામાં અન્ય પાંચ ગામોનો સમાવિષ્ટ થતા વધુ 15 થી 20 લાખ ખર્ચ થઈ શકે તેવી શક્યતા છે. એટલે કે 50 લાખની આસપાસનો કુલ ખર્ચ પ્રીમોનસૂન કામગીરીમાં થઈ શકે છે જો કે ચોમાસા પહેલા તમામ કામગીરી પુરી થઈ જશે એવા તંત્ર દાવા કરી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube