નવનીત દલવાડી/ભાવનગર :ગુજરાતમાં પ્રાણીઓ (wildlife) ની પજવણીના અનેક કિસ્સા સામે આવતા હોય છે. જેની ગંભીરતાથી નોંધ લઈને કાર્યવાહી કરાય છે. અનેકવાર ગીરના જંગલમાં સિંહોની પજવણી (animal cruelty) ના કિસ્સા બનતા હોય છે, ત્યારે હવે ભાવનગરમાં સસલાની પજવણી કરવામાં આવી હતી. સસલુ (જંગલી હેર) ની પાછળ ગાડી દોડાવી તેની પજવણી કરનારા બે યુવકોને વન વિભાગે પકડી લીધા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તાજેતરમાં જ સસલાની પજવણીનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં જંગલી હેર નામથી ઓળખાતા સસલાની પાછળ બાઈક દોડાવવામાં આવી હતી, ને જીવ બચાવવા સસલુ આગળ ભાગી રહ્યુ હતું. જંગલી સસલાની પજવણીનો વીડિયો વાયરલ થતાં વનવિભાગ દ્વારા તપાસ હાથ ધરાઇ હતી. જેમાં વિરપુર અને બગદાણાના બે શખ્સની ધરપકડ કરી છે. બંને યુવાનો સુરતથી વતનમાં આવી મહુવાથી બીલડી જઇ રહ્યા હતા તે વેળાએ શુટીંગ કરી વીડિયો સોશિયલ મીડિયામાં મૂક્યો હતો. જે વાયરલ થયો હતો. વનવિભાગે બંને ઈસમોને ઝડપી લઇ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 અંતર્ગત ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.



રાઉન્ડ ફોરેસ્ટર એસબી ભરવાડે જણાવ્યું કે, તારીખ 7 ડિસેમ્બરની રાત્રે કલ્પેશ મકવાણા અને કરણ વાઘેલાએ સસલા પાછળ ગાડી દોડાવી પજવણી કરી હતી. મહુવા તાલુકાના બિલડીથી માઢીયા રોડ પર વન્યપ્રાણી સસલા પાછળ બાઈક દોડાવી પજવણી કરતો વીડિયો બનાવ્યો હતો અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. કલ્પેશ મકવાણા અને કરણ વાઘેલા બંને સુરતમાં હીરા ઘસવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. 


ઉલ્લેખનીય છે કે, જંગલી હેર એ શિડ્યુલ-4 ની કેટેગરીમાં આવે છે. ત્યારે તેની પજવણી માટે વન વિભાગે બંને શખ્સોને 15 હજારનો દંડ પણ ફટકાર્યો છે.