Gujarat Elections 2022 નવનીત દલવાડી/ભાવનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણી હાલ દરેક રાજકીય પક્ષ માટે કપરા ચઢાણ બની રહી છે. એક તરફ દરેક પાર્ટીઓ જીતની આશા વ્યક્ત કરી રહ્યાં છે, તો બીજી તરફ મતદારો જે રીતે નિરાશ દેખાઈ રહ્યાં છે તે જોતા કોની જીત થશે તે કળવુ મુશ્કેલ છે. આ વચ્ચે કોંગ્રેસ માટે કપરા ચઢાણ દેખાઈ રહ્યાં છે. ભાવનગર ગ્રામ્યના કોંગ્રેસના ઉમેદવારને હાર્ટએટેક આવ્યો છે. કોંગ્રેસના ગ્રામ્યના ઉમેદવાર રેવતસિંહ ગોહિલને મોડી રાતે હૃદયનો હુમલો થયો હતો. હાર્ટ એટેક આવતા તેઓને તાકીદે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યારે મતદાનને હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે ત્યારે કોંગ્રેસ કાર્યકરોમાં ચિંતાનો માહોલ છવાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચૂંટણી પ્રચાર અટક્યો
રેવતસિંહ ગોહિલને હાર્ટએટેક આવતા ભાવનગર ગ્રામ્યમા કોંગ્રેસનો ચૂંટણી પ્રચાર અટકી ગયો છે. શક્યતા છે કે, ચૂંટણી પ્રચારના ધમધમાટમાં પ્રેશરને કારણે રેવતસિંહને હૃદયનો હુમલો આવ્યો હોય. ત્યારે રેવતસિંહ સાથે કોંગ્રેસના નેતાઓ પણ તેઓ જલ્દી સાજા થાય તે માટે પ્રાર્થના કરી રહ્યાં છે. 


રેવતસિંહ ક્ષત્રિય સમાજમાંથી આવે છે અને તેઓ ક્ષત્રિય સમાજમાં પ્રભુત્વ ધરાવે છે, તેથી કોંગ્રેસ દ્વારા તેમને ટિકિટ આપવામાં આવી છે. તેઓ છેલ્લાં 22 વર્ષોથી કોંગ્રેસ સાથે સંકળાયેલા છે. તેમજ ગોહિલવાડ રાજપૂત સમાજના ઉપપ્રમુખ પણ છે.



ગ્રામ્યમાં રેવતસિંહ ગોહિલ વર્સિસ પરસોત્તમ સોલંકી
ભાવનગર ગ્રામ્ય બેઠક પર કોંગ્રેસે રેવતસિંહ ગોહિલને મેદાનમાં ઉતાર્યા છે. રેવતસિંહ ગોહિલ કોંગ્રેસના પાયાના કાર્યકર અને ઘોઘા તાલુકા કોંગ્રેસ પ્રમુખ પણ છે. સાથે જ તેઓ ભાવનગર ક્ષત્રિય સમાજમાં પણ ભારે પ્રભુત્વ ધરાવે છે. ભાવનગર ગ્રામ્યમાં ભાજપના કોળી સમાજના દિગ્ગજ નેતા પરસોત્તમ સોલંકી અને રેવતસિંહ વચ્ચે જંગ છે. જોકે છેલ્લી પાંચ ટર્મથી ભાવનગર ગ્રામ્ય બેઠક પર ભાજપનો ભગવો લહેરાઈ રહ્યો છે. ત્યારે 2022 માં તખતો પલટાશે કે પછી પુનરાવર્તન થશે તે તો મતદારો જ નક્કી કરશે.