નવનીત દલવાડી/ ભાવનગર: ગુજરાતમાં નવી બની રહેલી ભાજપ સરકાર પાસે વેપારીઓ અને ઉધોગપતિઓએ વિકાસલક્ષી વિવિધ અપેક્ષાઓ વ્યક્ત કરી છે. છેવાડાના ગણાતા શહેર ભાવનગરે અનેક ઉપેક્ષા સહન કરી છે, તેમજ અનેક ઉદ્યોગો ગુમાવ્યા છે, ત્યારે નવી સરકાર પાસે કનેક્ટિવિટી, નવા ઉદ્યોગો, શહેરી બ્યુટીફિક્શન, નવા રોડ રસ્તાઓ અને રીંગ રોડ અંગે માંગ વ્યક્ત કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત વિધાનસભા 2022ની ચુંટણી પૂર્ણ થઈ જેમાં જનતાએ ખોબલે ખોબલે મત આપી ભાજપને વિક્રમી બેઠકો અપાવી છે, જેમાં ભાવનગર જિલ્લાનું પણ ખૂબ મોટું યોગદાન રહ્યું છે. જિલ્લામાં ભાજપને સાત બેઠકો પૈકી છ બેઠકો પ્રાપ્ત થઈ છે, ત્યારે હવે ભાવનગર ને પણ નવી સરકાર પાસેથી કંઈક મળે એવી આશા વેપારીઓ અને ઉધોગપતિઓ વ્યક્ત કરી રહ્યા છે. ભાવનગરમાં અલંગ ઉદ્યોગ સાથે અનેક નાના મોટા ઉદ્યોગો સંકળાયેલા છે, જેનો વિકાસ થતા રોજગારીની વિપુલ તકો નિર્માણ પામી શકે છે.


રોલીંગ મિલ, ફરનેસ મિલ સહિત અનેક ઉદ્યોગો અલંગ સાથે જોડાયેલા છે, એટલે અલંગનો વિકાસ ખૂબ જરૂરી છે, સૌથી મોટો પ્રશ્ન અહીં કનેક્ટિવિટીનો છે, જેમાં એર કનેક્ટિવિટી, રેલવે કનેક્ટિવિટી અને રોડ કનેક્ટિવિટી મહત્વની ગણાય છે/ ભાવનગરને અત્યાર સુધી એક પણ પૂર્ણ રીંગરોડ મળ્યો નથી અને જે બની રહ્યો છે એનું કામ પણ વર્ષોથી ગોકળગતિએ ચાલી રહ્યું છે. જેમાં ઝડપ લાવવી ખૂબ જરૂરી છે. 


શહેરના માર્ગો પણ સારા બને તો લોકોને પ્રાથમિક સુવિધા મળી રહે, રોડ વચ્ચે બનાવવામાં આવેલા ડીવાઈડર પણ ચોક્કસ ધારાધોરણ મુજબ બનવા જોઈએ, યોગ્ય આયોજનના અભાવે ક્યાંક મોટા અને ક્યાંક જરૂરિયાત કરતા નાના ડીવાઈડર બનાવવામાં આવ્યા છે, અને અમુક જગ્યાએ રોડ સાંકડો હોવા છતાં મોટા ડીવાઈડર બનવાથી લોકોની મુશ્કેલીઓ વધી છે, રોડ સારા ના હોવાના કારણે ધૂળ ની ડમરીઓ અને અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે, લોકોને હરવા ફરવા માટે જે બગીચાઓ બની રહ્યા છે એનું કામ પણ ખૂબ મંદ ગતિએ ચાલી રહ્યું હોવાથી લોકો સુવિધા હોવા છતાં ઉપયોગ નથી કરી શકતા. 


ઔધોગિક વિકાસ ભાવનગરની પહેલી જરૂરિયાત છે, સીએનજી ટર્મિનલ, વ્હિકલ સ્ક્રેપ યાર્ડ, સહિત અનેક યોજનાઓ ઝડપથી અમલી બને તો લોકોને મહતમ રોજગારી મળી રહે. વારંવાર બંધ-ચાલુ થતી એરલાઇન્સ, અન્ય જિલ્લા સાથે જોડતા મુખ્ય હાઇવે સહિતના કામો માં યોગ્ય કામગીરી થાય એ ખૂબ જરૂરી છે.