ઝી ન્યૂઝ/ભાવનગર: રાજ્યમાં અનેક વખત પેપરકાંડની ઘટનાઓ બની છે, ત્યારે તાજેતરમાં ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ખાતે ગત 1 એપ્રિલના રોજ બી.કોમ. સેમેસ્ટર 6 ના એકાઉન્ટ પેપર લિકની ઘટના સામે આવી હતી. આ મામલે પોલીસે જી એલ કાકડિયા કોમર્સ કોલેજમાં ઈન્ચાર્જ પ્રિન્સિપાલ સહિત બે વિદ્યાર્થીઓને ઝડપી પાડ્યા હતા. આ સમગ્ર પેપર કાંડમાં સંડોવાયેલા ઈન્ચાર્જ પ્રિન્સિપાલ અમિત ગલાણી અભિનેતા હોવાનો ખુલાસો થયો છે, જી હા... તમે સાચું સાંભળી રહ્યા છે. અમિત ગલાણીએ અનેક ગુજરાતી ફિલ્મ તેમજ શોર્ટ ફિલ્મમાં અભિનય કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમિત ગલાની એક ગુજરાતી કલાકાર છે. તેઓએ અનેક નાટકો, ગુજરાતી ફિલ્મ તથા શોર્ટ ફિલ્મો અભિનય કરી ચૂક્યા છે, તેમજ અનેક કોમેડી વીડિયો પણ કર્યા છે, તેઓના જોક્સ પણ ખૂબ જ વાઇરલ થયા છે. અમિત ગલાનીએ ગુજરાતી ફિલ્મ સૈયર મોરી રે, 1928, ઘન ધતુડી પતુડી અને એપ્રિલ ફૂલ સહિતની અનેક ફિલ્મો તથા અનેક શોર્ટ ફિલ્મમાં અભિનય કર્યો હોવાનો ખુલાસો થયો છે.


તમને જણાવી દઈએ કે, ભાવનગરની જી એલ કાકડિયા ઓફ કોમર્સ કોલેજમાં ઈન્ચાર્જ પ્રિન્સિપાલ અમિત ગલાણી તથા વિદ્યાર્થી અજય લાડુમોર, વિવેક મકવાણા અને વિદ્યાર્થિની સૃષ્ટિ ખોરડાએ આયોજનબદ્ધ રીતે બીકોમ ફેકલ્ટીમાં એકાઉન્ટ વિષયનું પેપર લીક કર્યું હતું, જે બાદ નિમાયેલી 3 સભ્યોની કમિટીની બેઠક બોલાવવામાં આવી હતી. વીસીની હાજરીમાં બોલાવેલી બેઠક પૂર્ણ થયા બાદ વીસી, મહેશ ત્રિવેદીએ મીડિયાને માહિતી આપી હતી. જેમાં પેપર લીક ઘટનામાં જવાબદાર વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી કરવામાં આવી છે. 


પેપર કાંડમાં મુખ્ય સૂત્રધાર અને આરોપી એવા ઇન્ચાર્જ પ્રિન્સિપાલ અમિત ગેલાણીની શિક્ષક તરીકેની માન્યતા રદ કરવા નિર્ણય કરાયો છે. જે કોલેજ નું પરીક્ષા કેન્દ્ર પણ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવ્યું છે. જ્યારે પોલીસના રિપોર્ટના આધારે આ મામલો કેટલા વિદ્યાર્થીઓને અસરકર્તા છે તે જાણ્યા બાદ પરીક્ષા રદ કરવી કે કેમ તે નિર્ણય કરવામાં આવશે. આ ઉપરાંત કોલેજની માન્યતા રદ કરવા સર્વોચ્ચ સત્તામંડલને ભલામણ કરવામાં આવી છે. આમ ભાવનગર યુનિવર્સિટીમાં પેપર લીક ની ઘટનામાં હાલ આકરા પગલાં લેવામાં આવ્યા છે.