નવનીત દલવાડી/ભાવનગર : શહેરમાં રહેતા કેટલાક મિત્રો ઘોઘા તાલુકાના મોટા ખોખરા વિસ્તારમાં ફરવા ગયા હતા, જ્યાં તમામ મિત્રો મોટા ખોખરા પાસે આવેલા તળાવમાં નાહવા પડયા હતા. આ યુવાનો પૈકી એક યુવાન તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જેનો મૃતદેહ ફાયર વિભાગની ટીમે 24 કલાકની જહેમત બાદ મળી આવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શહેરના યુવાનો ગામના તળાવમાં ન્હાવા ગયા હતા
શહેરના શિવાજી સર્કલ પાસે ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા ચિરાગ હરેશભાઈ રાજાઈ (ઉ.વ.૧૯) તેના મિત્ર હિતેન રાજાઈ અને શાળાના અન્ય ત્રણ મિત્રો ફાર્મહાઉસ જવાનું કહી સાથે ફરવા નિકળ્યા હતા અને ફરતા ફરતા મોટા ખોખરા ગામે પહોંચ્યા હતા, જ્યાં ગામના પાદરમાં આવેલા તળાવ પાસે પહોંચતા તળાવમાં ન્હાવાની ઈચ્છા થતાં તમામ મિત્રો તળાવમાં ન્હાવા માટે પડ્યા હતા, પરંતુ અહીં ન્હાવા પડેલા યુવાનોને પાણીની ઉંડાઈનો અંદાજ નહી આવતા તેમાનો એક યુવાન ડુબવા લાગ્યો હતો.


ડૂબી ગયેલા યુવાનની શોધખોળ માટે ફાયર ને જાણ
મોટા ખોખરા ગામના તળાવમાં ડૂબી ગયેલા યુવાનની શોધખોળ માટે સ્થાનિક ગ્રામજનોએ ભાવનગર ફાયર વિભાગને જાણ કરી હતી. જેથી ઘટનાની જાણ કરતાની સાથે જ ફાયર વિભાગની ટીમ મોટા ખોખરા ગામે દોડી આવી હતી. આ ઉપરાંત સ્થાનિક ગ્રામજનો અને તરવૈયાઓની ટીમ પણ યુવાનની શોધખોળમાં જોડાઇ હતી.


ડૂબી ગયેલા યુવાનની મોડી રાત સુધી શોધખોળ
શહેરના કેટલાક યુવાનો મોટા ખોખરા ગામના તળાવમાં નહાવા પડ્યા હતા પરંતુ તેમાંથી એક યુવાન ડૂબવા લાગ્યો હતો. જેને બચાવવાના ભરસક પ્રયાસ છતાં યુવાન તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જાણ થતાંની સાથે જ સ્થળ પર પહોંચી ગયેલા ફાયર વિભાગ દ્વારા મોડી રાત સુધી તળાવના પાણીમાં યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ પાણીની ઊંડાઈ અને જરૂરિયાતના સાધનોના અભાવે સફળતા મળી ન હતી.


સવારે ફાયર વિભાગ દ્વારા ફરી શોધખોળ
તળાવમાં ડૂબી ગયેલા યુવાનની મોડી રાત્રી સુધી શોધખોળ કર્યા બાદ પણ કોઈ ભાળ નહિ મળતા ફાયર વિભાગે આજે સવારે બોટની મદદથી ફરી શોધખોળ હાથ ધરી હતી. તળાવમાં ડૂબી ગયેલા ભાવનગરના યુવાનની શોધખોળ માટે ગામના સ્થાનિક લોકો પણ જોડાયા હતા ત્યારે બપોરે અચાનક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.


ડૂબી રહેલા યુવાનને બચાવવા મિત્રનો પ્રયાસ
ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા ચિરાગ રજાઈ નામનો યુવાન તળાવના પાણીમાં મિત્રો સાથે ન્હાવા પડ્યો હતો. પરંતુ પાણીની ઊંડાઈનો તેને ખ્યાલ ન રહેતા ચિરાગ ડૂબવા લાગ્યો હતો. ચિરાગને ડૂબતો જોઈ તેના મિત્ર હિતેન રજાઈએ તેને બચાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો, તેની તરફ હાથ પણ લંબાવ્યો અને તેને ખેંચવાના ખૂબ પ્રયત્નો કર્યા પરંતુ કોઇ કારી ફાવી ન હતી.


ઊંડા પાણીમાં જઈ શકાય તેવા સાધનોનો અભાવ
મોટા ખોખરાના તળાવમાં ડૂબી ગયેલા ચિરાગના મૃતદેહને બહાર લાવવા ગઇકાલથી ભાવનગર ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓની ટીમ જહેમત ઉઠાવી રહી હતી, પરંતુ આ ટીમ પાસે તળાવમાં ઉડે સુધી જઇ શકાય એવા ટાંચા સાધન વ્યવસ્થાના અભાવના કારણે સફળતા નહોતી મળી. ત્યારે રાજકોટ ફાયર ટીમને મદદ માટે બોલાવવામાં આવી હતી, પરંતુ રાજકોટ ફાયર ભાવનગર આવવા રવાના થાય તે પહેલાં જ ડૂબી ગયેલા યુવાન ચિરાગ રાજાઈનો મૃતદેહ પાણીમાથી બહાર નીકળી આવ્યો હતો. જેથી રાજકોટ ફાયર વિભાગને નીકળતાં પહેલાં જ રોકી દેવામાં આવ્યો હતો.


પરિવારનું એક માત્ર સંતાન હતો ચિરાગ
ગાયત્રીનગરમાં રહેતા હરેશભાઈ રાજાઇ અગરબત્તીનો વ્યવસાય કરે છે. ચિરાગ તેમનો એક માત્ર સંતાન હતો. એક માત્ર સંતાનનું અકાળે મોત થઈ જતાં પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. ચિરાગનું મોત થતા પરિવારની સાથે સમગ્ર ગાયત્રીનગર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube