નવનીત દલવાડી, ભાવનગરઃ ભાવનગર શહેરના મધ્યમાં આવેલું ગંગાજળિયા તળાવ ગંદગીનો પર્યાય બની ગયું છે. તળાવમાં પાણીની જગ્યાએ ફક્ત ગંદકી વહી રહી છે. લોકોએ કચરો ફેંકીને તળાવને ઉકરડો બનાવી દીધું છે, જ્યારે તંત્ર મૂક દર્શક બનીને તમાશો જોઈ રહ્યું છે. આ દ્રશ્યો છે ભાવનગર શહેરની એક ઓળખ એવા ગંગાજળિયા તળાવના, તળાવમાં જે રીતે ગંદકીના થર તરી રહ્યા છે, તેને જોતાં આ જગ્યાને તળાવ કહેવું અતિશયોક્તિ ગણાશે. જો કે ઐતિહાસિક જગ્યા હોવાથી તેને તળાવ કહેવું જરૂરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જૂના ભાવનગર શહેરના લોકોને પાણી મળી રહે એ માટે રજવાડાના સમયમાં ગંગાજળિયા તળાવ તૈયાર કરાયું હતું. સમય જતાં તળાવનું ક્ષેત્રફળ ઘટીને અડધું રહી ગયું છે. મહાનગર પાલિકાએ થોડા સમય પહેલા કરોડો રૂપિયાનો ખર્ચ કરી તળાવની ફરતે હરવાફરવા માટેનું સ્થળ બનાવ્યું છે, આસપાસની જગ્યાની સુંદરતા વધારી છે, પણ તળાવના હાર્દ એવા પાણીની ચોખ્ખાઈનું ધ્યાન રાખવાનું ભૂલી જવાયું. જેનું પરિણામ તમારી સામે છે.


તળાવની આસપાસ આવેલી દુકાનો, સોસાયટીઓ દ્વારા પ્રદૂષિત પાણી છોડાતા અને રસ્તા પરથી પસાર થતા લોકો કચરાપેટી સમજીને તળાવમાં કચરો નાંખતા હોવાથી તળાવ કચરાપેટી બની ગયું છે. સમગ્ર તળાવમાં પ્લાસ્ટિક સહિતનો કચરો તરતો જોવા મળે છે. લીલ સહિતની વનસ્પતિએ પણ તળાવના પાણીને દુષિત બનાવ્યું છે.


આ પણ વાંચોઃ શાંતા બા હોસ્પિટલની ગંભીર બેદરકારી, મોતિયાના ઓપરેશન બાદ ચાર લોકોએ આંખની રોશની ગુમાવી


ગંગાજળિયા તળાવમાં છોડવામાં આવતું ફિલ્ટરનું વેસ્ટ પાણી છેલ્લા 2 મહિનાથી બંધ કરાતા પાણીમાં ઑક્સિજનના લેવલમાં પણ ઘટાડો નોંધાયો છે, જેનો ભોગ પેઇન્ટેડ સ્ટોર્ક, કોરમોરન્ટ અને બતક સહિતની પ્રજાતિના પક્ષીઓ બની રહ્યા છે. તળાવમાં નવું પાણી ન ઉમેરાતા શેવાળનું પ્રમાણ અનેક ગણું વધી જતા તમાં ફસાઈને પક્ષીઓનાં મોત થઈ રહ્યા છે. ઓક્સિજનના અપૂરતા લેવલને કારણે જળચર જીવોને પણ માઠી અસર થઇ રહી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube