નિયતિના ખેલ કોણ જાણે રે!! ભૂજનું ‘ધૂલ કા ફૂલ’ લંડનના દંપતીના ઘરમાં કિલકિલાટ કરશે
- નિયતિની ‘નિયતિ’ તેને લંડન લઈ જશે, કચ્છની બાળકી લંડનના પરિવારને દત્તક અપાઈ
- એક જનેતાએ મજબૂરીમાં દીકરીને ત્યાગી અને બીજી જનેતાએ હોંશેહોંશે તેને અપનાવી
રાજેન્દ્ર ઠક્કર/ભૂજ :ભૂજ (bhuj) માં ત્યજાયેલી હાલતમાં મળેલી નવજાત બાળકી નિયતિની ‘નિયતિ’ કુદરતે કદાચ કંઈક અલગ જ લખી હશે. કોને ખબર હતી કે ત્યજી દેવાયેલી આ બાળકનું નસીબ તેને લંડન લઈ જવાનું છે. લંડનમાં સ્થાયી થયેલા પરિવારને તેને દત્તક (adoption) લીધી છે. ત્યારે નિયતિને નવો પરિવાર મળ્યો છે.
માતાએ બે વર્ષ અગાઉ તેને ભગવાન ભરોસે ત્યજી દીધી હતી. ત્યારથી કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર તેનું આશ્રયસ્થાન બન્યું હતું. નાનકડી નિયતિ હજુ પોતાની જનેતા અને નિયતિને દોષ આપવા જેટલી સમજણી થાય તે અગાઉ વધુ એક વજ્રાઘાત થયો હતો. માંડ 4-5 મહિનાની હતી ત્યારે નિદાન થયું હતું કે તેને હૃદયના વાલ્વમાં કાણું છે. મા ભલે નહોતી પણ તેની મદદે સરકારી મા કાર્ડ આવ્યું હતું. મા કાર્ડની મદદથી આણંદના કરમસદની હોસ્પિટલમાં તેના હાર્ટની જોખમી સર્જરી થઈ હતી. સર્જરી સફળ રહેલી અને નિયતિ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ હતી.
આ પણ વાંચો : ઈતિહાસ સાક્ષી છે.... ભાજપમાં નરેન્દ્ર મોદીને બાદ કરતા એક પણ સીએમ પોતાનો કાર્યકાળ પૂરો કરી શક્યા નથી
કુદરતે કદાચ તેની નિયતિ કંઈક અલગ જ લખી છે. હવે નિયતિને માવતર પણ મળી ગયાં છે. લંડનમાં સ્થાયી થયેલાં ભારતીય મૂળના અક્ષય બાસગોડ અને તેમની પત્ની આરતીએ સરકારી ધારાધોરણો મુજબ પ્રક્રિયા કરીને નિયતિને દત્તક પુત્રી તરીકે મેળવી છે. નિઃસંતાન અક્ષયભાઈ અને આરતીબેને જ્યારે પહેલીવાર નિયતિનો ફોટો જોયો ત્યારે જ મનોમન તેને પોતાની દીકરી માની લીધી હતી. અક્ષય લંડનની એક ખાનગી કંપનીમાં એચઆર મેનેજર છે. જરૂરી કાયદેસર કાર્યવાહી માટે છેલ્લાં એક માસથી તેઓ ભુજમાં જ રોકાયાં હતા.
કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર ખાતે વિધિવત્ રીતે નિયતિ તેમના હાથમાં સોંપવામાં આવી હતી. અક્ષયભાઈનો પરિવાર પૂરો થયો, તેમને 6 વર્ષ બાદ નિયતિ મળી. એથી ખુશખુશાલ ચહેરે જણાવ્યું કે નિયતિ ને સારું શિક્ષણ અને આરોગ્ય મળી રહેશે તેમજ નિયતિ ને સારું ભવિષ્ય પણ મળશે. તો પ્રથમ વખત માતા બન્યાના અહેસાસ સાથે આરતી બાસગોડએ ખુશીની લાગણી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, નિયતિને આવકારવા અમારું આખું કુટુંબ થનગની રહ્યું છે.
આ પણ વાંચો : બે વાર નીતિન પટેલનું નસીબ એક ડગલુ પાછળ જતુ રહ્યું, આ વખતે લોટરી લાગશે કે પત્તુ કપાશે?
મહિલા કલ્યાણ કેન્દ્રના પ્રમુખ કમળાબેને જણાવ્યું કે, સરકારની નવી પ્રક્રિયા અમલમાં આવ્યા બાદ અત્યાર સુધીમાં 4 દીકરી અને 4 દીકરા સહિત 8 બાળકો વિદેશમાં દત્તક અપાયેલાં છે. સૌ સુખી છે અને તેમના ભવિષ્ય ઉજ્જવળ છે. સંચાલિકા ઇલાબેન અંજારીયાએ પણ એક દીકરીની વિદાયમાં એક આંખમાં હર્ષ અને એક આંખમાં દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.