હિતલ પારેખ, ગાંધીનગર: દેશના તમામ રાજ્યોના શિક્ષણ મંત્રીઓની આજે વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10 અને 12ની પરીક્ષાની 60 ટકા ઉત્તરવહીઓ તપાસવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે નહીં એટલા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓને અભ્યાસ સામગ્રી પહોંચાડવામાં આવી હોવાનો પણ શિક્ષણ મંત્રીએ દાવો કર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી દેશના તમામ રાજ્યોએ કોરોના (Covid-19)ના સંદર્ભમાં બાળકોના શિક્ષણના સાતત્ય માટે કરેલા પ્રયાસોની કેન્દ્રીય માનવ સંસાધન મંત્રીને વિગતવા માહિતી આપી હતી. તે અંતર્ગત રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વીડિયો કોન્ફરન્સમાં હાજર રહી જણાવ્યું હતું કે, લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે પણ ઓન-એરના માધ્યમથી ધોરણ 3થી 9 અને ધોરણ 11ના વિવિધ વિષયોને ઘરે બેઠા જ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે તે માટે ગુજરાત સરકારે વિવિધ ચેનલોના માધ્યમથી આોજન કર્યું છે. જેનો વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં લાભ મેળવ્યો છે.


રાજ્યના શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, ધોરણ 3થી 9 સુધીના મહત્તમ વિદ્યાર્થીઓ સુધી શિક્ષણ સામગ્રી પહોંચાડી દેવામાં આવી છે. સ્ટડી ફ્રોમ હોમ અંતર્ગત સમગ્ર શિક્ષા અભિયાન અને જી.સી.ઈ.આર.ટીના માધ્યમથી વિદ્યાર્થીઓ માટે શિક્ષણ સામગ્રી પણ તૈયાર કરવામાં આવી છે. તેનો પણ વિદ્યાર્થીઓએ મોબાઈલ એપ્લીકેશન દ્વારા લાભ મેળવી રહ્યાં છે.


ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ગુજરાતના કચ્છ પાસે આવેલી પાકિસ્તાનની બોર્ડર પાસે વેલા કચ્છ જિલ્લાના જનાન ગામમાં મોબાઇલની કનેક્ટીવીટી ન હોવા છતાં પણ શિક્ષકે પોતાના ઘરની છત પર જઈને મોબાઇલના માધ્યમથી સિગ્નલ મેળવીને ગાંધીનગરથી મોકલાવ્યું શૈક્ષણિક સાહિત્ય વિદ્યાર્થીઓને સંભળાવ્યું હતું. જ્યારે બોર્ડર પરના અન્ય ગામોમાં ગ્રામ પંચાયતના લાઉડ સ્પીકરનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓના શૈક્ષણિક સાહિત્ય ઘરે ઘરે સંભળાવ્યું છે.


કોરોનાની પરિસ્થિતિ વચ્ચે સંપૂર્ણ લોકડાઉનના કારણે વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થીઓના વાલીઓને શિક્ષણ ફીના સંદર્ભમાં આર્થિક બોજો ન પડે તેનુ પણ રાજ્ય સરકારે ધ્યાન રાખ્યું હોવાનું જણાવી શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, 12મી એપ્રિલના રોજ ખાનગી શાળા સંચાલકો સાથે બેઠક કરીને વર્ષ 2020-21ની શૈક્ષણિક ફીમાં કોઈપણ જાતનો વધારો કરાયો નથી.


આ ઉપરાંત ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરિક્ષાઓ સમયસર પૂર્ણ કરી દેવાઈ હતી. હાલમાં રાજ્યમાં આ પરીક્ષાઓનું ઉત્તરવહીઓનું મુલ્યાંકન કાર્ય પણ પૂર્ણ કરાયું છે. જેમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાની 60 ટકા ઉત્તરવહીઓ તપાસવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે ધોરણ 12 સાયન્સ વિજ્ઞાન પ્રવાહની 100 ટકા ઉત્તરવહીઓનું મુલ્યાંકન પૂર્ણ થઈ ગયું છે.


અત્રે ઉલ્લેખનીય છે કે,  કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોકરીયાલે આજે દેશના તમામ રાજ્યોના શિક્ષણમંત્રી સાથે વીડિયો કોન્ફરન્સ સંબોધતા જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં કોરોના (Covid-19)ના કારણે વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે ખાસ કરીને શિક્ષણ ક્ષેત્ર સામે ખુબ મોટો પડકાર સર્જાયો છે. આમ છતાં પણ દેશના તમામ રાજ્યોએ લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે પણ વિદ્યાર્થીઓના શિક્ષણની પ્રક્રિયા સતત જળવાઈ રહે તે માટે પ્રત્યેક રાજ્યે નોંધપાત્ર કામગીરી કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube