કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખની વિકેટ પડવાની તૈયારી, આ સમાજના નેતા પર પસંદગીનો કળશ ઢોળાશે
Gujarat Congress President : ગુજરાત કોંગ્રેસને મળી શકે છે નવા પ્રદેશ પ્રમુખ.. આગામી 15 દિવસમાં કોંગ્રેસ કરી શકે છે નવા પ્રમુખની જાહેરાત.. પાટીદાર સમાજના નેતાને પ્રતિનિધિત્વ અપાય તેવી શક્યતા..
Gujarat Congress President : ગુજરાત વિધાનસભામાં કારમી હાર બાદ કોંગ્રેસ હારના કારણો શોધવામાં લાગ્યું છે. સાથે જ જે લોકો પર ચૂંટણી જીતવાની આશા હતી, તે ઠગારી નીવડી છે. તેથી હવે કોંગ્રેસ હાઈકમાન્ડ નેતાઓને બદલવાના મૂડવામાં છે. હવે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પણ બદલે તેવા અણસાર મળ્યાં છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જગદીશ ઠાકોરને સુકાન સોંપ્યુ હતું, પરંતું તેઓ નિષ્ફળ રહ્યાં છે. ઉલટાનું કોંગ્રેસને અગાઉની વિધાનસભાની ચૂંટણી કરતા વધુ નુકસાન થયુ છે. બીજી તરફ, કોંગ્રેસમાં આંતરિક ડખા એટલા વધ્યા છે કે જગદીશ ઠાકોર આ ગૂંચ ઉકેલવામાં પણ અસફળ રહે છે. આવામાં હવે કોંગ્રેસ નવા પ્રદેશ પ્રમુખ લાવે તો નવાઈ નહિ.
પાટીદાર સમાજના નેતાનું નામ ફાઈનલ થાય તેવી શક્યતા
હવે ગમે ત્યારે કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત થઈ શકે છે. બસ, આગામી 15 દિવસમાં કોંગ્રેસ નવા પ્રદેશ પ્રમુખ જાહેર કરી શકે છે. સંસદનું સત્ર પૂરું થયા બાદ કોંગ્રેસ હાઈકમાન્ડ આ જાહેરાત કરે તેવુ દેખાઈ રહ્યું છે. આમાં, પાટીદાર સમાજના નેતાને પ્રતિનિધિત્વ અપાય તેવી શક્યતા છે. હાલ જગદીશ ઠાકોર ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે. પરંતું વિધાનસભાની કારમી હાર બાદ હવે પ્રદેશ પ્રમુખ બદલાઈ શકે છે.
આ નામો પર ચર્ચા થઈ રહી છે
કોંગ્રેસ હાઈકમાન્ડ ગમે તે ઘડીએ પ્રદેશ પ્રમુખ બદલી શકે છે. હાલ પ્રદેશ પ્રમુખ તરીકે પરેશ ધાનાણી, અર્જુન મોઢવાડિયા અને જીતુ પટેલનું નામ ચર્ચામાં છે. જોકે, ચર્ચા તો એવી પણ છે કે કોંગ્રેસ પાટીદાર કાર્ડ અજમાવી શકે છે. મુખ્યમંત્રી જ્યારે પાટીદાર છે, ત્યારે કોંગ્રેસ પણ પાટીદાર નેતાને પ્રદેશ પ્રમુખનુ પદ આપી શકે છે.
રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસથી નારાજ
સૂત્રો કહે છે કે, કોંગ્રેસને બેઠી કરવા માટે આગામી દિવસોમાં સંગઠન માળખામાં અને તેની કાર્યપદ્ધતિમાં ધરખમ ફેરફારો થવાના છે. ગુજરાતમાં કોંગ્રેસને ફરી બેઠી કરવી હોય તો રાહુલ ગાંધીએ આ મામલો હાથમાં લેવાની જરૂર છે. પણ રાહુલ ગુજરાત કોંગ્રેસથી નારાજ હોવાથી આ મામલે રસ દાખવી રહ્યાં નથી. તેઓ માને છે કે ગુજરાતમાં ભાજપને મજબૂત કરવામાં ગુજરાત કોંગ્રેસની નિષ્ફળતાનો સીધો હાથ છે. ભાજપ ગુજરાતમાં પ્રયોગો કરીને દેશભરમાં અમલ કરે છે. આમ છતાં કોંગ્રેસના નેતાઓ ચૂપકીદી સાધીને બેસી રહે છે.
પક્ષના ગદ્દારોને કારણે હાર્યું કોંગ્રેસ
વિધાનસભાની ચૂંટણીમાં હારેલા ઉમેદવારોએ સત્યશોધક કમીટી સમક્ષ એવો બળાપો કાઢ્યો હતો કે, પક્ષના ગદારોને કારણે જ હાર થઇ છે. જો કોંગ્રેસ પક્ષવિરોધી સામે કેવાં પગલાં ભરે છે એ તો સમય જ બતાવશે પણ આ સ્થિતિ રહી તો પક્ષની આ જ દશા રહેશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ માંડ 17 બેઠકો પર સમેટાઈ ગઈ છે. કોંગ્રેસની હારનું પોસ્ટમોર્ટમ ચાલી કરાયું. જેમાં ઈવીએમ અને નબળા સંગઠન પર દોષનો ટોપલો ઢોળાઈ રહ્યો છે. હાઈકમાન્ડે રચેલી કમિટીએ વન ટુ વન બેઠકો કરી હતી. ગુજરાત કોંગ્રેસે હારનું ઠીકરું ફોડીને આ રિપોર્ટ હાઈકમાનને મોકલી આપ્યો છે પણ હવે સત્ય શોધક કમિટી તપાસ કરી રહી છે.
ગુજરાતમાં કોંગ્રેસની અંદરો અંદરની ટાંટિયા ખેંચને પગલે કોંગ્રેસ સતત તૂટતી જાય છે. ગુજરાતમાં સારા કહેવાતા ઘણા નેતાઓએ ભાજપનો કેસરિયો પહેરી લીધો છે. એક સમયે 77 બેઠકો જીતીને ભાજપના નાકમાં દમ લાવી દેનાર કોંગ્રેસ ઘર સાચવી શકી નથી. આજે વિધાનસભામાં કેટલાક નેતાઓ આ બાબતે વિરોધપક્ષની ભૂમિકા ભજવી રહ્યાં છે, પણ જ્યાં સુધી કોંગ્રેસમાં જડમૂળથી ફેરફારો નહીં થાય ત્યાં સુધી ગુજરાતમાં ફરી ગુજરાતીઓનો ભરોસો જીતવો એ અઘરો છે. કારણ કે હાલમાં સંતાકૂકડીની રમત ચાલતી હોય તેમ પદ પર એક બાદ એક નેતાઓ બદલાઈ રહ્યાં છે. દિલ્હી હાઈકમાન્ડ આ સારી રીતે જાણે છે પણ એમની પાસે પણ કોઈ વિકલ્પ નથી. એટલે જ ગુજરાતની ચૂંટણીમાં હાઈકમાન સતત નિષ્ક્રીય રહ્યું હતું.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અશોક ગહેલોત સહિતના નેતાઓના ધામા છતાં કોંગ્રેસ કંઈ ઉકાળી શકી નથી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની અત્યંત કારમી હારના સાચાં કારણો શોધવા હાઈકમાન્ડે ત્રણ સભ્યોની કમિટી ગુજરાત મોકલી હતી, મોડે મોડે આ કમિટીએ ગુજરાતના ચારેય ઝોનના આગેવાનો-કાર્યકરો સાથે મસલતનો દોર શરૂ કર્યો હતો, જે હવે પૂરો કર્યો છે. આ કમિટી દિલ્હીમાં પોતાનો રિપોર્ટ સબમિટ કરાયો છે, એ સાથે જ મરણ પથારીએ પડેલી કોંગ્રેસને બેઠી કરવા માટે શું કરવું તેની ભલામણ આ કમિટી સૂચવવાની છે.