ઝી બ્યૂરો, અમદાવાદઃ સૌરાષ્ટ્રવાસીઓ માટે આ સમાચારો ખુબ જ મહત્ત્વના છે. ભારત સરકારના રેલવે મંત્રાલય દ્વારા ખાસ કરીને સૌરાષ્ટ્રવાસીઓ માટે લાંબા અંતરની ટ્રેનોમાં વધારો કરવામાં આવ્યો છે. રેલવે વિભાગ દ્વારા સૌરાષ્ટ્રને છ નવી ટ્રેનોની ભેટ આપવામાં આવી. ઉલ્લેખનીય છેકે, ધંધા રોજગાર અર્થે મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રના લોકો અન્ય શહેરોમાં વસતા હોય છે. જોકે, સપ્તાહને અંતે તેઓ પોતાના પરિવારને મળવા માટે ઘરે પણ પરત ફરતા હોય છે. આવી સ્થિતિમાં તેમને વાહનની વ્યવસ્થા ન મળવાથી તેઓ અટકાઈ જતા હોય છે. ઘણીવાર આ અંગે રજૂઆતો પણ થઈ હતી. જોકે, તેમની વાત કોઈએ ધ્યાને લીધી નહોતી. પરંતુ સુરતના ભાજપના સાંસદ દર્શનાબેન જરદોશે કેન્દ્ર સરકારમાં રેલવે રાજ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળતાની સાથે જ વિવિધ પ્રોજેક્ટમાં ગુજરાતીઓને વધુને વધુ લાભ મળે તેની પ્રાથમિકતાનું ધ્યાન રાખ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એવામાં લાંબા સમયથી પેન્ડિગ પડેલી સૌરાષ્ટ્રવાસીઓની ટ્રેન અને ફ્રિકવન્સી વધારવાની માંગણી પણ તેમણે સ્વીકારી હતી. અમદાવાદ-પ્રયાગરાજ એક્સપ્રેસ સહિત 6 લાંબા અંતરની ટ્રેનોને રાજકોટ સુધી લંબાવવામાં આવી છે.  કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવી છે. તો આ પહેલા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખી સૌરાષ્ટ્રમાં વંદે ભારત ટ્રેન શરૂ કરવાની રજૂઆત કરી છે.


સૌરાષ્ટ્રના હબ ગણાતા રાજકોટમાં વંદે ભારત ટ્રેનને લંબાવવાની માંગ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા દ્વારા કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે, વંદે ભારત ટ્રેન રાજકોટ સુધી લંબાવવાથી સૌરાષ્ટ્રને ઘણો લાભ થશે. મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને 30 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી બતાવી હતી. જે બાદ આ સુપરફાસ્ટ ટ્રેનનું કોમર્શિયલ સંચાલન 1 ઓક્ટોબરથી શરૂ થયું હતું. આ ટ્રેન મહારાષ્ટ્ર અને ગુજરાતની રાજધાની તેમજ બે મહત્વપૂર્ણ વેપાર કેન્દ્રોને જોડે છે. વંદે ભારત એક્સપ્રેસની પ્રથમ ટ્રેન નવી દિલ્હી અને વારાણસી વચ્ચે શરૂ કરવામાં આવી હતી.


 



 


શું છે વંદે ભારત એક્સપ્રેસની ખાસિયતો:
- કુલ 16 કોચ ધરાવતી આ ટ્રેન સામાન્ય શતાબ્દી ટ્રેનની સરખામણીએ ઓછો સમય લે છે.
- વંદે ભારત એક્સપ્રેસની મહત્તમ ઝડપ 180 કિલોમીટર પ્રતિ કલાક છે.
- ટ્રેનના મધ્યમાં બે ઉચ્ચ વર્ગના કંપાર્ટમેન્ટ છે અને પ્રત્યેકમાં 52 સીટ છે. 
- જ્યારે સામાન્ય કોચમાં 78 સીટ છે.
- ટ્રેનમાં એકસાથે 1,128 યાત્રીઓ મુસાફરી કરી શકે છે.
- વંદે ભારત એક્સપ્રેસમાં GPS, અલગ પ્રકારની લાઇટ, ઑટોમૅટિક દરવાજા અને CCTV સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે.
- આ ટ્રેન વાઈફાઈ, AC,વ્યક્તિગત ચાર્જિંગ સૉકેટ જેવી સુવિધાઓ છે.


દર્શનાબેન જરદોશ દ્વારા આ અંગે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને જાણકારી આપવામાં આવી છે.  કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશે ટ્વીટર પર જાહેરાત કરી હતીકે, રાષ્ટ્રના લોકોને સુવિધા રહે એ હેતુથી નીચે મુજબની ટ્રેનોને રાજકોટ સુધી લંબાવવામાં આવી છે. (1) ટ્રેન નં. 19421/22 અમદાવાદ - પટના એક્સપ્રેસ, (2) ટ્રેન નં. 22967/68 અમદાવાદ - પ્રયાગરાજ એક્સપ્રેસ, (3) ટ્રેન નં. 19413/14 અમદાવાદ - કોલકાતા એક્સપ્રેસ, (4) ટ્રેન નં. 11049/50 અમદાવાદ - કોલ્હાપુર એક્સપ્રેસ, (5) ટ્રેન નં. 22137/38 નાગપુર - અમદાવાદ એક્સપ્રેસ (6) ટ્રેન નં. 12917/18 અમદાવાદ - હઝરત નિઝામુદ્દીન સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ.


રાજકોટ રેલવે સ્ટેશનને અંદાજે 10થી 11 ટ્રેન મળશે:
થોડા દિવસ અગાઉ 'અમૃત ભારત સ્ટેશન યોજના' હેઠળ રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશનના પુનઃ વિકાસ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુલી શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ તકે રાજકોટના રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા અને લોકસભાના સાંસદ મોહનભાઈ કુંડારીયાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટને વંદે ભારત સહિતની મહત્વની એક્સપ્રેસ ટ્રેનો મળશે. રાજકોટ રેલવે સ્ટેશનને અંદાજે 10થી 11 ટ્રેન મળશે. લાંબા રૂટની ટ્રેન જે અમદાવાદ સ્ટેશન પર 20 કલાકથી વધુ સમય રહેતી હોય તેવી ટ્રેનને રાજકોટ સુધી લંબાવવામાં આવશે.