વાલીઓ બેગ તૈયાર રાખજો, ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓની શાળા ખૂલવા અંગે આવ્યા મોટા અપડેટ
![વાલીઓ બેગ તૈયાર રાખજો, ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓની શાળા ખૂલવા અંગે આવ્યા મોટા અપડેટ વાલીઓ બેગ તૈયાર રાખજો, ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓની શાળા ખૂલવા અંગે આવ્યા મોટા અપડેટ](https://gujarati.cdn.zeenews.com/gujarati/sites/default/files/styles/zm_500x286/public/2021/11/21/358959-schoolszee.jpg?itok=WfgJlXcR)
સુરતમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ મોટી જાહેરાત કરી છે. ગુજરાતમાં 1 થી 5 ધોરણના વર્ગો ક્યારથી શરૂ થશે તેની આખરે શિક્ષણમંત્રી દ્વારા જાહેરાત કરાઈ છે. તેમણે કહ્યું કે, આવતીકાલે સોમવારથી ધોરણ 1 થી 5 ના વર્ગોની શરૂઆત થશે.
તેજશ દવે/સુરત :સુરતમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ મોટી જાહેરાત કરી છે. ગુજરાતમાં 1 થી 5 ધોરણના વર્ગો ક્યારથી શરૂ થશે તેની આખરે શિક્ષણમંત્રી દ્વારા જાહેરાત કરાઈ છે. તેમણે કહ્યું કે, આવતીકાલે સોમવારથી ધોરણ 1 થી 5 ના વર્ગોની શરૂઆત થશે. જોકે, વર્ગોમાં હાજરી મજરજિયાત રાખવામાં આવી છે. તેમજ વાલીઓની મંજૂરી સાથે જૂની SOPનું કડકાઈથી પાલન કરવાની સૂચના આપવામાં આવી છે. બાળકોની ઉંમર નાની હોવાથી વધારે તકેદારી રાખવાની રહેશે.
સુરતમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શિક્ષણ વિભાગના મંત્રી જીતુ વાઘાણી દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણમંત્રીએ કહ્યું કે, સરકાર બાળકોને ભૂલ્યા ત્યાંથી ભણતરની શરૂઆત કરાવશે. વાલીઓની મંજૂરી સાથે બાળકોને સ્કૂલમાં મોકલી શકાશે. નાના બાળકોના પણ સ્કૂલે જવા માટે ફોન આવતા હતા. તેથી આખરે નિર્ણય લેવાયો છે. જોકે, હાલ ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલમાં બાળકોની હાજરી મરજિયાત રાખી છે. જૂની એસઓપી પ્રમાણેના નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે. સ્કૂલોમાં કોરોનાની ગાઇડલાઈનનું પાલન કરવું પડશે. તેમજ ઓફલાઇન વર્ગો માટે વાલીઓએ સંમતિ પત્રક આપવું પડશે.
લાંબા સમયથી ધોરણ 1 થી 5 ના વર્ગો શરૂ કરવા અંગે વિચારણા ચાલી રહી હતી. આ મામલે ગાંધીનગરની કેબિનેટ બેઠકમાં અનેક ચર્ચાઓ કરાઈ હતી. જોકે, દિવાળી બાદ આ અંગે જાહેરાત થાય તેવી શક્યતા હતી. આખરે શિક્ષણ વિભાગ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. ત્યારે છેલ્લા બે વર્ષથી માસુમ બાળકો ઘરમાં પૂરાઈને ઓનલાઈન શિક્ષણ લઈ રહ્યા હતા. જેમાં કેટલાક બાળકો તો એવા છે, જેઓ શાળાનું પગથિયુ પણ ચઢ્યા ન હતા. આખરે આ વિદ્યાર્થીઓ પણ હોંશભેર બેગ પકડીને સ્કૂલે ચાલતા જતા જોવા મળશે. સરકારના આ નિર્ણયમાં સૌથી મોટી ચેલેન્જ વેક્સીન છે. હજી સુધી બાળકોની વેક્સીન આવી નથી. આવામાં બાળકોની સુરક્ષાનો પણ સવાલ છે.
કોરોનાકાળ બાદ વિદ્યાર્થીઓ ઓનલાઈન ક્લાસ કરવા મજબૂર બન્યા હતા. પરંતુ કોરોનાની રફ્તાર ધીમી પડતા શૈક્ષણિક કામગીરી ધીમે ધીમે પાટા પર ચઢી રહી છે. સૌથી પહેલા કોલેજના ઓફલાઈન વર્ગો શરૂ થયા હતા. જેના બાદ ધીરે ધીરે ધોરણ 6 થીના 12 વર્ગો સમયાંતરે શરૂ કરાયા. આવામાં ધોરણ 1 થી 5 ના વર્ગો શરૂ કરવા માટે લાંબા સમયથી કોઈ નિર્ણય લેવાયો ન હતો. તેમાં પણ ધોરણ 1 થી 5ના બાળકોની ઉંમર નાની હોવાથી શિક્ષણ વિભાગે નિર્ણય લીધો ન હતો. તો બીજી તરફ, દિવાળી બાદ કોરોનાના કેસમાં થોડો ઉછાળો થતા નિર્ણય લેવામાં વિલંબ થયો હતો.