કેજરીવાલની પાટીદારો માટે મોટી જાહેરાત, કહ્યું, `અમારી સરકાર બનશે તો 15 દિવસમાં તમામ કેસ પરત ખેંચીશું`
ભાવનગરની મુલાકાતે આવેલા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે મહારાજા કૃષ્ણકુમારસિંહજીને નમન કરી સ્પીચ શરૂ કરી હતી. ત્યારબાદ કેમ છો, મજામાં... સ્ટાઈલથી સ્પીચની શરૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ખૂબ મોટા દેશ ભક્ત હતા.
નવનીત દલવાડી/ભાવનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે ફરી એક વખત આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે પધાર્યા છે. અરવિંદ કેજરીવાલ આજે ભાવનગર પહોંચ્યા છે. કેજરીવાલ એરપોર્ટથી સીધા સભા સ્થળે પહોંચી વિશાળ સભાને સંબોધન કર્યું છે. માર્કેટિંગ યાર્ડ નજીક જાહેર સભામાં ખૂબ મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ જોવા મળી છે.
ભાવનગરની મુલાકાતે આવેલા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે મહારાજા કૃષ્ણકુમારસિંહજીને નમન કરી સ્પીચ શરૂ કરી હતી. ત્યારબાદ કેમ છો, મજામાં... સ્ટાઈલથી સ્પીચની શરૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ખૂબ મોટા દેશ ભક્ત હતા. સરદાર પટેલ જ્યારે અખંડ ભારત ચળવળ શરૂ કરી ત્યારે સૌથી પહેલું રજવાડુ સમર્પિત કર્યું હતું. અમારી કેન્દ્ર સરકારને બે હાથ જોડીને માંગણી છે, મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારતરત્ન મળવું જોઈએ. હું ભરોસો આપવા માંગુ છું, અમારી સરકાર આવશે તો એક એક વાયદો પૂરો કરીશું. દેવી કી કૃપા હો રહી હે ઓર ઝાડુ ચલ રહા હે.
કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે, આઇબીની રિપોર્ટ મુજબ આમ આદમીની ગુજરાતમાં સરકાર બનશે. પરંતુ તેના માટે તમારે એક જોરદાર ધક્કો મારવો પડશે, આ લોકો ખૂબ બદમાશ છે. 150 સીટો આવવી જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પાટીદાર આંદોલન સમયે ખોટા કેસ કરી જેલમાં પૂર્યા. જે જે સમાજોએ આંદોલન કર્યું એમના વિરુદ્ધ ખોટા કેસ કર્યા. પરંતુ હું અહીં કહેવા માંગું છું કે અમારી સરકાર આવશે તો 15 દિવસમાં તમામ કેસો પાછા ખેંચીશું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સૌથી પહેલું પગલું ભ્રષ્ટાચાર મુક્તિ રહેશે. અઢી લાખ કરોડ રૂપિયા સરકાર ખર્ચ કરે છે. પણ સુવિધા કેમ નથી આપતી? જો અમારી સરકાર બનશે તો ગળામાં હાથ નાખી બધા પૈસા બહાર કાઢીશું. અમારો કોઈ નેતા ભ્રષ્ટાચાર નહિ કરે અને અમારો જે નેતા ભ્રષ્ટાચાર કરશે તેને સીધો જેલમાં મોકલી આપીશું. અમારી પાર્ટી ઈમાનદાર છે. 15 ડિસેમ્બર પછી એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર તમારા બધા કામ થશે. જે પણ ટેક્ષના પૈસા એકત્ર થશે એમાં સૌથી પહેલા વીજળી બિલ માફ કરીશું. ગરીબોને મોંઘવારીના જમાનામાં થોડી રાહત આપીને અમે કોઈ ખોટું કરતા નથી. અમે 18 વર્ષથી મોટી બહેનોને મહિને 1 હજાર મળશે.
કેજરીવાલે ગુજરાતી ભાષામાં ઉલ્લેખ કરી કહ્યું, હવે તમારે ચિંતા કરવા ની જરૂર નથી, તમારો ભાઈ આવી ગયો છે.. ગુજરાતમાં ખૂબ સારી શાળાઓ બનાવીશું. હોસ્પિટલો બનાવીશું. જેમાં મફત સારવાર મળશે. મે ગુજરાત માટે તમામ આયોજન કરી રાખ્યું છે. મને રાજનીતિ કરતા નથી આવડતું, શાળા અને હોસ્પિટલ બનાવતા આવડે છે, હું ભણેલો માણસ છું. સૌથી વધુ મોંઘવારી ગુજરાતમાં છે. તમે એક ઈમાનદાર સરકારને મત આપશો તો દિલ્હીની જેમ ગુજરાતમાં પણ થશે. બેરોજગારોને મહિને 3-3 હજાર રોજગારી ભાથું મળશે. દિલ્હીમાં 12 લાખ લોકોને રોજગારી આપી છે. ગુજરાતમાં 10 લાખ સરકારી નોકરી ઊભી કરીશું. જે લોકો મોદી મોદીના નારા લગાવે છે એવા યુવાનોને નોકરી તો મારી સરકાર જ આપશે.
કેજરીવાલે ઉમેર્યું હતું કે, ચુંટણી આવી રહી છે અને બે દિવસ પહેલા જ ફરી એક પેપર ફૂટી ગયો. અમે તાત્કાલિક સરકારી નોકરી માટે પરીક્ષાનું પરિણામ લક્ષી આયોજન કરીશું. પંજાબમાં 5 પાકો ઉપર ખેડૂતને એમએસપી મળતી થઈ. ગુજરાતમાં પણ શરૂ કરીશું. આગળ જતાં તમામ પાકોને એમએસપી પર ખરીદી કરીશું. અયોધ્યા દર્શન માટે દિલ્હી સરકાર પૈસા આપે છે. અમારી સરકાર બનશે તો ગુજરાતના લોકોને પણ મળશે લાભ. મને રેવડી વેરવાનું બોલતા નેતાઓની ખુદની નિયત ખરાબ છે. હવે ડબલ એન્જિન જૂનું થઈ ગયું, નવું એન્જિન જોઈએ લોકોને.. એક મોકો કેજરીવાલને દઈ જુઓ, કામ ના કરું તો ફરી નહિ માંગુ.
કેજરીવાલે કોંગ્રેસને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, કોંગ્રેસને તમારો કિંમતી વોટ આપીને વેડફશો નહિ. તમારા મિત્રોને પરિવર્તન માટે મેસેજ કરજો. લોકોને ઘરે ઘરે જઈને સમજાવજો આપને મત આપવા માટે..