કોંગ્રેસના 9 બેઠકોની ચોથી યાદી જાહેર, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ?
Gujarat Elections 2022 : ગુજરાત કોંગ્રેસે શનિવારે 9 બેઠકો પર 9 ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી છે, જુઓ કોણ કોણ છે ઉમેદવાર.. દ્વારકા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જામશે જંગ.... ભાજપથી પબુભા માણેકને તો કોંગ્રેસમાં મુળુભાઈ કંડોરિયાને ટેલિફોન કરીને કરી જાણ...
Gujarat Elections 2022 ગૌરવ પટેલ/અમદાવાદ :ગુજરાત કોંગ્રેસ દ્વારા શનિવારે ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી છે. પ્રથમ તબક્કાના 75 અને બીજા તબક્કાના 20 મળીને કોંગ્રેસે અત્યાર સુધી કુલ 95 ઉમેદવાર કોંગ્રેસે જાહેર કર્યા હતા. ત્યારે આજે ચોથી યાદી આવી ગઈ છે. આજે 9 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી છે. આ સાથે કુલ 104 ઉમેદવારોના નામની જાહેરાત કોંગ્રેસ દ્વારા કરાઈ છે.
દ્વારકા - મુળુભાઈ કંડોરિયા
તલાલા - માનસિંહ ડોડિયા
કોડિનાર - મહેશ મકવાણા
ભાવનગર ગ્રામ્ય - રેવતસિંહ ગોહિલ
ભાવનગર ઈસ્ટ - બળદેવ સોલંકી
બોટાદ - રમેશ મેર
જંબુસર - સંજય સોલંકી
ભરૂચ - જયકાંત બી પટેલ
ધરમપુર - કિશનભાઈ પટેલ
દ્વારકા બેઠક પર લાંબી ખેંચતાણ
દ્વારકામાં મુળુ કંડોરયા અંગે કોંગ્રેસ પહેલેથી જ વિચારણા કરી રહ્યું હતું. જેઓને યાદી જાહેર કરતા પહેલા કોંગ્રેસ પક્ષ દ્વારા ટેલિફોનિક જાણ કરી દેવાઈ હતી. દ્વારકા બેઠક પર હવે કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઈ કંડોરીયા અને ભાજપના પબુભા માણેક વચ્ચે જંગ જામશે.
બોટાદમાં મનહર પટેલનો બળાપો
કોંગ્રેસ દ્વારા બોટાદ બેઠક પર રમેશ મેરના નામની જાહેરાત કરવામા આવી છે. ત્યારે બોટાદ બેઠક પર જાહેર થયેલ કોંગ્રેસના ઉમેદવાર સામે દાવેદારોએ રોષ ઠાલવ્યો છે. બોટાદ માટે દાવેદારી કરતા મનહર પટેલે ટ્વીટ કરી પક્ષ સામે મનોવ્યથા ઠાલવી છે. મનોહર પટેલે બોટાદ વિધાનસભા માટે પોતાને સાચા ઉમેદવાર ગણાવ્યા છે. સાથે ટ્વીટમાં રામ કિશન ઓઝા, રઘુ શર્મા, અશોક ગહેલોત અને રાહુલ ગાંઘીને ટેગ કર્યાં છે. મનહર પટેલે ટ્વીટ કરી કે, 107 બોટાદ વિધાનસભાનો કોંગ્રેસ પક્ષનો હું સાચો ઉમેદવાર છું. કોંગ્રેસ પક્ષ મારા નામ પર ફેર વિચારણા કરે. મારા જેવા પક્ષને સમપિઁત આગેવાન સાથે પક્ષનો નિર્ણય સ્વીકાર્ય નથી. મારી સાથે 2017 નુ પુનરાવતઁન થયુ …જે પક્ષના વિશાળ હિતમા નથી.
આજે ગુજરાત કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, રઘુ શર્મા, શક્તિસિંહ ગોહિલ અને પ્રદેશ કોંગ્રેસના નેતાઓની હાજરીમાં ચૂંટણી ઢંઢેરો જાહેર કરાયો છે. ‘બનશે જનતાની સરકાર’ના નામે ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, કોંગ્રેસ 125 બેઠકો સાથે જનતાની સરકાર બનાવી રહી છે. જનતાના પ્રશ્નોને વાચા આપતા ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. રાહુલ ગાંધીએ ગુજરાત માટે કરેલા 8 વચનોને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં ખેડૂતાનો દેવા માફ કરવા, રૂ. 500માં ગેસ સિલિન્ડર આપવા, લોકોને 300 યુનિટ સુધી વીજળી ફ્રી આપવી સહિતના 8 વાયદાઓ કરવામાં આવ્યા છે.
1. ગુજરાતની મહિલાઓને 500ના ભાવે ગેસનો બાટલો મળશે
2. નિયમિત સરકારી ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવશે
3. વિદ્યાર્થિનીને KG થી PG સુધી રૂ . 500 થી 20,000 સુધીની શિષ્યવૃત્તિ
4. સસ્તા ભાવે ગુણવત્તાયુક્ત દવાઓની ઉપલબ્ધિ માટે જનતા મેડિકલ સ્ટોરની સુવિધા
5. ખેડૂતોને ખેત પેદાશોના વાજબી ભાવ માટે ભાવ નિર્ધારણ સમિતિની રચના
6. કામધેનુ ગૌ સંવર્ધન યોજના હેઠળ પ્રતિ વર્ષ રૂ.1000 કરોડનું બજેટ
7. માછીમાર વિકાસ નિગમની પુનઃ રચના કરાશે
8. શ્રમિકો માટે સમાન કામ અને સમાન વેતનનો અમલ મળશે
9. શ્રમિકોને પીએફ, ઇ.એસ.આઈ અને બોનસનો લાભ મળશે
10. શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં મહિલાના નામે મળશે ઘરનું ઘર
11. પંચાયતના તમામ કર્મચારીઓ માટે કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરી કાયમી ભરતી
12. SC/ST/OBC અને લઘુમતી સમાજ માટે કાયમી અનામત આયોગની રચના
13. વિધવા,વૃદ્ધ,એકલ નારી અને જરૂરિયાતમંદ મહિલાને મહિને રૂ.2000 નું ભથ્થું
14. નાત, જાત,ધર્મ કે પક્ષીય ભેદભાવ વગર કાયદાનું શાસન સ્થપાશે
15. સંતુલિત ઔધોગિક નીતિ અમલમાં લાવવામાં આવશે
16. સિરામિક, એન્જિનિયિંગ,કાપડ અને હીરા ઉદ્યોગ માટે સ્પેશિયલ ક્લસ્ટર
17. બંદરગાહ,ઊર્જા અને ઈન્ફરાસ્ટ્રક્ચરનો વિકાસ કરાશે
18. બારમાસી બંદરોનો વિકાસ કરવામાં આવશે
19. પ્રદૂષણ મુક્ત ગુજરાત બનાવવામાં આવશે
20. મોટેરા સ્ટેડિયમનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ કરાશે