ઝી બ્યૂરો, અમદાવાદઃ મધુ શ્રીવાસ્તવની ઉંમર નીકળી ગઈ એ કામ મુખ્યમંત્રીએ મિનિટોમાં કરી નાંખ્યું. વાઘોડિયાને લઈને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. અચાનક વાઘોડિયા અંગે લેવાયેલાં આ નિર્ણયથી અનેક તર્કવિતર્ક ઉભા થયા છે. જોકે, સરકાર આ નિર્ણયને હાલ જનહિતકારી નિર્ણય તરીકે જ ગણાવી રહી છે. એવું પણ ચર્ચામાં છેકે, આ વાઘોડિયાને નગરપાલિકા બનાવવાનો મુદ્દે લોકસભા ચૂંટણીમાં આવી શકે તેમ હતો જેને કારણે સરકારે અત્યારથી જ તેનો છેડ ઉડાડી દીધો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ચર્ચા એટલા માટે થઈ રહી છે કારણકે, આજે ગુજરાતના મુખ્યમંત્રીએ વાઘોડિયાને નગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી છે. જે અંતર્ગત મુખ્યમંત્રીએ વડોદરા જિલ્લાની ત્રણ ગ્રામ પંચાયતો એકત્રિત કરી નવી વાઘોડિયા નગરપાલિકાની રચના કરવાની જાહેરાત કરી છે. વડોદરા જિલ્લાના વાઘોડિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોનો ઔદ્યોગિક અને શૈક્ષણિક વિકાસ ધ્યાને લઈને મુખ્યમંત્રીએ આ નિર્ણય લીઘો હાવોનું સરકાર જણાવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયથી હવે વાઘોડિયા નવી નગરપાલિકા બનશે. 


ઉલ્લેખનીય છેકે, વાઘોડિયા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લાનો મહત્વનો તાલુકો છે. વાઘોડિયા આ તાલુકાનું મુખ્ય મથક છે. જે વર્ષોથી ભાજપનો ગઢ રહ્યું છે. જોકે, ગત ચૂંટણીમાં ત્યાંના ભાજપના જ પાંચ ટર્મથી ધારાસભ્ય રહેલાં સિટિંગ એમએલએ એવા દબંગ મધુશ્રીવાસ્તવની ભાજપે ટીકીટ કાપી નાંખી હતી. મધુશ્રીવાસ્તવ ભાજપની સામે પડ્યો અને અપક્ષ ચૂંટણી લડ્યાં પણ વિધાનસભામાં વેતરાઈ ગયાં. ત્યારે જે કામ માટે મધુશ્રીવાસ્તવની આખી ઉંમર નીકળી ગઈ છતાં મેળ ના પડ્યો એ કામ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મિનિટોમાં કઈ રીતે કરી દીધું એ ચર્ચાનો વિષય છે.


ઉલ્લેખનીય છેકે, પાંચ પાંચ ટર્મ સુધી ભાજપના ધારાસભ્ય રહ્યાં છતાંય પણ મધુશ્રીવાસ્તવ સરકાર પાસે જે કામ ના કરાવી શક્યા એ કામ મધુશ્રીવાસ્તવના ગયા બાદ મુખ્યમંત્રીએ કેમ કરાવ્યું એ પણ મોટો સવાલ છે. હાલ ગુજરાત સરકાર દ્વારા જે પણ નિર્ણય લેવાઈ રહ્યાં છે તેમાં આગામી લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખવામાં આવી રહી છે. ત્યારે આ નિર્ણયથી લોકસભા ચૂંટણીને શું કંઈ લેવા દેવા છે ખરાં એવો તર્ક પણ વહેતો થયો છે.


વાઘોડિયાની વાતઃ
વિધાનસભા ચૂંટણી ટાણે સ્થાનિકોએ કરેલી વાતને માનીએ તો, દિવસેને દિવસે વસ્તી વઘતા માડોધર અને વાઘોડિયા એક થઈ ગયું છે. તેજ પ્રમાણે વાઘોડિયા તાલુકા સેવાસદન ટીંબી ગામની સીમમાં અને નવીન કોર્ટ પાછળની સોસાયટીઓ તવરા-ટીંબી સાથે ભળી એક થઈ ગઈ છે. વાઘોડિયા ગ્રામ પંચાયત હોવાના કારણે રોડ, રસ્તા, ગટર લાઈન, સ્ટ્રીટ લાઈટ અને પીવાનું પાણી વગેરે હદ વિસ્તાર એકબીજામાં ભળી જતા વહિવટી અને નિભાવણીની મોટી જવાબદારી ગ્રામ પંચાયતો માટે પડકારજન થઈ રહી છે. વાઘોડિયા ઔદ્યોગિક એકમો ધરાવતુ મોટુ હબ છે. જ્યા અનેક મોટી કંપનીઓ અસ્તીત્વ ધરાવે છે. અનેક મોટી હોસ્પિટલો અને કોલેજો ધરાવતો વાઘોડિયા તાલુકો છે.


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા જિલ્લાના વાઘોડિયાને નવી નગરપાલિકા બનાવવાની મંજૂરી આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની નજીકના વિસ્તારમાં આવેલી વાઘોડિયા ઉપરાંત માડોધર અને ટીંબી ગ્રામ પંચાયતોને એકત્રિત કરી આ નવી વાઘોડિયા નગરપાલિકા બનાવવામાં આવશે. વાઘોડિયા, માડોધર અને ટીંબી ગ્રામ પંચાયતો વડોદરા મહાનગરપાલિકાના વિકસિત ગણાતા વાઘોડિયા રોડથી નજીકની ગ્રામ પંચાયતો છે. એટલું જ નહીં, આ ગ્રામ પંચાયતોના વિસ્તારમાં મોટા ઉદ્યોગો, GIDC અને શૈક્ષણિક સંસ્થાઓ પણ આવેલી છે.


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસની આ ગતિને ધ્યાને લઈને શહેરી વિકાસ વિભાગ દ્વારા વાઘોડિયાને નગરપાલિકા બનાવવા કરેલી દરખાસ્તને અનુમોદન આપ્યું છે. અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, બંધારણની જોગવાઈઓ અનુસાર જે તે વિસ્તારની વસ્તી, વસ્તીની ઘનતા અને સ્થાનિક વિસ્તારની આવક અને ભૌગોલિક પરિબળોને ધ્યાનમાં લઈ ગ્રામ પંચાયતો તથા આઉટગ્રોથ વિસ્તારોને નગરપાલિકામાં ભેળવવાની રાજ્ય સરકારને સત્તા મળેલી છે.


આ સંદર્ભમાં રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે રિજીયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ-વડોદરા ઝોન, વડોદરા જિલ્લા કલેક્ટર અને વડોદરા મ્યુનિસિપલ કમિશનરના સકારાત્મક અભિપ્રાય  સાથે મળેલી દરખાસ્ત મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઘોડિયાને નવી નગરપાલિકા બનાવવાની દરખાસ્ત મંજૂર કરતાં હવે આ વિસ્તારને શહેરી સુખાકારી સુવિધાના વ્યાપક લાભ મળશે અને ઈઝ ઓફ લિવિંગમાં પણ વૃદ્ધિ થશે. વડોદરા જિલ્લાના વાઘોડિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોનો ઔદ્યોગિક અને શૈક્ષણિક વિકાસ ધ્યાને લઈને મુખ્યમંત્રીએ આ નિર્ણય લીઘો હાવોનું સરકારનું નિવેદન છે.