આ ગામમાં જાતિવાદનું ઝેર રાખી ન કરવા દીધો અંતિમ સંસ્કાર, બે દિવસ રઝળતી રહી મહિલાની લાશ
ગુજરાતના વિકાસ મોડલની વાતો થઈ રહી છે અને રોડ-રસ્તા સુધરી રહ્યાં છે. પણ ગુજરાતની માનસિકતા ક્યારે સુધરશે? ગુજરાતના આ ગામમાં બનેલી ઘટના જાણીને તમારું મગજ ફરી જશે...
જયેન્દ્ર ભોઈ, પંચમહાલ: સમય બદલાયો પણ હજુ પણ માનસિકતા બદલાઈ નથી. વિકસતા ગુજરાતમાં હજુ પણ જાતિવાદી ઝેર ભરેલું છે. આ વાતનો પુરાવો આપ્યો છે રાજ્યના પંચમહાલ જિલ્લામાં બનેલી એક ઘટનાએ. પંચમહાલ જિલ્લામાં આવેલાં ઘોઘંબા તાલુકામાં આવેલાં કંકોડાકોઈ ગામમાં આ ઘટના બની છે. જેમાં એક મહિલાના મોત બાદ ગ્રામજનોએ તેને જાતિવાદનો ભેદ રાખીને સ્મશાનમાં અંતિમવિધિ ન કરવા દીધી. બબ્બે દિવસ લાશ રઝડતી રહી. બબ્બે દિવસ સુધી તેના પરિવારજનો અંતિમવિધિ કરવા માટે ગ્રામજનોને આજીજી કરતા રહ્યાં. પણ ગ્રામજનોએ વિરોધ કરતા આખરે આ પરિવારે પોતાના જ ખેતરમાં તેમના સ્વજનની અંતિમવિધિ કરવાની ફરજ પડી.
પંચમહાલ જિલ્લામાં આવેલાં ઘોઘંબા તાલુકાના કંકોડાકોઈ ગામે મોતનો મલાજો ન જળવાયો. આધુનિક સમયમાં હજુ પણ જીવંત છે રંગભેદ અને જાતિવાદ. જાતિવાદનું ઝેર રાખીને મૃતકના અંતિમ સંસ્કાર અટકાવાયા હોવાની ચર્ચા સમગ્ર પંથકમાં ફરી વળી. અલગ જાતિના કહીને અંતિમ સંસ્કાર ન કરવા દીધા હોવાનો ઘટસ્ફોટ થયો. જેને કારણે મહિલાના મૃતદેહને બે દિવસ સુધી ઘરમાં રાખવો પડ્યો. ગામના સ્મશાનમાં કેટલાંક શખ્સોએ અંતિમ સંસ્કાર ન કરવા દીધા હોવાનો પરિવાજનોનો આક્ષેપ છે. જેને પગલે આ લોકો આખરે કંટાળીને બે દિવસ બાદ પોતાની માલિકીના ખેતરમાં અંતિમ સંસ્કાર કર્યા.
ZEE24ક્લાક પૂછે છે સવાલ:
જોકે અહીં એ સવાલ થાય કે...
લોકો ચંદ્ર સુધી પહોંચી ગયા પરંતુ હજુ પણ જાતિવાદને પ્રાધાન્ય કેમ?
શું મૃત્યુ પછી પણ વ્યક્તિની જાતિને ગણવામાં આવે છે?
શું માણસના મૃત્યુ પછી પણ જાતિવાદ જીવંત રહે છે?
ક્યારે જાતિવાદ નામના દૂષણનો અંત આવશે?
અલગ જાતિના કહીને અંતિમ સંસ્કાર અટકાવવા કેટલાં યોગ્ય?...
21મી સદીમાં પણ લોકો કેમ જાતિવાદને આપે છે મહત્વ?
ક્યારે આવા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે?...
મહત્વનું છે કે કંકોડાકોઈ ગામમાં નાયક પરિવારની એક મહિલાનું પ્રસૂતિના 12 દિવસ બાદ મોત થયું હતું. જેના પછી પરિવારના લોકો તેના મૃતદેહને લઈને અંતિમ સંસ્કાર માટે જઈ રહ્યા હતા. પરંતુ ગામના કેટલાંક લોકોએ અલગ જાતિના હોવાનું કહીને તેમને અટકાવ્યા હતા. અંતિમ સંસ્કાર કરવા દેવાનો ઈન્કાર કર્યો હતો. જેના કારણે પરિવારે બે દિવસ સુધી મૃતક મહિલાના મૃતદેહને ઘરે રાખવો પડ્યો હતો. જોકે આ સમગ્ર મામલે પરિવારજનો દ્વારા કોઈપણ ફરિયાદ કે રજૂઆત કરવાનો ઈન્કાર કર્યો છે.
કંકોડાકોઈ ગામના સરપંચ હિરાભાઈ રાઠવાએ જણાવ્યુંકે, રાત્રે બે વાગ્યે લાશ લઈને આવેલાં. સવારે 10 વાગ્યે વિધિ કરવાની તૈયારી તો કરી જ હતી. ગામ વાળાએ એમ કહ્યુંકે, નવા સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરો. ગામ જનોએ કોઈને અંતિમ સંસ્કાર કરવાની ના નથી પાડી.
હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર ક્યારેય આ વિસ્તારમાં આવો બનાવ બન્યો નથી. મને પણ આ માહિતી આજે મળી છે. હું પોતે પણ ત્યાં જવાનો છું. આવું બન્યું હોય તો ન બનવું જોઈએ. કંકોડા નવી પંચાયત બની છે. તેથી ત્યાંનો ધીરેધીરે વિકાસ થઈ રહ્યો છે. પોલીસ, મામલતદાર તપાસ કરશે.