રાજકોટમાં અમુલ પ્લાન્ટ અંગે મહત્વપૂર્ણ સમાચાર, આણંદપર નહીં પણ અહીં સ્થપાશે ડેરીનો પ્લાન્ટ
સૌરાષ્ટ્ર-રાજકોટને સૌથી મોટી ભેટ મળવા જઈ રહી છે. વિશ્વમાં ડેરી ઉધોગમાં ગુજરાત સહિત પોતાનો ડંકો વગાડનારી કંપની અમૂલ હવે એક મોટો પ્લાન્ટ સ્થાપવા જઈ રહી છે. ક્યાં સ્થપાશે જુઓ..
લશ્કરી નવનીત/ રાજકોટ: સૌરાષ્ટ્ર-રાજકોટને સૌથી મોટી ભેટ મળવા જઈ રહી છે. વિશ્વમાં ડેરી ઉધોગમાં ગુજરાત સહિત પોતાનો ડંકો વગાડનારી કંપની અમૂલ (AMUL) હવે એક મોટો પ્લાન્ટ સ્થાપવા જઈ રહી છે. અમુલનો મોટો પ્લાન્ટ રાજકોટમાં સ્થપાશે. જેના માટે ગઢકા ગામની સર્વે નમ્બર 477ની 100 એકર જમીન પસંદ કરવામાં આવી છે. જમીન માટે દરખાસ્ત પણ મુકવામાં આવી છે. જ્યારે જમીન જંત્રીનો ભાવ 520 રૂપિયા નક્કી કરાયો છે. અગાઉ આણંદપર ગામની જમીન પસંદ કરવામાં આવી હતી. જોકે ભાવ મોંઘો પડતા ગઢકા ગામની જમીન માટે દરખાસ્ત મુકવામાં આવી છે.
અત્રે નોંધનીય છે કે, રાજકોટ જિલ્લા તંત્ર દ્વારા ડેરીના પ્લાન્ટ માટે જામનગર રોડ તરફ આવેલા આનંદપરા ગામમાં 100 એકર જમીન પસંદ કરવાામાં આવી હતી. આ જગ્યાને અમૂલ બ્રાન્ડનું પ્રોડક્શન કરતી ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન(GCMMF)ને પ્લાન્ટ સેટ અપ કરવા માટે આપવાની વાત ચાલી હતી. પરંતુ તેનો ભાવ મોંધો પડતા તે જગ્યાના બદલે ગઢકા ગામમાં જમીન લેવાનું પસંદ કરાયું છે. આ પ્લાન્ટ સ્થાપવાનો નિર્ણય GCMMF દ્વારા સપ્ટેમ્બર 2020માં પોતાની બોર્ડ મિટિંગમાં લેવામાં આવ્યો હતો.
અગાઉ એવી ચર્ચા હતી કે, રાજકોટમાં (RAJKOT) બનનારો પ્લાન્ટ ગાંધીનગરમાં બની રહેલા તેના સૌથી મોટા 50 લાખ લીટર ડેઇલી કેપેસિટી ધરાવતા પ્લાન્ટ પછી બીજા નંબરનો પ્લાન્ટ બની શકે છે. ફેડરેશન આ માટે રુ. 200 કરોડના ખર્ચે પ્રતિ દિવસ 30 લાખ લિટર દૂધના પ્રોસેસિંગની કેપેસિટી ધરાવતો પ્લાન્ટ સ્થાપવા માગે છે. જેનાથી રાજકોટ, સૌરાષ્ટ્ર અને કચ્છના દુધ ઉત્પાદકોને સીધો ફાયદો થશે.
હાલમાં જોવા જઈએ તો સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં 10 જેટલી દૂધ મંડળીઓ દરરોજ 30 લાખ લિટર જેટલું દૂધ એકઠું કરે છે અને તે પૈકી ફક્ત 15 લાખ લિટર જ દૂધ, દહીં, છાસ અને ઘી બનાવવા માટે વાપરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube