અફરાતફરીનો માહોલ: CM ભુપેન્દ્ર પટેલની સુરક્ષામાં મોટી ચૂક, યુવક બેગ લઈને મંચ પર પહોંચી ગયો...
ડીસામાં મુખ્યમંત્રીની સભા પુરી થયા બાદ એક યુવક લેખિતમાં રજૂઆત કરવા માટે મુખ્યમંત્રી પાસે મંચ પર જ પહોંચી ગયો હતો. કાર્યક્રમ પૂરો થતાં જ મુખ્યમંત્રી સભા સ્થળ છોડી રહ્યા હતા, ત્યારે આ યુવક સ્ટેજ પર પહોંચી જતાં અફરાતફરી મચી ગઈ હતી.
બનાસકાંઠા: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપની ગૌરવ યાત્રા રાજ્યના અનેક જિલ્લાઓમાં ફરી રહી છે. ત્યારે આજે ગૌરવ યાત્રા બનાસકાંઠા આવી પહોંચી છે. પરંતુ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં સીએમ ભુપેન્દ્ર પટેલની સુરક્ષામાં મોટી ચૂક થઇ છે. ડીસામાં ગૌરવ યાત્રામાં સીએમ ભુપેન્દ્ર પટેલ જોડાયા હતા. આ દરમિયાન સભામાં સીએમ પટેલ મંચ પર હતા ત્યારે એક યુવક હાથમાં બેગ લઈને એકએક સીએમ ભુપેન્દ્ર પટેલની નજીક પહોંચી ગયો હતો.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, ડીસામાં મુખ્યમંત્રીની સભા પુરી થયા બાદ એક યુવક લેખિતમાં રજૂઆત કરવા માટે મુખ્યમંત્રી પાસે મંચ પર જ પહોંચી ગયો હતો. કાર્યક્રમ પૂરો થતાં જ મુખ્યમંત્રી સભા સ્થળ છોડી રહ્યા હતા, ત્યારે આ યુવક સ્ટેજ પર પહોંચી જતાં અફરાતફરી મચી ગઈ હતી.
ભાજપના કાર્યકરોએ જ આ શખ્સને મુખ્યમંત્રી નજીક જતાં અટકાવીને તેના હાથમાં રહેલો કાગળ છીનવી લીધો હતો. ત્યારબાદ આ યુવકને સ્ટેજથી દૂર લઈ જવામાં આવ્યો હતો અને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. આ શખ્સ તલાટી હોવાનું પ્રાથમિક અનુમાન છે. પોલીસે આ શખ્સની અટકાયત કરી લેતા તે સ્ટેજ પર કેમ ચઢ્યો હતો અને તેના હાથમાં રહેલા કાગળમાં શું લખાણ હતું તે અંગે કોઈ જ માહિતી મળી શકી નથી.
આ ઘટના બાદ એવું મનાય છે કે, યુવક કોઈ રજૂઆત કરવા માટે સ્ટેજ પર ચઢી ગયો હતો. જોકે ત્યાં ઉપસ્થિત કાર્યકરોએ યુવકના હાથમાંથી પત્ર ખીસ્સામાં મુકી દીધો હતો અને તેને દૂર લઈ ગયા હતા. હવે લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, આખરે એ પત્રમાં શું હતું? ડીસામાં મુખ્યમંત્રીની સભામાં જે રીતે સ્ટેજ સુધી આ શખ્સ પહોંચી ગયો તે સુરક્ષાની મોટી ત્રુટિ કહી શકાય એમ છે.