અમદાવાદ :ગુજરાત પાઠ્યપુસ્તક મંડળના અભણ સંચાલકોના પાપે રાજ્યના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ ખોટું ભૌતિક શાસ્ત્ર ભણી રહ્યા છે. જી હા... વારંવાર ભૂલો કર્યા પછી ભૂલોમાંથી કશું પણ શીખવાની નીતિ ના રાખતું પાઠ્યપુસ્તક મંડળ ફરી એકવાર વિવાદમાં ચમક્યું છે. ગુજરાત પાઠ્યપુસ્તક મંડળના બેદરકાર અને નઘરોળ સ્ટાફના પ્રતાપે ગુજરાતમાં HSC બોર્ડના વિદ્યાર્થીઓ જ ખુદ ખોટું ભૌતિક શાસ્ત્ર ભણી રહ્યા છે. ગુજરાતીનું પુસ્તક હોય તો જોડણીની ભૂલો, એકને બદલે બીજા વ્યક્તિનો ફોટો અને હવે પણ એક ડગલું આગળ ચાલીને પાઠ્યપુસ્તક મંડળના અભણ સંચાલક મંડળે અને આખા સ્ટાફની બેદરકારીથી ધોરણ 12 બોર્ડના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ ખોટું ભૌતિક શાસ્ત્ર ભણી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવી સ્થિતિ સર્જાઈ હોવા છતાં ગુજરાત પાઠ્યપુસ્તક મંડળના અભણ સંચાલકો સંજ્ઞા અને ફોન્ટ્સની મોટા ભાગની ભૂલોને પ્રિન્ટિંગ મિ્સ્ટેની ભૂલો ગણાવી રહ્યા છે. હદ તો ત્યારે થઈ જ્યારે 4 ચેપ્ટરનો સિલેબસ પૂર્ણ થઈ ગયો અને પાઠ્યપુસ્તક મંડળની ઊંઘ ઉડી. એ પણ જાગૃત શિક્ષકોએ અને વિદ્યાર્થીઓએ જાણ કર્યા પછી તંત્ર જાગ્યું. આનાથી પણ એક ડગલું આગળ જુઓ. પાઠ્ય પુસ્તકની પાછળ આપેલા જવાબોમાં પણ મોટી ભૂલો છાપવામાં આવી છે. 


આ પણ વાંચો : આગામી 5 દિવસ સાચવજો, ગુજરાતમાં મેઘો મન મૂકીને વરસશે


બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે છેક એટલે કે સિલેબસ પૂર્ણ થવા આવ્યો ત્યારે ભૂલ સુધારવા માટે નઘરોળ તંત્રએ પરિપત્ર જાહેર કર્યો છે. સવાલ એ થાય છે છેલ્લાં ચાર વર્ષથી એકની એક ભૂલ થવા બાદ કેમ પાઠ્ય પુસ્તક મંડળને ખબર ના પડી. ઓગસ્ટમાં ભૂલ સુધારવા પરિપત્ર જાહેર કર્યો તો હવે બોર્ડના વિદ્યાર્થીઓએ શું કરવું. એક બે નહીં પણ 20 ભૂલો સાથેનો પાઠ્ય પુસ્તક શાળાઓ સુધી કેમ પહોંચી જાય છે. ભૂલ ભરેલા પુસ્તકોના છાપવાના ખર્ચનો કોણ આપશે હિસાબ. કેમ આવી રીતે પ્રજાના રૂપિયા વેડફાટ કરવામાં આવે છે.


સવાલ એ છે કે, ક્યાં સુધી પાઠ્યપુસ્તક મંડળ આવી ગંભીર ભૂલો કરશે. ક્યાં સુધી બોર્ડના વિદ્યાર્થીઓના ભાવી સાથે આવી રીતે ચેડા થશે. દેવી સરસ્વતીની સાધના કરવાના બદલે આ પાઠ્ય પુસ્તક મંડળના સંચાલકો કમિશનની સાધના કરી રહ્યા હોય એવું લાગી રહ્યા છે. શિક્ષણમંત્રી જાગો... હવે તમારે જાગવાની જરૂર છે... કેમ કે પાઠ્યપુસ્તક મંડળના અભણ સંચાલકો 4 વર્ષથી ઊંઘી રહ્યા હતા છતાં તેમની નિંદ્રા ઉડી નથી. 


આ પણ વાંચો : કમાઉ વહુ પાસેથી પણ સાસરીવાળાઓએ દહેજ માંગ્યું, ત્રાસ સહન ન થતા કરી આત્મહત્યા


ઝી 24 કલાક પૂછે છે કે, સવાલ ધોરણ 12 સાયન્સ બોર્ડના પાઠ્ય પુસ્તકમાં જો આટલી ભૂલો રહી જતી હોય તો પ્રાથમિક શાળામાં આ નઘરોળ સંચાલકો કઈ કક્ષાએ પાઠ્યપુસ્તકોનું સ્તર નીચે લઈ ગયા હશે? હે સરસ્વતી માતા... અમે પ્રાર્થના કરીએ છીએ આ નઘરોળ પાઠ્યપુસ્તકના બેજવાબદાર સંચાલકો અને આખા સ્ટાફને સદબુદ્ધિ આપો. પુસ્તકોનું મોનેટરિંગ કરવાની જેની જવાબદારી છે, તેમને થોડું જ્ઞાન આપો જેથી ગુજરાતની ભાવિ પેઢી અને વૈજ્ઞાનિકો અને ડૉક્ટરો બનનારા આપણા વિદ્યાર્થીઓ ખોટું ભણીને ગેરમાર્ગે ના દોરાય.