ઝી મીડિયા/બ્યૂરો :પોલીસ કર્મચારીઓના ગ્રેડ પેનું આંદોલન આખરે સમેટાયુ છે. પોલીસ કર્મચારીઓના પરિવાજનોએ આજે ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી. જેનો સુખદ અંત આવ્યો છે. રાજ્યના DGP આશિષ ભાટિયાએ એક પ્રેસ કોન્ફરન્સ કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે ગ્રેડ પે મુદ્દે નિરાકરણ લાવવામાં આવ્યું છે. વિવિધ મુદ્દાઓ અંગે રજૂઆતો કરવામાં આવી હતી. IPS બ્રિજેશ ઝાની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી છે.  GADના નાયબ સચિવનો સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સમિતિના સભ્ય તરીકે નાણાં સચિવ આ સમિતિ સમગ્ર મુદ્દે તપાસ કરશે. હવે પછી કોઈપણ ખાનગી વ્યક્તિ કે કર્મચારી આ રીતે કાયદા વિરુદ્ધ વર્તન કરશે તો કાયદેસરના પગલાં ભરવાનું જણાવ્યું છે. પોલીસ વિભાગ માટેના નિયમોનું પાલન કરવાનું રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્ત્વનું છે કે, કમિટીમાં પાંચ અધિકારીઓનો સમાવેશ કરાયો છે. કમિટીને તમામ અધિકાર આપવામાં આવ્યા છે. કમિટી તાત્કાલિક રિપોર્ટ આવે તેવી ભલામણ કરવામાં આવી છે. જાણવા મળી રહ્યું છે કે દરેકની રજૂઆત સાંભળવામાં આવશે. ગેરશિસ્ત કરનારા સામે કાર્યવાહી કરાશે. 


રાજ્યના DGP આશિષ ભાટિયાએ વધુમાં જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં ઉશ્કેરણી જનક પોસ્ટ કરનાર સામે 4 ગુના દાખલ કરવામાં આવ્યા છે. જેમાં રેલી, આયોજનો કરનાર સામે પણ 4 પોલીસ ફરિયાદ નોંધાઈ છે. હવે કમિટી બની ગઈ છે જે દરેક પાસાનો અભ્યાસ કરશે. હવે શિસ્ત વિરુદ્ધ કોઈ કાર્યક્રમ ચલાવી લેવાશે નહી. કોઈ સમયસીમા નિશ્ચિત કરાઈ નથી. શક્ય એટલું ઝડપથી સમિતિ રિપોર્ટ કરશે.


Police ગ્રેડ પે આંદોલનનો સુખદ અંત, સરકારે કમિટી રચવાની કરી જાહેરાત


અત્રે નોંધનીય છે કે, છેલ્લાં બે ત્રણ દિવસથી પોલીસ ગ્રેડ પેના આંદોલનમાં પોલીસ પરિવારો પણ જોડાયા હતા. ધીરે ધીરે ગુજરાતના અનેક શહેરોમાં ગ્રેડ પે આંદોલનનો મુદ્દો ઉઠ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં પોલીસ પરિવારજનોએ વિરોધ પ્રદર્શન કર્યુ હતું. આ આંદોલનમાં પોલીસ બાળકો પણ જોડાયા હતા. જેમણે પોતાના પિતાના પગાર વધારાની માંગણી કરી હતી.


આજે ગૃહ રાજ્યમંત્રી અને પોલીસ પરિવારો વચ્ચે લગભગ 20થી 25 મિનીટ સુધી બેઠક ચાલી હતી. ત્યારબાદ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે ગ્રેડ પે મામલે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. પોલીસના પરિવારજનો દ્વારા મુકવામાં આવેલા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરાઈ હતી. આ મીટિંગમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા તથા અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube