ઝી બ્યૂરો, અમદાવાદઃ લોકસભામાં કોઈ પણ સંજોગોમં ભાજપ જીતની હેટ્રીક લગાવવા માગે છે. હિન્દી બેલ્ટના 3 રાજ્યમાં ઝળહળતી સફળતા બાદ ગુજરાત સંગઠને પણ લોકસભાની તૈયારીઓ તેજ કરી દીધી છે. ગુજરાત 26માંથી 26 કમળ જીતને દિલ્હી મોકલવાના પ્લાન પર કામગીરી કરી રહ્યું છે. જે અંતર્ગત દિવાળી પછીની આવતીકાલની પહેલી બેઠકમાં ભાજપના સાંસદો, ધારાસભ્યો, તમામ જિલ્લાના પ્રદેશ પ્રમુખ હાજર રહેવાના આદેશ થયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવતીકાલે કમલમ નેતાઓથી ભરાયેલું હશે. આવતીકાલે જ એ દિવસ છે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે બીજીવાર ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા હતા. આમ આવતીકાલે ગુજરાતમાં સરકારને એક વર્ષ પૂર્ણ થવાનું છે. આ સાથે જ આવતીકાલથી લોકસભા ચૂંટણીની તૈયારીઓ માટેનું બ્યુગલ ગુજરાતમાં વાગી જશે. પાંચ રાજ્યોમાંથી ત્રણ રાજ્યોમાં બહુમત સાથે સરકાર બનાવ્યા બાદ 2 રાજ્યોના સીએમ ફાયનલ થઈ ગયા છે. છત્તીસગઢમાં ભાજપ આદિવાસી અને એમપીમાં ઓબીસી નેતાને સીએમ બનાવી ભાજપે પોતાની શતરંજની બાજી ખોલી દીધી છે. રાજસ્થાનમાં ભાજપ બ્રાહ્મણ કે રાજપૂત મહિલાને સીએમ બનાવે તો નવાઈ નહીં. કારણ કે 3 રાજ્યોમાં ભવ્ય વિજેતા બન્યા બાદ એક પણ રાજ્યમાં મહિલા ચહેરાને આગળ લવાયો નથી.


હવે ભાજપ પાસે રાજસ્થાનમાં આ તક છે. હવે ભાજપ લોકસભાની તૈયારીઓમાં વ્યસ્ત બનતાં ગુજરાતના નેતાઓ, સાંસદો અને ધારાસભ્યોને કામે લાગવા હાકલ કરાઈ છે. આગામી લોકસભાની ચૂંટણી માટે ગુજરાત ભાજપ દ્વારા રણનીતિ તૈયાર કરાઈ રહી છે. આવતીકાલે કમલમ ખાતે ભાજપના તમામ ધારાસભ્યો અને સાંસદોની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી સહિતના નેતાઓ હાજર રહેશે. જેમાં લોકસભાની ચૂંટણીનો રોડમેપ રજૂ કરાશે. 


પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ આ સ્નેહમિલન કાર્યક્રમમાં તમામ ભાજપના નેતાઓને હવે સક્રિય બનવા માટે હાકલ કરશે. ગુજરાતની લોકસભાની 26 બેઠકો જીતવા માટે ભાજપ નો રીપિટ થિયરીનો અમલ કરે તેવી સંભાવના વચ્ચે 20 સાંસદોના પત્તા કપાય તેવી ચર્ચાઓ છે. ગુજરાતના 2 રાજ્યસભાના સાંસદોની પણ ટર્મ પૂરી થઈ રહી છે. બીજી તરફ કોંગ્રેસ પણ લોકસભાની ચૂંટણીને લઈને એક્શનમાં આવી છે. એ ભાજપની હેટ્રીકને રોકવા માગે છે.


કોંગ્રેસે શક્તિસિંહ ગોહિલ પર લોકસભાની ચૂંટણીમાં પાટીલને રોકવા માટે ખુલ્લી છૂટ આપી છે. કોંગ્રેસે તાજેતરમાં જ 10 જિલ્લા પ્રમુખોની નિમણૂંક કરવામાં આવી છે. તેની સાથે પ્રદેશ ચૂંટણી કમિટીની પણ જાહેરાત કરી છે. જેમાં 40 સ્થાનિક નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે. કોંગ્રેસે ફરી જૂના નેતાઓને રીપિટ કર્યા છે. હવે તો સમય જ બતાવશે કે કોંગ્રેસનો પ્લાન સફળ રહેશે કે સીઆર પાટીલની રણનીતિ...