આપના ધારાસભ્ય ચૈતર વસાવાને મળી મોટી રાહત, કોર્ટે આર્મ્સ એક્ટ કેસમાં આપ્યા શરતી જામીન
આમ આદમી પાર્ટીના જેલમાં બંધ ધારાસભ્ય ચૈતર વસાવાને અંતે જામીન મળી ગયા છે. રાજપીપળા કોર્ટે ધારાસભ્યને શરતી જામીન આપ્યા છે.
ભરૂચઃ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને મોટી રાહત મળી છે. રાજપીપળા કોર્ટે ચૈતર વસાવાને આર્મ્સ એક્ટ કેસમાં શરતી જામીન આપ્યા છે. એટલે કે ચૈતર વસાવાને જામીન મળતા આમ આદમી પાર્ટી માટે સારા સમાચાર આવ્યા છે. કોર્ટે આપેલા શરતી જામીન પ્રમાણે ચૈતર વસાવા માટે ભરૂચ જિલ્લામાં પ્રવેશબંધી રહેશે.
પોલીસ સમક્ષ કર્યું હતું સરેન્ડર
આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ 14 ડિસેમ્બરે ડેડીયાપાડા પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. નોંધનીય છે કે નર્મદા ડિલ્લાના ડેડીયાપાડા પંથકમાં જંગલની જમીન પર કેટલાક લોકોએ કબજો કર્યો હતો. આ બાબતે વનવિભાગના અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા. ત્યારબાદ વનવિભાગે અહીં કામગીરી અટકાવી હતી. આ સમયે ચૈતર વસાવા અને વનવિભાગના કર્મચારીઓ વચ્ચે બબાલ થઈ હતી. ત્યારબાદ કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને અમુક લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
શું છે સમગ્ર મામલો
ડેડીયાપાડાની જંગલની જમીન પર ખેડાણ મુદ્દે ડેડીયાપાડાના MLA ચૈતર વસાવા અને વનવિભાગના કર્મચારીઓ વચ્ચે બબાલ થઈ જતા મામલો બિચક્યો હતો. આ દરમિયાન બીજા અન્ય લોકો સામે પણ બોલાચાલી થતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમની પત્ની અને P.A સામે ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં ચૈતર વસાવા ફરાર થયા હતા, બાદમાં તેમણે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું.