ગીરસોમનાથ: તાંત્રિક વિધિના અંધ વિશ્વાસમાં ફસાયેલા બાપે પોતાની જ 14 વર્ષની દીકરીનું ગળું કાપીને બલી ચડાવતા ચકચાર મચી હતી. પોલીસને આ અંગેની ભાળ મળતાની સાથે જ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પરંતુ હાલ ધૈર્યા હત્યાકાંડમાં પોલીસની તપાસમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધાવા ગામે ધૈર્યા નામની બાળાની બલીના રૂપમાં હત્યાકાંડમાં મોટો ખુલાસો થયો છે. જેમાં બાળકીના પિતા અને મોટા પપ્પા બાદ પરિવારના વધુ બે આરોપીઓ હત્યાકાંડમાં સામેલ હોવાનું સામે આવ્યું છે. બાળકીના દાદા ગોપાલ જેરામ અકબરી પુરાવાનો નાશ કરવામાં આરોપી બન્યો હતો. બાળકીની સગી ફઈ હત્યાકાંડ પાછળ પ્રેરણા આપનારી બની હતી. ધાવા ગામે ભાવેશ અકબરી દ્વારા પોતાની 14 વર્ષીય બાળકી ધૈર્યા અકબરીને 1 થી 7 ઓકટોબર સુધી અગ્નિની સામે રાખી અતિ ત્રાસ આપી મેલી વિદ્યા દ્વારા બલી ચડાવી હોવાના કેસમાં પોલીસે પરિવારના વધુ સભ્યોની પૂછપરછ કરતા બાળકીના હત્યાકાંડમાં તેના જ દાદા અને ફઈની ધરપકડ કરી છે.


હજુ આ હત્યાકાંડમાં પોલીસ વધુ પુછપરછ શરૂ રાખે તો બાળકીના પરિવારજનોમાં હજુ હત્યાના મદદગારો સામેલ હોવાની પંથકમાં ચર્ચા ચાલી રહી છે. 


જાણો શું બની હતી સમગ્ર ઘટના?
ગીરસોમથના તલાલાના ધાવા ગામમાં 14 વર્ષીય બાળકીની તેના પિતાએ જ બલી ચઢાવી હોવાની વાત વહેતી થઈ હતી. ધાવા ગામમાં 14 વર્ષીય સગીરાની હત્યા થઈ હોવાની પોલીસને આશંકા ગઈ હતી, ત્યારબાદ બલી ચડાવવા બાળકીની હત્યા થઈ હોવાની ચર્ચાઓ ચાલી રહી હતી. જે બાદ પોલીસે પરિવારની પૂછપરછ શરૂ કરી હતી. પોલીસ પૂછપરછમાં બાળકીના પિતાએ હત્યાનો ગુનો કબૂલ્યો હતો. બાળકીના પિતા સહિત કેટલાક શખ્સોની પોલીસે અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી.


હત્યારા પિતા ભાવેશ અકબરીએ પોલીસ સમક્ષ પોતે હત્યા કરી હોવાનું કબૂલ્યુ હતું. ત્યારે ધૈર્યા હત્યાકાંડમાં મોટો ખુલાસો થયો છે. આરોપી પિતાએ નરપિશાચ બની વળગાડ કાઢવા માટે પુત્રી પર સતત 7 દિવસ અમાનુશી અત્યાચાર આચાર્યો હોવાનું સામે આવ્યું હતું.  


ભાવેશ અકબરીએ તેની 14 વર્ષની દીકરી ધૈર્યાના શરીરમાં કોઇ વળગાડ હોય તેવી મનમાં શંકા રાખી હતી. તેના ભાઈ દિલીપ અકબરી સાથે તાંત્રિક વિધીમાં અંધશ્રદ્ધા રાખી હતી. ધૈર્યાના શરીરમાંથી વળગાડ કાઢવા માટે તારીખ 1 ઓક્ટોબરના રોજ બપોરે 3 વાગ્યાથી તારીખ 7 ઓક્ટોબર સુધી સવારે 10.00 કલાક દરમ્યાન પોતાની ચકલીધાર નામે ઓળખાતી વાડીએ ધૈર્યાને લાવવામાં આવી હતી. આ સમય દરમિયાન ધૈર્યાના જુના કપડા સળગાવી ધૈર્યાને આગ પાસે બે કલાક સુધી ઉભી રાખી હતી. નરાધમ પિતા આટલેથી અટક્યો ન હતો. તેણે શેરડીના વાડમાં લાકડી તથા વાયરથી ધૈર્યાને ઢોર માર માર્યો હતો. આટલેથી પણ પિતાને સંતોષ ન થયો તો, વાળમાં લાકડી બાંધી બે ખુરશી વચ્ચે ભુખ્યા તરસ્યા બેસાડી રાખી હતી. આ રીતે માસમુ પર અમાનુષી અત્યાચાર ગુજારાતા તેનું મોત નિપજાવ્યું હતું. 


દીકરીને મોતને ઘાટ ઉતારી પિતાના કલેજાને ઠંડક વળી ન હતી, પોતાનું પાપ છુપાવવા અને કોઈને જાણ ન થાય તે માટે મૃતક ધૈર્યાની લાશને પ્લાસ્ટિકમાં વીંટી ગોદડા તથા બ્લેન્કેટ નાંખી લાશને ફોર વ્હીલરની ડેકીમાં મુકી સ્મશાન ગૃહ લઈ ગયો હતો. દીકરીને ચેપી રોગ થયો છે તેવી વાત કરી બારોબાર સ્મશાને લઈ જઈ તેની અંતિમ વિધિ કરી હતી. આમ, કોઈને ખબર ન પડે તે માટે તમામ પુરાવાનો નાશ કર્યો હતો.  કાતિલ પિતાએ માસૂમની કરેલી હત્યાની સમગ્ર ઘટનાથી તેની પત્નીને અજાણ રાખેલી. તેના છાનેછૂપે કરાયેલા અગ્નિસંસ્કાર બાદ જ જનેતાને મૃત્યુની જાણ કરી હતી. 


આ હચમચાવી નાખતા ઘટસ્ફોટ બાદ માસૂમ દીકરીના નાનાએ તેના જમાઈ અને તેના મોટા ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. અગાઉ દીકરીના પિતા અને મોટા બાપુજી પોલીસના સકંજામાં લીધા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube