ગોધરાનો યુવક ઘરેથી આખા ગુજરાતની સરકાર ચલાવતો હોય તેવું મસમોટું કૌભાંડ પકડાયું
GERI નું ચોંકાવનારું રાજ્યવ્યાપી કૌભાંડ સામે આવ્યું, ગોધરાથી સરકાર ચલાવતો હતો એક યુવક
જયેન્દ્ર ભોઈ/પંચમહાલ :પંચમહાલની એલસીબી પોલીસે એવા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે જે જાણી તમારા પગ નીચેથી જમીન સરકી જશે. સરકારી વિભાગની આખા રાજ્યની કચેરીઓના ડુપ્લીકેટ સિક્કાઓ અને લેટરપેડ બનાવી જાણે ઘરેથી જ સરકાર ચલાવતા હોય તેમ ભેજાબાજોએ આજ ડુપ્લીકેટ સર્ટીફિકેટથી સરકારી તિજોરીને લાખોનો ચુનો ચોપડ્યો છે.
ગોધરા એલસીબી પોલીસને બાતમી મળી હતી કે, ગુજરાતભરમાં બાંધકામ વિભાગના તાબા હેઠળના રસ્તાઓના ક્વોલિટી એસ્યોરેન્સ માટે જે સર્ટીફિકેટની જરૂર પડે છે તે ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે "ગેરી"ના ડુપ્લીકેટ ક્વોલિટી ટેસ્ટીંગ રીપોર્ટ બનાવવાનું ખૂબ જ મોટું અને રાજ્યવ્યાપી કૌભાંડ ગોધરાથી છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું હતું. બાતમી મુજબ એલસીબી પોલીસે છાપો મારી સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. જેથી ગોધરાના સાથરીયા બજારની ગલીમાં આવેલ અકિલ ઓનભાઈ અડાદરાવાલાની દુકાનમાં રેડ પાડવામા આવી હતી. ગુજરાતમાં કાર્યરત રિસર્ચ ઓફિસર મટેરીયલ ટેસ્ટીંગ ડીવીઝન (ગેરી) ની વડોદરા, ગોધરા, ગાંધીનગર, ભરૂચ, સુરત, પાલનપુર, બોટાદ, કચ્છ અને ભચાઉ સહિત રાજ્યની 31 સરકારી કચેરીઓના અધિકારીઓના તૈયાર કરાયેલા સિક્કાઓ, લેટર પેડ, દસ્તાવેજી કાગળો તેમજ ગુજરાત એન્જીનીયરીંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હેડિંગ સાથેના લખાણોના કાગળો અહીંથી મળી આવ્યા હતા. આ ઉરાંત બે લેપટોપ અને પ્રિન્ટર પણ પોલીસે જપ્ત કર્યાં.
આ પણ વાંચો : પાવાગઢમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, ભક્તોએ મંદિરમાંથી જ્યોત લઈ જવાની પરંપરા પાળી
પોલિસે મેળવેલા દસ્તાવેજો અંગે ખરાઈ કરતા જે હકીકત સામે આવી તે જોઈ પોલીસ પણ એક તબક્કે ચોંકી ઉઠી હતી. પોલીસે ગોધરામાંથી અકિલની ઓફિસમાંથી જપ્ત કરેલ તમામ દસ્તાવેજો ડુપ્લીકેટ હતા. તપાસમાં એ પણ સામે આવ્યું કે, ભેજાબાજ કોન્ટ્રાક્ટર અકિલ અને તેની ટુકડીએ રાજ્યના લગભગ તમામ જિલ્લાઓના ગેરીના અધિકારીઓના સિક્કાઓ સહિત અનેક દસ્તાવેજો ડુપ્લીકેટ બનાવ્યા હતા.
નવરાત્રિના પહેલા નોરતે મંદિરોમાં ભીડ, અંબાજીમાં મંગળા આરતી કરી ભક્તો ધન્ય થયા
આ રાજ્ય વ્યાપી ચોંકાવનારા કાંડ સામે તપાસો હાથ ધરાતા જ અકિલ એન્ડ કંપની સાથે સંકળાયેલા ભલભલા સિન્ડિકેટ ચહેરાઓ પોતાના મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરીને અંડર ગ્રાઉન્ડ થઈ ગયા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે બીજી તરફ સવાલ એ પણ થાય કે, અકિલના ડુપ્લીકેટ ટેસ્ટીંગ રિપોર્ટ બાંધકામ કચેરીઓમાં ચૂપચાપ આપીને બિલના નાણાં ફટાફટ આપી દેવાના આ ચોંકાવનારા પ્રકરણો સામેની પોલીસ તપાસ શરૂ થઈ છે. આ સાથે સરકારી કચેરીઓમાં પણ અકિલના કરતૂતોથી કાનાફૂસી શરૂ થઈ ગઈ છે.