TET-1 2022-23 Exam Result Declare અતુલ તિવારી/અમદાવાદ : ગઈકાલે TET-1 નું 2022-23નું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. Tet-1નું પરીણામ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ પર જાહેર કરાયું છે. શિક્ષક યોગ્યતા કસોટી-I (TET-I)-2022-23નું પરીણામ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ https://sebexam.org પર જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે TET-1નું આ જાહેર કરાયેલું પરિણામ ચિંતાજનક પણ કહી શકાય. કારણ કે, TET 1નું માત્ર 3.78 ટકા પરિણામ જાહેર થયું છે. 100 ઉમેદવારોમાંથી માત્ર 4 ઉમેદવારો જ TET1ની પરીક્ષામાં પાસ થઈ શક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સતત નીચે ગયું TET1 ની પરીક્ષા પરિણામ
એપ્રિલ મહિનામાં ગુજરાતભરમાં TET1 ની પરીક્ષા લેવાઈ હતી. છેલ્લે વર્ષ 2018માં TET1ની પરીક્ષા યોજાઈ હતી, જેનું પરિણામ 8.5 ટકા જેટલું આવ્યું હતું. પાંચ વર્ષ બાદ TET1 ની લેવાયેલી પરીક્ષાનું પરિણામ 60 ટકા જેટલું ઘટ્યું છે. વર્ષ 2013માં 16 ટકા જેટલું TET1નું પરિણામ આવ્યું હતું, 10 વર્ષ બાદ પરિણામ ગગડીને માત્ર 3.78 ટકા પર પહોંચ્યું છે. 


ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમમાં TET1ની પરીક્ષા લેવાઈ હતી. જેમાં ગુજરાતી માધ્યમનું પરિણામ માત્ર 3.79 ટકા જાહેર થયું છે. આ માધ્યમમાં 83,386 ઉમેદવારોમાંથી 71,119 ઉમેદવારોએ આપી હતી TET1, જેમાંથી માત્ર 2,697 ઉમેદવારો ક્વોલિફાય થયા છે. તો અંગ્રેજી માધ્યમનું પરિણામ માત્ર 3.45 ટકા જાહેર થયું છે. આ માધ્યમમાં 1,352 ઉમેદવારોમાંથી 1,071 ઉમેદવારોએ આપી હતી TET1, જેમાંથી માત્ર 37 ઉમેદવારો ક્વોલિફાય થયા છે. આ ઉપરાંત હિન્દી માધ્યમનું પરિણામ માત્ર 3.24 ટકા જાહેર થયું. જેમાં 1,337 ઉમેદવારોમાંથી 1,081 ઉમેદવારોએ આપી હતી TET1, જેમાંથી માત્ર 35 ઉમેદવારો ક્વોલિફાય થયા છે. 


સામાન્ય રીતે દર વર્ષે લેવાતી TET1ની પરીક્ષા ભરતી પ્રક્રિયા ના થતી હોવાને કારણે પાંચ વર્ષે લેવાઈ છે. આ વિશે રાજ્ય પરીક્ષા બોર્ડના ચેરમેન પી.કે. ત્રિવેદીએ કહ્યું કે, હવેથી દર વર્ષે TET1ની પરીક્ષાનું આયોજન થશે. ગુણાંક સાથેનું પ્રમાણપત્ર સ્પીડ પોસ્ટ મારફતે ઉમેદવારોના રહેઠાણ પર મોકલવામાં આવશે. OMR શીટની પુન: ચકાસણી ઉમેદવારો કરાવી શકશે, 15 મેથી 31 મે સુધીમાં રાજ્ય પરીક્ષા બોર્ડની કચેરી ખાતે રૂબરૂમાં રજૂઆત કરવાની રહેશે. પુન:ચકાસણી માટે 100 રૂપિયા ભરી, લેખિતમાં અરજી કરવાની રહેશે.


શું છે ટેટ?
ઉલ્લેખનીય છે કે, TET (Teacher Eligibility Test) જેને ગુજરાતીમાં શિક્ષક પાત્રતા કસોટી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક કસોટી છે જે સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી માટે લેવામાં આવે છે. મતલબ કે જો તમારે સરકારી શાળામાં શિક્ષક બનવું હોય તો તેના માટે તમારે TET પરીક્ષા પાસ કરવી પડશે, તો જ તમે સરકારી શાળામાં શિક્ષક બની શકશો.


TET પરીક્ષા પાસ કર્યા પછી, તમે ધોરણ 1 થી 8 સુધીની કોઈપણ સરકારી શાળામાં શિક્ષક બનવા માટે અરજી કરી શકો છો. TET પરીક્ષા 2022 દરેક રાજ્યના વ્યવસાયિક પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવે છે. આ દ્વારા, ઉમેદવારને ધોરણ 1-5 માટે પ્રાથમિક શિક્ષકની નિમણૂક માટે પાત્રતાનું પ્રમાણપત્ર અને ધોરણ 6-8 માટે ઉચ્ચ પ્રાથમિક શિક્ષકનું પ્રમાણપત્ર આપવામાં આવે છે.