એપ્રિલ બાદ પહેલીવાર અમદાવાદ સિવિલમાં દર્દીઓની કુલ સંખ્યા 2 આંકડામાં પહોંચી
- 1200 બેડ કોવિડ હોસ્પિટલમાં 84માંથી હાલ 5 કોરોનાના દર્દીઓ વેન્ટીલેટર પર 14 બાયપેપ પર સારવાર હેઠળ છે
- કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ત્રણ આંકડામાં ગયા બાદ પહેલીવાર બે આંકડામાં આવ્યા
અતુલ તિવારી/અમદાવાદ :ગુજરાતમાં 19 માર્ચે કોરોનાનો પહેલો કેસ નોંધાયો હતો. ત્યાર બાદથી કોરોનાએ જે રીતે પોતાનો પગપેસારો કર્યો હતો, તેમાં એક પણ જિલ્લાને બાકાત ન રાખ્યો. ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી બાદથી શરૂઆતથી જ અમદાવાદમાં કોરોનાનો કહેર જોવા મળ્યો હતો. ત્યારે છેલ્લા કેટલાક દિવસોમાં અમદાવાદ (Ahmedabad) માં કોરોનાના કેસનો આંકડો ત્રણ આંકડામાં જોવા મળ્યો છે. પરંતુ મહત્વની વાત એ છે કે, કોરોનાના કહેર બાદ હાઉસફુલ જોવા મળેલી અમદાવાદની સિવિલ હોસ્પિટલ (civil hospital) માં હાલ માત્ર 84 દર્દીઓ જ સારવાર હેઠળ છે. જે દર્શાવે છે કે અમદાવાદમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે.
સરકાર માટે રાહતનો શ્વાસ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવેલા 1200 બેડ કોવિડ હોસ્પિટલમાં દર્દીઓમાં મોટો ઘટાડો થયો છે. હાલ હોસ્પિટલમાં માત્ર 84 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે. પહેલીવાર 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં 100 દર્દીઓ કરતા પણ ઓછા દર્દીઓની સંખ્યા જોવા મળી છે. છેલ્લા બે-ત્રણ દિવસથી હોસ્પિટલમાં આ જ સ્થિતિ જોવા મળતા સરકારે પણ રાહતનો શ્વાસ લીધો છે. કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ત્રણ આંકડામાં ગયા બાદ પહેલીવાર બે આંકડામાં આવ્યા છે.
આ પણ વાંચો : મોટી ઘાત ટળી, અમદાવાદના દર્દીઓએ કોરોનાના નવા સ્ટ્રેનને હરાવ્યો
84માંથી 5 દર્દીઓ વેન્ટીલેટર પર
આ વિશે સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ જેપી મોદીએ જણાવ્યું કે, 1200 બેડ કોવિડ હોસ્પિટલમાં 84માંથી હાલ 5 કોરોનાના દર્દીઓ વેન્ટીલેટર પર 14 બાયપેપ પર સારવાર હેઠળ છે. તો રાતની OPD બે દિવસથી શૂન્ય છે. ત્યારે હોસ્પિટલના તંત્ર દ્વારા આગામી અઠવાડિયાથી ટ્રાયઝ અને OPD એક કરી દેવાનો વિચારી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, જ્યારથી અમદાવાદમાં કોરોનાનો પગપેસારો થયો હતો. ત્યારથી સિવિલ હોસ્પિટલ કોરોનાના દર્દીઓથી હાઉસફુલ જોવા મળી હતી. પરંતુ 9 મહિના બાદ આ સ્થિતિ બદલાઈ છે. ગત રોજ અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 135 નવા કેસ નોંધાયા છે.
આ પણ વાંચો : અમેરિકામાં ગુજરાતીની હત્યા, બોલાચાલી બાદ અશ્વેત યુવકે મહેશ વશીનું ગળુ દબાવી દીધું
ખાનગી હોસ્પિટલોમાં પણ 90 ટકા બેડ ખાલી
બીજી તરફ, AMCએ નોટિફાઈ કરાયેલી મોટાભાગની હોસ્પિટલમાં હાલ કોરોનાના મહત્તમ બેડ ખાલી છે. તો અમદાવાદની કેટલીક કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલ (covid hospital) માં હાલ 100% બેડ ખાલી છે. કોરોનાના કેસો (corona case) ઘટતાં તેમજ કોરોનાના દર્દીઓ ન આવતા હોવાથી ખાનગી હોસ્પિટલો ડીનોટિફાય કરવાનું શરૂ કરાયું છે. હાલ અમદાવાદ (ahmedabad) માં 94 કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલ છે, જે દિવાળીની આસપાસ 105 થી ઉપર જઈ પહોંચી હતી. હાલ કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં 90 ટકા બેડ ખાલી છે. સાથે જ આહનાના પ્રેસિડેન્ટના જણાવ્યા પ્રમાણે ખાનગી હૉસ્પિટલનો સ્ટાફ રસીકરણ માટે તૈયાર છે. જો આગામી દિવસોના હોસ્પિટલોમાં વેકસીન સેન્ટર શરૂ કરાશે, અમે પૂરો સહયોગ આપીશું.
આ પણ વાંચો : ગુજરાતમાં આ તારીખથી ખૂલશે સ્કૂલો, લોકડાઉન બાદની સૌથી મોટી જાહેરાત