PI TARAL BHATT: જૂનાગઢમા સસ્પેન્ડેડ CPI તરલ ભટ્ટના 4 દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજુર કરાયા હતા. જે અંતર્ગત આગામી 7 તારીખે રિમાન્ડ પુરા થશે. આજે જૂનાગઢમા તરલ ભટ્ટને બી.સી.ઠક્કર સાહેબની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. સરકારી વકીલ નીરવ પુરોહિત અને બચાવ પક્ષના વકીલ જયદેવ જોશી દ્વારા 45 મિનિટ રજૂઆત કરાઇ હતી. જેમાં સરકારી વકીલ દ્વારા જુદા જુદા 11 મુદ્દાઓને લઇ 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બચાવ પક્ષના વકીલ દ્વારા ફરીયાદ અંતર્ગત સીધી રીતે તરલ ભટ્ટની કોઈ ભૂમિકા ન હોવાનું જણાવ્યું હતું. તરલ ભટ્ટ દ્વારા પોલીસ મેન્યુઅલ મુજબ તેને મળેલ માહિતી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને આપવામાં આવી હતી..ફરીયાદીએ પોતાની ફરીયાદમાં તરલ ભટ્ટનું નામ આપ્યું જ નથી. વધુમાં ભટ્ટના વકીલે જણાવ્યું હતું કે તરલ ભટ્ટ દ્વારા ખાતું ફ્રીઝ કરવામાં નથી આવ્યું.


તરલ ભટ્ટ દ્વારા પૈસાની માંગણી કરવામાં આવી નથી. તરલ ભટ્ટ દ્વારા ફરિયાદી સાથે મુલાકાત કરવામાં આવી નથી. ઉપરાંત સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા માધવપુરાની તપાસ કરવામાં આવી રહી છે તેમાં તરલ ભટ્ટ આરોપી નથી. તરલ ભટ્ટ દેશ સેવક હોવાનો બચાવ પક્ષનો દાવો કરાયો હતો. તરલ ભટ્ટનું કાર્યક્ષેત્ર માણાવદર સીપીઆઈ તરીકે માત્ર 3 પોલીસ સ્ટેશન પૂરતું સીમિત હતું..બાદમાં કોર્ટ દ્વારા 3:30 કલાક બાદ રિમાન્ડ અંગે ચુકાદો જાહેર કરવામાં આવશે તેવું જાહેર કરાયું.. અંતે 4.30 કલાક બાદ કોર્ટે પોતાનો નિર્ણય આપ્યો હતો.. સમગ્ર ઘટના ક્રમ દરમિયાન પોલીસ ભટ્ટને મીડિયાથી દૂર રાખવાના પ્રયાસો કરતી હોય તેવું વલણ જણાયું હતું.


14 દિવસના રિમાન્ડની માંગણી
તરલ ભટ્ટના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે, અરજદાર પાસેથી તરલ ભટ્ટે સીધી પૈસાની માંગણી કરી નથી. સમગ્ર કાંડના મુખ્ય આરોપી SOGના અધિકારીઓ છે. જ્યારે સરકારી વકીલે દલીલ કરી હતી કે, તરલ ભટ્ટે બેંક ખાતાની વિગતો કઈ જગ્યાએથી મેળવી હતી? કોના થકી મેળવી હતી? તરલ ભટ્ટને બેંક ખાતાની માહિતી આપનાર કોણ છે? જ્યારે બચાવ પક્ષની દલીલ કરી હતી, તરલ ભટ્ટના રિમાન્ડ નામંજૂર કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવે.


આરોપી PI વર્ષ 2008માં ગુજરાત પોલીસમાં ભરતી થયો હતો.
તરલ ભટ્ટ 2008માં ગુજરાત પોલીસમાં PSI તરીકે જોડાયા હતા અને સાયબર ગુનાઓ ઉકેલવામાં કુશળતા મેળવી હતી. પરંતુ પ્રમોશનની સાથે ભટ્ટમાં બદલાવ પણ ઝડપથી જોવા મળ્યો હતો. તરલ ભટ્ટ પર અનેક વખત અલગ-અલગ કેસમાં તપાસ દરમિયાન પૈસાની માંગણી કરવાનો આરોપ લાગ્યો હતો. કેટલીક વાતો કોર્ટ સુધી પણ પહોંચી અને તેમને ઠપકો અને બદલીનો પણ સામનો કરવો પડ્યો હતો. હવે આ કેસમાં તો તરલભટ્ટ ફસાઈ ગયા છે. આ કેસમાં એવું તો શું છે કે વિકાસ સહાય પોતે એટીએસની ઓફિસ પહોંચ્યા હતા. આ કેસમાં કરોડોના ક્રિકેટ સટ્ટાકાંડ અને બ્લેકમેઈલિંગની વિગતો બહાર આવી છે. ગુજરાતમાં આ નવાઈની બાબત નથી.


સસ્પેન્ડેડ PIની આવી છે કરમ કુંડળી
પોલીસ ઈન્સ્પેક્ટર તરલ ભટ્ટ જૂનાગઢના માણાવદર સર્કલમાં ફરજ બજાવતા હતા. જૂનાગઢ ખંડણી કેસમાં તેના જ વિભાગના લોકો એટલે કે પોલીસ ટીમ તેને શોધી રહી હતી.  એટીએસની ટીમે અમદાવાદમાં તરલ ભટ્ટના ઘર શિવમ રેસિડેન્સીમાં દરોડો પાડ્યો હતો. તેના પરિવારજનોની પૂછપરછ કરી હતી. તરલ ભટ્ટની મિલકત અને બેંક ખાતાની તમામ માહિતી મેળવી હતી. 


મળતી માહિતી મુજબ જૂનાગઢ એસઓજી દ્વારા કેરળના એક વેપારીનું બેંક એકાઉન્ટ સીઝ કરવામાં આવ્યું હતું. આ અંગે વેપારીએ પોલીસનો સંપર્ક કરતાં તેને જૂનાગઢ આવવા જણાવાયું હતું. વેપારી જૂનાગઢ પહોંચ્યો હતો અને ત્યારબાદ તેને EDમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે વેપારી પાસેથી માત્ર 2 લાખ નહીં પરંતુ 25 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી.


જેનાથી પરેશાન થઈને પીડિત વેપારીએ જૂનાગઢ રેન્જના આઈજીનો સંપર્ક કરી સમગ્ર મામલો જણાવ્યો હતો અને મદદ માંગી હતી. જ્યારે IGએ તપાસ કરી તો જાણવા મળ્યું કે SOGએ ખોટી રીતે એક-બે નહીં પરંતુ 335 બેંક ખાતાઓ ફ્રીઝ કરી દીધા છે. જેમાં પીઆઈ તરલ ભટ્ટ, પીઆઈ અરવિંદ ગોહિલ અને એએસઆઈ દીપક જાની મુખ્ય ભૂમિકામાં હતા. આ પછી આ ત્રણેયને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અને 26મી જાન્યુઆરીએ એફઆઈઆર નોંધીને કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જે બાદ સર્કલ પીઆઈ તરલ ભટ્ટ સહિત ત્રણેય પોલીસકર્મીઓ ફરાર થઈ ગયા હતા.


સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટે જૂનાગઢ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. સેશન્સ કોર્ટે આ અંગેની સુનાવણી 6 ફેબ્રુઆરીના રોજ નિયત કરી છે. જોકે હવે એટીએસ દ્વારા તરલ ભટ્ટની ધરપકડ કરવામાં આવી છે ત્યારે જૂનાગઢની ઘટના અને માધુપુરા ક્રિકેટ સટ્ટાકાંડમાં તરલ ભટ્ટની ભૂમિકા અંગે પણ એટીએસે તપાસ શરૂ કરી છે. તરલ ભટ્ટ પર સટ્ટાબાજી માટે ફ્રીઝ કરાયેલા બેંક ખાતાઓને અનફ્રીઝ કરવા માટે પૈસાની માંગવાનો આરોપ છે. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે થોડા સમય પહેલા અમદાવાદના માધુપુરામાં 2500 કરોડ રૂપિયાના ક્રિકેટ સટ્ટાકાંડનો પર્દાફાશ થયો હતો. જેની તપાસ તરલ ભટ્ટ પાસે હતી. તપાસ દરમિયાન તેણે પોલીસને ઘણા ખાતાઓની માહિતી આપી ન હતી. આ સટ્ટાબાજીમાં 1000થી વધુ બેંક ખાતાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ક્રિકેટ સટ્ટાકાંડમાં પીઆઈ તરલ ભટ્ટની શંકાસ્પદ ભૂમિકાને કારણે થોડા સમય પહેલાં તેમની બદલી જૂનાગઢ કરવામાં આવી હતી.


હવે તરલ ભટ્ટ એટીએસના લોકઅપમાં છે. ત્યારે દાવો કરવામાં આવી રહ્યો છે કે ફરાર થયા બાદ તેનું પ્રથમ લોકેશન શ્રીનાથજી અને પછી ઈન્દોરમાં મળ્યું હતું. ATSએ તરલ ભટ્ટની ધરપકડ કરતાંની સાથે જ રાજ્યના DGP વિકાસ સહાય પોતે ATS પહોંચી ગયા અને તરલ ભટ્ટની પૂછપરછ કરી હતી.