ગાંધીનગર: વિધાનસભાની ચૂંટણી ટાણે રાજ્ય સરકાર વિવિધ કર્મચારીઓની માંગ સંતોષી રહી છે. ત્યારે આજે સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોને દિવાળી પહેલા ભેટ મળી ગઈ છે. પ્રાથમિક શાળાના શિક્ષકોને 4200 ગ્રેડ પે આપવાનો નિર્ણય સરકારે કર્યો છે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને શિક્ષકો માટે આ જાહેરાત કરી છે. આ સાથે જ સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોનો ગ્રેડ પે 4200 કરાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત સરકારે આજે એક પરિપત્ર જાહેર કરી દીધો છે. જેમાં શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર કરી ગ્રેડ પે 4200 કરવાની જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરી માહિતી આપી છે. પરિપત્ર જાહેર થતા પ્રાથમિક શાળાના શિક્ષકોમાં ખુશીની લહેર વ્યાપી છે.


જીતુ વાઘાણીએ ટ્વીટ કરી શું કરી જાહેરાત?
સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યની તમામ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકોના પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ રૂ. ૫૦૦૦-૮૦૦૦ (છઠ્ઠા પગાર મુજબ રૂ. ૯૩૦૦-૩૪,૮૦૦ ગ્રેડ પે ૪૨૦૦) મંજુર કરવા અંગે શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે.



મહાનગરપાલિકાના શિક્ષકોનો 4200 ગ્રેડ પે મંજૂર
નગરપાલિકા અને મહાનગરપાલિકાના શિક્ષકોને પણ 4200 ગ્રેડ પે મંજૂર કરી દીધો છે. છેલ્લાં ઘણા સમયથી આ શિક્ષકો આંદોલન ચલાવી રહ્યાં હતા. ત્યારે અંતે રાજ્ય સરકારે શિક્ષકોની તરફેણમાં નિર્ણય લેતા AMC શિક્ષક મંડળે સરકાર અને AMC સ્કૂલ બોર્ડનો આભાર માન્યો છે. 


બીજી બાજુ રાજ્ય સરકારે દિવાળી પહેલા વર્ગ-4ના કર્મચારીઓને બોનસ આપવાનો મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર વર્ગ-4ના કર્મચારીઓને મહત્તમ 3500ની મર્યાદામાં બોનસ ચુકવશે. જેઓની છ મહિનાની સળંગ નોકરી હોય તેઓને ગુજરાત સરકાર બોનસ આપશે.