ક્ષત્રિય આંદોલનનો આવશે અંત! મુખ્યમંત્રીના નિવાસ્થાને મહત્વની બેઠક શરૂ
રૂપાલાએ 16 એપ્રિલે ફોર્મ ભરવાની જાહેરાત કરી છે. આ વચ્ચે ક્ષત્રિય સમાજ તેમની ઉમેદવારી રદ્દ કરવાની સતત માંગ કરી રહ્યો છે. હવે સમાચાર મળી રહ્યાં છે કે મુખ્યમંત્રીના નિવાસ્થાને ક્ષત્રિય સમાજની મહત્વની બેઠક મળશે.
ગાંધીનગરઃ ગુજરાતમાં રાજકોટ લોકસભા સીટથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના એક નિવેદન બાદ સમગ્ર રાજ્યમાં ક્ષત્રિયોનું આંદોલન શરૂ થયું હતું. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં સતત આ આંદોલન ચાલી રહ્યું છે. ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટથી ભાજપના ઉમેદવાર રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માંગ કરવામાં આવી રહી છે. આ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે.
ક્ષત્રિય આંદોલનને લઈને સૌથી મહત્વના સમાચાર
રાજ્યમાં ચાલી રહેલા ક્ષત્રિય આંદોલનને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ક્ષત્રિય સમાજના આંદોલનનો સુખદ અંત આવી શકે છે. આ આંદોલન અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસ્થાને ટૂંક સમયમાં ક્ષત્રિય સમાજના આગેવાનોની મહત્વની બેઠક મળી રહી છે. મુખ્યમંત્રીના નિવાસ્થાને ક્ષત્રિય સમાજના આગેવાનોને બોલાવવામાં આવ્યા છે.
આ બેઠકમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાનો ચૂંટણી કાર્યક્રમ પતાવી નિવાસ્થાને પહોંચ્યા છે. ટૂંક સમયમાં મુખ્યમંત્રીના નિવાસ્થાને મહત્વની બેઠક મળવાની છે. આ બેઠકમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા વિવાદનો અંત આવી શકે છે.
શું કહ્યું હતું રૂપાલાએ?
રૂપાલાએ થોડા દિવસ પહેલાં એક સભામાં કહ્યું હતું કે બ્રિટિશ શાસન દરમિયાન રાજાઓ અને મહારાજાઓએ પોતાનું માથું ઝુકાવી દીધું હતું અને તેમની સાથે રોટી-બેટીનો સંબંધ બનાવી લીધો હતો, પરંતુ દલિત સમાજથી આવનારા રુખી સમાજે પોતાનું માથું નહોતું નમાવ્યું. એટલા માટે તેમને હું સલામ કરું છું અને આ જ વાત હતી, જેણે સનાતન ધર્મને જીવિત રાખ્યો… જય ભીમ... રૂપાલાના આ નિવેદન બાદ ક્ષત્રિય સમાજ આકરા પાણીએ છે. રૂપાલા 3 વાર માફી માગી ચૂક્યા છે પણ ક્ષત્રિય સમાજ તેમની ટિકિટ કાપવાની વાત પર અડગ રહ્યો છે. જેને પગલે ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિયો પણ નારાજ છે.