ઝી ન્યૂઝ/મહેસાણા: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તૈયારીઓ આરંભી છે. ભાજપ સતત છઠ્ઠીવાર સરકાર બનાવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યો છે તો કોંગ્રેસ 27 વર્ષનો રાજકીય વનવાસ પૂરો કરવા માટે તનતોડ મહેનત કરી રહી છે. આમ આદમી પાર્ટી નવાજૂની કરવા માટે મહેનત કરી રહી છે અને ભાજપ અને કોંગ્રેસને પડકાર ફેંકી રહી છે. 2022નો વિધાનસભાના ચૂંટણી જંગમાં કાંટે કી ટક્કર જોવા મળી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહેસાણા બેઠક રાજકીય લેબોરેટરી ગણાય છે અને અહીંયા 1990થી ભાજપનું એકચક્રીય શાસન છે. 1962થી 1990 સુધી સ્વતંત્ર પાર્ટી અને કોંગ્રેસનું વર્ચસ્વ હતું પણ હવે એ ભૂતકાળ બની ચૂક્યું છે. ત્યારે મહેસાણામાં વિપુલ ચૌધરી દ્વારા એક મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે. વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ નેતાઓની ટિકિટની માગ વધી છે. MLA ગોવિંદ પટેલે જણાવ્યું હતું કે, પાર્ટી ટિકિટ આપશે તો ચૂંટણી લડીશ. જ્યારે વિસનગરથી ટિકિટ મળે તો વિપુલ ચૌધરી ચૂંટણી લડવા તૈયાર છે.


પોતાના રાજ માટે અને રાજનીતિમાં સક્રિય થવા માટે સમાજમાં જ ભાગલા પાડવાનું રાજકારણ હવે ગુજરાતમાં શરૂ થયું છે. ચૌધરી સમાજ હવે ધીરેધીરે આગળ આવી રહ્યો છે. ત્યારે મહેસાણામાં વિપુલ ચૌધરીએ જણાવ્યું હતું કે, હું ભાજપ સાથે જ જોડાયેલો છું. જો આગામી સમયમાં ભાજપ ટિકિટ આપશે તો ચૂંટણી લડીશ. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી મોદીના હસ્તે મેં ખેસ પહેર્યો છે. 


તમને જણાવી દઈએ કે, મહેસાણા અર્બુદા સેનાની આજે જિલ્લા કારોબારી બેઠક મળી હતી. અર્બુદા સેનાની કારોબારી બેઠકમાં રાજકીય રંગ જોવા મળ્યો હતો. વિપુલ ચૌધરીએ વિસનગરથી ચૂંટણી લડવાના સંકેત આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે. 


ઉલ્લેખનીય છે કે, દૂધસાગર ડેરીમાં ચૂંટણી હારનાર વિપુલ ચૌધરી, હરિભાઇ ચૌધરીના જૂથો હાલમાં શક્તિ પ્રદર્શનમાં વ્યસ્ત છે. તો હવે રાજકીય લાભ માટે સમાજનો ઉપયોગ થઈ રહ્યો છે. વિપુલ ચૌધરી થોડા સમય પહેલા ભાજપના નેતાઓથી નારાજ ચાલી રહ્યા હતા. પરંતુ આજે એકાએક તેમના સૂર બદલાયા છે અને પોતાનું અસ્તિત્વ ટકાવવા મરણિયા પ્રયાસો કરી રહ્યાં છે.


દૂધસાગરમાંથી સત્તા ગુમાવ્યા બાદ હાલમાં વિપુલ ચૌધરી વિધાનસભાની ચૂંટણીમાં સક્રિય થઈ ગયા છે. હવે શું સમાજને હાથો બનાવવાથી રાજકીય નેતાઓને રાજકીય પદ મળશે એ પણ એક સવાલ છે? વિપુલ ચૌધરી ભૂતકાળમાં રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન રહી ચૂક્યા છે. શંકરસિંહ વાઘેલા સરકારમાં વિપુલ ચૌધરીનો ભારે દબદબો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube