ગાંધીનગર : બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષામાં ગેરરીતિ થયાનું સામે આવતાં પરીક્ષા રદ કરાવવા માટે છેલ્લા બે દિવસથી ગાંધીનગર ખાતે ધરણાં પ્રદર્શન કરી રહેલા પરીક્ષાર્થીઓને સંબોધતાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ રણટંકાર કર્યો હતો કે, ગેરરીતિ વાળી પરીક્ષા રદ કરાવીને જ રહીશું. બુધવારે સવારથી જ ગાંધીનગર ખાતે વિદ્યાર્થીઓ ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે. આખી રાત રસ્તા પર વિતાવ્યા બાદ આજે ગુરૂવારે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક થઇ હતી જે બાદ યુવરાજસિંહે આંદોલન ખતમ કરવાનો સંકેત આપ્યો હતો અને છેલ્લા પરીક્ષા રદ કરાવવાનો પણ હૂંકાર કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુવરાજ સિંહે જણાવ્યું કે, 'અમારી માગ પહેલાથી જ હતી કે આપણી પાસે જે પુરાવા છે તેના અંગે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. સરકાર તટસ્થ રીતે તપાસ કરશે. સરકારને એક પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. આથી, આપણા પુરાવાની પ્રોસિજર માટે આપણે સરકાર સમક્ષ એસઆઈટી રચનાની માગ કરી હતી. એસઆઈટીમાં એક પણ રાજકીય વ્યક્તિ જોડાયેલો નહીં હોય. આ એસઆઈટી એકદમ સચોટ તપાસ કરશે.'


યુવરાજ સિંહે જણાવ્યું કે, 'આ એસઆઈટી કેવી રીતે તપાસ કરશે તેની વિદ્યાર્થીઓને જાણ કરવાની રહેશે. જો વિદ્યાર્થીઓ ઈચ્છે તો અને તો જ હું આ સમિતિમાં સંકળાયેલો રહીશ અને કેવા પ્રકારની તપાસ ચાલી રહી છે તેની વિગતો મેળવતી રહીશ. આપણી પાસે રહેલા પુરાવા અંગે સરકારે સંપૂર્ણપણે તટસ્થ તપાસ કરવાની રહેશે. જે લોકો ચર્ચા કરી રહ્યા છે કે એસઆઈટી એક લોલીપોપ છે. આ વાત ખોટી છે. સરકારની એક ચોક્કસ પ્રક્રિયા હોય છે અને દ્વારા જ સરકાર આગળ વધતી હોય છે.'


યુવરાજ સિંહે વધુમાં કહ્યું કે, "મારી તમામ વિદ્યાર્થીઓને વિનંતી છે કે તમે કોઈ રાજકીય હાથો ન બનતાં. અનેક રાજકીય નેતાઓ હસ્તક્ષેપ કરવા માગી રહ્યા છે. આપણો મુદ્દો સરકારે સ્વીકાર્યો છે. આથી આપણે સરકારની પ્રક્રિયાને અનુસરવું પડશે. રાજકીય નેતાઓ ફક્ત ને ફક્ત તમારો ઉપયોગ કરી રહ્યા છે. મારી વિનંતી છે કે તમે તેવા લોકોથી દૂર રહો."


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube