ગાંધીનગર :બિનસચિવાલય આંદોલનમાં વિદ્યાર્થી નેતા બનેલા યુવરાજસિંહે પરીક્ષા રદ્દ કરવાની માંગ સાથે ચાલુ કરેલુ આંદોલન અધવચ્ચે જ સંકેલીને ચાલતી પકડી છે. જેના કારણે તેની સાથે રહેલા વિદ્યાર્થીઓ અવઢવમાં મુકાયા છે. આવી સ્થિતિમાં તમામ કોંગ્રેસી નેતાઓ વિદ્યાર્થીઓની પડખે ઉભા રહ્યા હતા. પરેશ ધાનાણીએ પરીક્ષા રદ્દ નહી કરવામાં આવે ત્યાં સુધી ત્યાં જ બેસવાની જાહેરાત કરી છે. ત્યારે તેઓએ આખી રાત વિદ્યાર્થીઓ સાથે વિતાવી હતી. તો સાથે જ તેમણે ભૂખ્યા વિદ્યાર્થીઓને ખીચડી બટાકાનું ભોજન કરાવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જિગ્નેશ મેવાણીનો ટેકો
બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષા મામલામાં વિદ્યાર્થીઓ બે દિવસથી ભૂખ્યા ગાઁધીનગરમાં બેસી રહ્યાં છે. ત્યારે વિપક્ષ નેતા પરેશ ધાનાણી ગઈકાલે રાત્રે વિદ્યાર્થીઓ માટે ખીચડી અને બટેકાનું શાક બનાવી લાવ્યા હતા. તેમણે સત્યાગ્રહમાં હાજર પરિક્ષાર્થીઓને ખીચડી શાક પિરસ્યુ હતું. તો બીજી તરફ, આ આંદોલનને ટેકો આપવા વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ગાંધીનગર પહોંચ્યા હતા.


ગેરરીતિની તપાસ માટે રચાયેલી SITની મળશે આજે પહેલી બેઠક
સરકારે બનાવેલી SITની પહેલી બેઠક આજે ગાંધીનગરમાં મળશે. બિનસચિવાલય ક્લર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાના આક્ષેપોની તપાસ માટે રાજ્ય સરકારે ચાર સભ્યોની સીટની રચના કરી છે. રાજ્યના અગ્રસચિવ કમલ દયાણીને SITના ચેરમેન બનાવાયા છે. SITમાં એડિશનલ DGPને સભ્ય બનાવ્યા છે. પરીક્ષામાં ગેરરીતિની તપાસ SIT કરશે. ગાંધીનગર રેન્જ IG મયંકસિંહ ચાવડાને પણ SITના સભ્ય બનાવાયા છે. SITનો રિપોર્ટ જાહેર ન થાય ત્યાં સુધી પરિણામ જાહેર નહીં કરવામાં આવે. SITની તપાસમાં વિદ્યાર્થી નેતાઓની માગણીનો સ્વીકાર કરાયો છે. 10 દિવસ તપાસ કરીને SIT સરકારને અહેવાલ સોંપશે. SITના રિપોર્ટ બાદ સરકાર આગળનો નિર્ણય કરશે. SITમાં ગૌણ સેવા મંડળનો કોઈ સભ્ય નથી. કેમ કે, અસિત વોરા સહિત એક પણ સભ્ય ઉપર વિદ્યાર્થીઓને ભરોસો નથી. અસિત વોરાનું વિદ્યાર્થીઓ રાજીનામું માગી રહ્યા છે.


વિદ્યાર્થી આંદોલનમાંથી હાલ પુરતા યુવરાજ આઉટ
બિન સચિવાલયની પરીક્ષા રદ કરવા ગાંધીનગરમાં મોરચો માંડીને બેઠા વિદ્યાર્થીઓના આંદોલનમાં હવે કોંગ્રેસે ઝૂકાવ્યું છે. SITની રચના થતાં વિદ્યાર્થીઓના નેતા યુવરાજસિંહ જાડેજા આઉટ થયા પછી તરત જ આંદોલનની કમાન કોંગ્રેસે સંભાળી લીધી છે. કોંગ્રેસના નેતાઓ આંદોલન સ્થળે રાત વિતાવી. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી, કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલ પણ આ આંદોલનમાં સામેલ થયા છે. પરેશ ધાનાણીનો હુંકાર- પરીક્ષા રદ નહીં થાય ત્યાં સુધી અહીંયા જ રોકાઈશું. 9 ડિસેમ્બરે વિધાનસભા તરફ કોંગ્રેસ કૂચ કરશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube